<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

વડોદરાના પોર નજીક ઈકો કાર અને ટ્રક સામ-સામે ટકરાતા યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત

લગ્ન પ્રસંગમાંથી પરત ફરતા યુવકને કાળ ભરખી ગયો : પરિવાર પર આભ તૂટી પડ્યું

વડોદરા જિલ્લાના પોર ગામ નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ઈકો કાર અને ટ્રક સામ-સામે ધડાકાભેર ભટકાતા એક યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, પોર ગામમાં રહેતા યોગેશ અરવિંદ તડવી (27) પોતાની ઈકો કારમાં મિત્ર પંકજ પરમાના પરિવારને લઈને વડોદરામાં એક લગ્નપ્રસંગમાં લઈને આવ્યા હતા. મોડી રાતે અઢી વાગ્યાની આસપાસ યોગેશ તડવી મિત્રના પરિવારને ટીમ્બરવા ગામમાં ઉતારીને પોર સ્થિત પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.

આ દરમિયાન તેમની ઈકો કાર કાયાવરોહણ-પોર માર્ગ પર આવેલ અણખી ગામ નજીક પહોંચી, ત્યારે સામેથી આવતા ડમ્પર ટ્રક સાથે ધડાકાભેર ભટકાઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે, યોગેશ તડવી કારના આગળના ભાગમાં ફસાઈ ગયા હતા.

જ્યારે અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક પોતાનું વાહન મૂકીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. બીજી તરફ આ અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે આવી પહોંચેલી વરણામા પોલીસ અને ફાયર વિભાગની ટીમે ઈકો કારના પતરાં ચીરીને યોગેશના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં યોગેશ તડવી પોર GIDCમાં નોકરી કરતો હતો અને તેને 6 વર્ષનો પુત્ર છે. જ્યારે તેના પિતા અરવિંદ તડવી છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના કોલુ ગામે ખેતી કરે છે. આ ઘટનાની જાણ થતાં મૃતક યોગેશના પરિવારજનો તેમજ ગ્રામજનો પોલીસ સ્ટેશને આવી પહોંચ્યા હતા. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે.

(10:46 PM IST)