News of Saturday, 13th December 2025
૨૧મીએ સાહિત્ય સંશોધક ડો.નિરંજન રાજયગુરૂને રાષ્ટ્રીય સ્તરનો લાઇફટાઇમ એચિવમેન્ટ પુરસ્કાર અપાશે
ગુજરાતી લોકકલા, લોક સાહિત્ય, સંત સાહિત્ય, ચારણી- બારોટી સાહિત્યના છેલ્લા ઘણા વર્ષોથી ખેડાણ કરતા બિરદાવાશે

રાજકોટ તા.૧૩: પશ્ચિમ ભારત સાંસ્કૃતિક કેન્દ્ર (વેસ્ટ ઝોન કલ્ચર સેન્ટર, ઉદયપુર- રાજસ્થાન) દ્વારા દર વર્ષે ૨૧ ડિસેમ્બરથી યોજાતા 'શિલ્પગ્રામ ઉત્સવ'ના ઉદ્દઘાટન સમયે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને ગોવાના ચાર રાજ્યોમાંથી લોકકલાના સંશોધન-સંરક્ષણ ક્ષેત્રે જેમનું અપ્રતીમ પ્રદાન હોય એવા એક વિદ્વાન મહાનુભાવને રાજસ્થાનના માનનીય રાજ્યપાલશ્રી તથા વેસ્ટ ઝોન કલ્ચર સેન્ટર, ઉદયપુરના અધ્યક્ષશ્રીના હસ્તે 'પદ્મભૂષણ ડો. કોમલ કોઠારી સ્મૃતિ લાઈફ ટાઈમ એચિવમેન્ટ લોકકલા પુરસ્કાર' એનાયત કરવામાં આવે છે.
આવતી ૨૧ ડિસેમ્બર ૨૦૨૫ રવિવારના રોજ રૂપિયા બે લાખ એકાવન હજારની ધનરાશિ સાથે રજત ચન્દ્રક અને શાલથી ગુજરાતી લોકકલા, લોકસાહિત્ય, સંતસાહિત્ય, ચારણી–બારોટીસાહિત્યના ક્ષેત્રમાં છેલ્લા પચાસ વર્ષથી ક્ષેત્રકાર્ય, સંશોધન, સંપાદન, પ્રકાશન, પ્રચાર, પ્રસાર કરનારા ડો. નિરંજન રાજ્યગુરુને આ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. નિરંજનભાઈને આ પહેલાં શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વરની પદવી, ભારતના મહામહિમ રાષ્ટ્રપતિજી દ્વારા સંગીત નાટક ''અકાદમી પુરસ્કાર'' દિલ્હી ઉપરાંત મોરારી બાપુ પ્રેરિત ''કાગ એવોર્ડ'', ''શિવમ એવોર્ડ', 'ફૂલછાબ કલા સાહિત્ય એવોર્ડ', ગુજરાત રાજ્ય સંગીત કલા અકાદમી 'ગૌરવ પુરસ્કાર', 'મોજદાનબાપુ લોકસાહિત્ય એવોર્ડ', 'પૂ.દયાળુશ્રી બાબુભાઈ રાણપુરા એવોર્ડ', 'શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ''-સૌ.યુનિ. રાજકોટ, ગુજરાતના ગવર્નરશ્રીના હસ્તે સંસ્કારભારતી- ''સંસ્કાર વિભુષણ એવોર્ડ'', ગુજરાત વિશ્વકોશ દ્વારા પદ્મ ભૂષણ શ્રી ધીરૂભાઈ ઠાકર ''સવ્યસાચી સારસ્વત એવોર્ડ'', ''ગુજરાત લોકકલા ફાઉન્ડેશન રાષ્ટ્રીય ગૌરવ પુરસ્કાર'', 'કાનજી ભૂટાભાઈ બારોટ એવોર્ડ', 'શ્રી મનુભાઈ પંચોળી 'દર્શક' એવોર્ડ' જેવાં અનેક સન્માનો પ્રાપ્ત થયેલાં છે. તેઓ ગુજરાતના જાણીતા સાહિત્યકાર, સંશોધક, વિવેચક, કોલમ લેખક, અવલોકનકાર, નાટયકાર, શ્રીવિદ્યા ઉપાસક, ગોસેવક, લોકવિદ્યાવિદ્, લોકગાયક, કવિ અને દૂરદર્શન ટી.વી.-રેડિયોના જીવંત પ્રસારણોમાં લાઈવ કોમેન્ટ્રી આપનારા એ ગ્રેડના તજ્જ્ઞ કલાકાર છે. તેમના સંતસાહિત્ય, લોકસાહિત્ય, ચારણીસાહિત્ય, લોકસંગીત- ભકિતસંગીત અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધન- અભ્યાસના ફળસ્વરૂપે પચાસ જેટલાં પુસ્તકો પ્રકાશિત થયાં છે.
ગોંડલ પાસેના ઘોઘાવદર ગામે એમણે સ્થાપેલા ''આનંદ આશ્રમ''માં વીસ હજાર અપ્રાપ્ય ગ્રંથોનું સંદર્ભ ગ્રંથાલય, હસ્તપ્રતભંડાર અને પરંપરિત ભકિતસંગીત/લોકસંગીતનું ધ્વનિમુદ્રણ સચવાયાં છે. છેલ્લા ત્રીશેક વર્ષથી જીવદયા અને ગૌસેવાની પ્રવૃતિઓ તથા અન્ય સેવાકાર્યો થાય છે. સાંઠ જેટલી ગાયોની ગૌશાળા છે. ''સુરભિકા'' નામે પંચગવ્યમાંથી ગોૈઉત્પાદન રૂપે ધૂપસ્ટિક, ધૂપકપ જેવી વિવિધ પ્રકારની યજ્ઞ સામગ્રીનું ઉત્પાદન પણ થાય છે. રોજના પિસ્તાલીશ કુટુંબોને મફત છાશ તથા રાહતભાવે દૂધ અપાય છે. કોઈ શિષ્ય, સેવક, અનુયાયી, ધર્મ, પંથ, સંપ્રદાય, ફંડફાળા-દાન સહાય/અનુદાન કે જાહેરાત વિના જ કેટલાક અંગત સ્નેહીજનોના સહકારથી આ સંસ્થાની સેવા પ્રવૃત્તિઓ થાય છે. (મો.૯૮૨૪૩ ૭૧૯૦૪)
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
