<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિ તા. ૧૬ થી ૧૮ ડિસેમ્બર સુધી ૪ જિલ્લાના અભ્યાસ પ્રવાસે : સૌરાષ્ટ્રના ત્રિદિવસીય પ્રવાસ દરમિયાન આ સમિતિ વનીકરણ, એશિયાટિક સિંહ તથા દરિયાઈ સૃષ્ટિના જતન–સંવર્ધન સહિતના વિવિધ મુદ્દાઓ પર સંબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે

જામનગર ખાતે આવેલા વનતારાની મુલાકાત લેશે,બીજા દિવસે તા. ૧૭ ડિસેમ્બરના રોજ દેવભૂમિ દ્વારકા ખાતે આવેલા મરીન નેશનલ પાર્ક અને પોરબંદરના બરડા અભ્યારણની મુલાકાત લેશે

અમદાવાદ તા.૧૩ : ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિ તા. ૧૬ થી ૧૮ ડિસેમ્બર-૨૦૨૫ દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારના જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને ગીરસોમનાથ જિલ્લાના અભ્યાસ પ્રવાસે જશે. જે અંતર્ગત આ સમિતિ અભયારણ્ય અને મરીન નેશનલ પાર્ક સહિતના વિવિધ સ્થળોની મુલાકાત કરીને સામાજિક વનીકરણ, વૃક્ષારોપણ, દરિયાઈ સૃષ્ટિના જતન–સંવર્ધન, એશિયાટિક સિંહોના વ્યવસ્થાપન સહિતના મુદ્દાઓ પર સંબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે. આ ઉપરાંત સમિતિના સભ્યો સ્થાનિક નાગરિકો સાથે વિવિધ મુદ્દાઓ પર સંવાદ કરશે તેમ, ગુજરાત વિધાનસભા સચિવાલયની યાદીમાં જણાવાયું છે. 

યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર, આ સમિતિ સંભવિત તા. ૧૬ ડિસેમ્બર, મંગળવારના રોજ જામનગર ખાતે આવેલા વનતારાની મુલાકાત લેશે. બીજા દિવસે તા. ૧૭ ડિસેમ્બરના રોજ દેવભૂમિ દ્વારકા ખાતે આવેલા મરીન નેશનલ પાર્ક અને પોરબંદરના બરડા અભ્યારણની મુલાકાત લેશે. પ્રવાસના અંતિમ દિવસ એટલે કે તા. ૧૮ ડિસેમ્બરના રોજ આ અંદાજ સમિતિ સોમનાથ મંદિર અને સાસણ ગીરની મુલાકાત લેશે.

 

(12:21 PM IST)