<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

ભરુચમાં આંતરરાજ્ય દેહવ્યાપારના રેકેટનો થયો પર્દાફાશ : 12 બાંગ્લાદેશી અને 2 પશ્ચિમ બંગાળની મહિલાઓનું રેસ્ક્યુ

પોલીસે બાંગ્લાદેશી મુખ્ય એજન્ટ ફારૂક શેખ સહિત ચાર આરોપીઓને ઝડપી પાડ્યા

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની એક સંયુક્ત કામગીરીમાં ગેરકાયદેસર આંતરરાજ્ય દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે બાંગ્લાદેશી મુખ્ય એજન્ટ ફારૂક શેખ સહિત ચાર આરોપીઓને ઝડપી પાડ્યા અને 12 બાંગ્લાદેશી તથા 2 પશ્ચિમ બંગાળની મહિલાઓ સહિત કુલ 14 મહિલાઓનું રેસ્ક્યુ કર્યું છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, ફારૂક શેખ બાંગ્લાદેશી મહિલાઓને ભારતમાં નોકરી આપવાની લાલચ આપી લાવતો હતો. ભારતમાં લાવ્યા બાદ મહિલાઓને સ્પા, બ્યુટી પાર્લર તથા ગેસ્ટ હાઉસમાં સેક્સ વર્કર તરીકે કામ પર ધકેલતો હતો.

ફારુક શેખે છેલ્લા 10 વર્ષથી આ કાર્ય અલગ અલગ રાજ્યોમાં ચલાવ્યું છે. ભરૂચ અને અંકલેશ્વર ખાતે અલગ અલગ સ્થળોએ કરવામાં આવેલી રેઇડમાં ત્રણ સ્પા અને એક ગેસ્ટ હાઉસમાં આવી કામગીરીનો ભંડાફોડ થયો હતો.

પોલીસે આરોપીઓ પાસેથી પાંચ મોબાઇલ ફોન, ચાર બાંગ્લાદેશ નેશનલ આઈડીની નકલો અને અન્ય સામાન કબજે કર્યો છે, જે કુલ રૂ. 65 હજારની કિંમતનો છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ, ધ ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ અને ભારતીય દંડ સંહિતા હેઠળ ગુનો નોંધાયો છે.

રેસ્ક્યુ કરાયેલી મહિલાઓએ જણાવ્યું કે, તેઓ આર્થિક તંગી અને રોજગારીની તકના કારણે ભારતમાં આવી, પરંતુ ફારૂક શેખ દ્વારા તેમને નોકરીના બહાને સેક્સ વર્કમાં ધકેલવામાં આવી. અન્ય કેટલીક મહિલાઓને મહારાષ્ટ્ર, રાજસ્થાન, અને ગોવા જેવા રાજ્યોમાં અન્ય એજન્ટો મારફતે મોકલવામાં આવી છે.

(11:52 PM IST)