<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th December 2025

સુરતમાં મૃત નવજાત શીશુ મળી આવ્‍યુઃ બાળકની સ્‍થિતિ જોઇ લોકોએ રોષ ઠાલવ્‍યો

બાળકના શરીર પર ઇજાના નિશાન, મોઢુ પણ છુંદાયેલી હાલતમાં હતું, આવા દૃશ્‍યો જોઇ લોકોના હૃદય કંપી ઉઠયા, કૃત્‍ય કરનાર વ્‍યકિતને કડક સજા ફટકારવામા માંગ

સુરતઃ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ગામના પૂર્વ વિસ્તારમાં આજે સવારે એક અત્યંત કરુણ અને અમાનવીય ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. કીમ ગામના સંગમ ઢાળ વિસ્તારમાંથી ત્યજી દેવાયેલું મૃત નવજાત શિશુ મળી આવ્યું હતું, જેની સ્થિતિ જોઈને સ્થાનિકોમાં ભારે આઘાત અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ, આજે સવારે સ્થાનિકોએ સૌપ્રથમ આ મૃત બાળકને જોયું હતું. નવજાત બાળકની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી અને તેના શરીર પર ઈજાના નિશાન હતા, જેમાં સૌથી કરુણ વાત એ હતી કે બાળકનું મોઢું પણ છુંદાયેલી હાલતમાં હતું. આ અમાનવીય દ્રશ્ય જોઈને લોકોના હૃદય કંપી ઉઠ્યા હતા. આ માસૂમ બાળકને ત્યજી દેવાના અને તેની સાથે આવા અમાનુષી વ્યવહાર બદલ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો માંગ કરી રહ્યા છે કે આ કૃત્ય કરનાર વ્યક્તિ કે વ્યક્તિઓને શોધીને કડકમાં કડક સજા કરવામાં આવે.

બનાવની જાણ થતાં જ કીમ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મૃત નવજાત બાળકના મૃતદેહનો કબજો મેળવ્યો હતો અને તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો છે. પોલીસે આ મામલાની ગંભીરતાથી નોંધ લઈને ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવા અને સ્થાનિકોની પૂછપરછ કરીને પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ મૃત બાળકને કોણે અને કયા સંજોગોમાં અહીં ત્યજી દીધું હતું. પોલીસે ખાતરી આપી છે કે આ અમાનવીય કૃત્ય કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

 

 

 

 

ભરૂચમાં માનવ તસ્‍કરી રેકેટનો પર્દાફાશઃ ૧૪ યુવતીઓને બચાવી લેવાઇ, ૪ની ધરપકડ

ભરુચ ક્રાઇમ બ્રાન્‍ચ અને એસઓજીનું સંયુકત ઓપરેશનઃ આર્થિક રીતે નબળી મહિલાઓને ઘરકામ કે બ્‍યુટી પાર્લરમાં નોકરી આપવાનું વચન આપી ભારતમાં લાવવામાં આવતી, ત્‍યારબાદ ભરુ, અંકલેશ્‍વર, ગોવા, મહારાષ્‍ટ્ર અને રાજસ્‍થાનના સ્‍પા અને ગેસ્‍ટહાઉસમાં સેકસ વર્ક તરીકે કામ કરવાની ફરજ પાડવામાં આવતી

ભરૂચઃ ભરૂચ જિલ્લામાં પોલીસે બાંગ્લાદેશી મહિલાઓની તસ્કરી કરીને તેમને દેહવેપારમાં ધકેલી દેતા એક મોટા આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કર્યો છે. ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા સંયુક્ત ઓપરેશનમાં, મુખ્ય બાંગ્લાદેશી એજન્ટ ફારૂક શેખ સહિત ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સફળ દરોડામાં બાર બાંગ્લાદેશી અને બે પશ્ચિમ બંગાળની મળીને કુલ 14 યુવતીઓને બચાવી લેવામાં આવી હતી.

 

પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણાના જણાવ્યા અનુસાર, આ રેકેટ આર્થિક રીતે નબળી મહિલાઓને ઘરકામ કે બ્યુટી પાર્લરમાં નોકરી આપવાનું વચન આપીને ભારતમાં લાવવામાં આવતી હતી. ત્યારબાદ તેમને ભરૂચ, અંકલેશ્વરમાં તેમજ ગોવા, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના સ્પા અને ગેસ્ટ હાઉસમાં સેક્સ વર્કર તરીકે કામ કરવાની ફરજ પાડવામાં આવતી હતી.

 

ગુપ્ત માહિતીના આધારે, પોલીસે જંબુસર બાયપાસ રોડ પર અલ્ફારુક પાર્ક સોસાયટીમાં રહેતા બાંગ્લાદેશી એજન્ટ ફારૂક શેખને ઝડપી પાડ્યો હતો. ફારૂકે કબૂલાત કરી હતી કે તે લગભગ 10 વર્ષ પહેલા ગેરકાયદેસર રીતે ભારતમાં આવ્યો હતો અને પશ્ચિમ બંગાળમાંથી ખોટા દસ્તાવેજો બનાવીને ભારતીય ઓળખપત્રો મેળવ્યા હતા. તેણે અત્યાર સુધીમાં લગભગ 60 બાંગ્લાદેશી મહિલાઓને ભારતમાં લાવવાની કબૂલાત કરી હતી.

 

ફારૂકના ખુલાસા બાદ, પોલીસે ભરૂચ અને અંકલેશ્વરના મુસ્કાન સ્પા, સમાના ગેસ્ટ હાઉસ અને ગોલ્ડન સ્પા પર દરોડા પાડીને અન્ય 10 મહિલાઓને બચાવી હતી. બચાવાયેલી મહિલાઓએ રોજગારના બહાને ગેરકાયદેસર રીતે ભારત આવ્યા બાદ દેહવેપારમાં ધકેલી દેવાયાની હકીકત જણાવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન અને બાંગ્લાદેશી ઓળખ કાર્ડની નકલો સહિત ₹65,000 ની કિંમતની વસ્તુઓ જપ્ત કરી છે.

 

પોલીસે આરોપીઓ સામે અનૈતિક ટ્રાફિક નિવારણ અધિનિયમ, ઇમિગ્રેશન અને ફોરેનર્સ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને, આંતરરાજ્ય નેટવર્કના અન્ય એજન્ટો અને મહિલાઓને લાવવાના માર્ગોની વિગતવાર તપાસ શરૂ કરી છે.

(1:58 PM IST)