News of Sunday, 14th December 2025
તિલકવાડા નજીક નર્મદા નદીમાં ડૂબી જતા રાજસ્થાન શિરોહી જિલ્લાના ભાજપ નેતા દલપત પુરોહિતનું દુઃખદ નિધન
દલપત પુરોહિતે પોતાના તથા અન્ય સમાજના ઉત્થાન માટે લાખો રૂપિયાનું દાન પણ કર્યું છે, તેઓ સિરોહી જિલ્લાના ભામાશા તરીકે પણ પ્રખ્યાત હતા: દલપત પુરોહિતની સ્મશાન યાત્રામાં રાજસ્થાન ભાજપના દિગ્ગજ નેતાઓ સહિત મોટી સંખ્યામાં તમામ સમાજના આગેવાનો સહિત આસપાસના ગ્રામજનો જોડાયા

( ભરત શાહ દ્વારા ) રાજપીપળા: રાજસ્થાન સિરોહી જિલ્લાના મંડવારિયા ગામના દિગ્ગજ ભાજપ નેતા દલપત પુરોહિતનું નર્મદા જિલ્લાના તિલકવાડા નજીક નર્મદા નદીમાં સ્નાન કરતી વખતે ડૂબી જતા દુખદ નિધન થયું છે.આ નિધનથી રાજસ્થાનના સિરોહી જિલ્લાના લોકોમાં શોકની લાગણી ફેલાઈ છે.
ફક્ત પાણી પી ને નર્મદા પરિક્રમા કરતા શ્રી અવધૂત દાદા ગુરુ 12 મી ડિસેમ્બરે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં આવી રહ્યા હતા.શ્રી અવધૂત દાદા ગુરુના દર્શનાર્થે રાજસ્થાન સિરોહી જિલ્લાના દિગ્ગજ ભાજપ નેતા દલપત પુરોહિત પોતાના પરિવાર સાથે આવ્યા હતા.તેઓ તિલકવાડા તાલુકાના મોરિયા ગામ નજીક નર્મદા નદીના કિનારે સ્નાન કરવા અને માછલીને દાણા ખવડાવવા ગયા દરમિયાન અચાનક નદીના ખાડામાં પગ લપસી જતા ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.પરિવારના સભ્યોએ મદદ માંગી એ દરમિયાન સ્થાનિક તરવૈયાઓએ અડધો કલાક બાદ એમને પાણીમાંથી બહાર કાઢ્યા હતા.જે બાદ એમને તુરંત સારવાર માટે ડભોઈની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા જ્યાં હાજર તબીબોએ એમને મૃત જાહેર કર્યા હતા.
અત્રે એ ઉલ્લેખનીય છે કે 38 વર્ષીય દલપતકુમાર મગનલાલ પુરોહિત રાજસ્થાન જિલ્લાના રાજ પુરોહિત સમાજની તમામ સંસ્થાઓ સાથે જોડાયેલા હતા.તેઓએ પોતાના તથા અન્ય સમાજના ઉત્થાન માટે લાખો રૂપિયાનું દાન પણ કર્યું છે.તેઓ સિરોહી જિલ્લાના ભામાશા તરીકે પણ પ્રખ્યાત હતા.સાથે સાથે તેઓ મંડવારિયા ગામના સરપંચ હતા, એક ગૌ સેવક અને રાજસ્થાન બ્રહ્મધામ કાલંદ્રીના ઉપાધ્યક્ષ તથા રાજસ્થાન બ્રહ્મધામ આસોતરાના ટ્રસ્ટી તરીકે પણ સેવાઓ આપી રહ્યા હતા.દલપતકુમાર મગનલાલ પુરોહિતનો મૃતદેહ જ્યારે એમના વતન મંડવારિયા પહોંચ્યો ત્યારે આખું ગામ હીબકે ચઢ્યું હતું.એમની સ્મશાન યાત્રામાં રાજસ્થાન ભાજપના દિગ્ગજ નેતાઓ સહિત મોટી સંખ્યામાં તમામ સમાજના આગેવાનો સહિત આસપાસના ગ્રામજનો જોડાયા હતા.
(10:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
