તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Monday, 15th December 2025
CM, પ્રમુખ, DyCM દિલ્હી જઇ આવ્યાઃ હવે સંગઠનની બાકી નિમણૂકો થશે
શનિવારે સાંજે SOS આવતા ભૂપેન્દ્રભાઇ, જગદીશ વિશ્વકર્મા, હર્ષ સંઘવી દિલ્હી રવાના થયા હતા અને રવિવારે સાંજે પરત ફર્યા હતા

ગાંધીનગર તા.૧૫(વિજય વસાણી દ્વારા) : ભારતીય જનતા પાર્ટીએ બે વર્ષ અગાઉથી શરૂ કરેલી સંગઠન સંરચનાની કામગીરીને હાલ કામચલાઉ રીતે પૂરી કરી છે. રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગીને લઇને ચાલી રહેલી કસમકસની સ્થિતિમાં વર્તમાન અધ્યક્ષ જે.પી. નડ્ડાની કેન્દ્રીય મંત્રીમંડળમાં આરોગ્યમંત્રી બન્યા પછી પણ જવાબદારી યથાવત રહી હતી. પરંતુ બિહારની ચૂંટણીમાં ભાજપ-એનડીએના વિક્રમી દેખાવ બાદ રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા કાયમીના સ્થાને કાર્યકારી અધ્યક્ષ તરીકે વર્તમાન બિહાર સરકારના મંત્રી એવા નિતિન નબીનને જવાબદારી સોંપવાનો અને નડ્ડાને અધ્યક્ષીય જવાબદારીમાંથી મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. આ સમગ્ર પ્રક્રિયાને ઝડપથી પૂરી કરવાના ભાગરૂપે રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા ભાજપ શાસિત રાજ્યોના આગેવાનોને નવી દિલ્હી બોલાવીને કેટલીક ચર્ચા કરી હતી. તેમાં ગુજરાતમાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પણ શનિવારે એકાએક તેડું આવતા તમામ કાર્યક્રમોને સ્થગિત કરી ત્રણેય નેતાઓ દિલ્હી દોડ્યા હતા અને રવિવારે સાંજે પરત ફર્યા હતા.
ભાજપના જાણકાર સૂત્રોના કહેવા પ્રમાણે, અગાઉ રાજનાથસિહ અધ્યક્ષ હતા ત્યારે અમિતભાઇ શાહને આવી જ રીતે કાર્યકારી અને પછી કાયમી, એ પછી જે.પી. નડ્ડાને જવાબદારી સોંપવામાં આવી હતી. ભાજપ દેશમાં અન્ય પક્ષો દ્વારા અપનાવાતી પ્રક્રિયાથી વિપરિત કાર્યકરો સહિત સૌને આヘર્યમાં મૂકે તેવા નામો પસંદ કરે છે. નબીન પણ ૪૫ વર્ષીય યુવા અને સતત પાંચ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે. છત્તીસગઢના ચૂંટણી પ્રભારી તરીકે તેમણે પોતાની સંગઠનાત્મક કૌશલ્યનું પ્રદર્શન કરી ભાજપને જીત અપાવી હતી. આથી નેતૃત્વને તેમના સંગઠનાત્મક પાવરની જાણકારી હોવાથી આ નિર્ણય લીધો હોવાનું મનાય છે. જોકે, આ પસંદગી પ્રક્રિયામાં પોતાના રાજ્યોના આગેવાનો સાથે નેતૃત્વ દ્વારા પરામર્શ કરાયો હતો.
ગુજરાતના ત્રણેય નેતાઓએ શનિવારે નવી દિલ્હીની વાટ પકડી પછી એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, નવા પ્રમુખ પદે જગદીશ વિશ્વકર્માને જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે તેઓની નવી ટીમમાં સિનિયરો અને યુવાઓનું બેલેન્સ રાખવા માટેની એક નવી જ યાદી રાષ્ટ્રીય નેતૃત્વ સાથેની ચર્ચામાં તૈયાર થઇ છે. આ જ રીતે શહેરો, જિલ્લાઓથી લઇ વોર્ડ સુધીના બાકીના હોદ્દેદારો માટે પણ કેવા પ્રકારની પસંદગી કરવી તેના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહ પાસેથી માર્ગદર્શન મેળવાયું છે. નવા પ્રમુખની પસંદગી સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી ટીમની રચના પણ કરી દેવામાં આવી હોવાથી એમ સમજાય છે કે હવે સરકાર અને સંગઠન વચ્ચે વધુને વધુ સંકલન સાથે આગમી સ્થાનિક ચૂંટણીઓ જીતવા માટે રણનીતિ અપનાવવામાં આવશે. આ બેઠકમાં વડનગર પ્રોજેક્ટની પણ ચર્ચા થઇ હતી.
રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા અગાઉની જેમ નવા મંત્રીમંડળને પણ ‘પરફોર્મ ઓર પેરીસ' નીતિ અંગે સ્પષ્ટ સંકેતો આપી દીધા છે. પટેલના અગાઉના મંત્રીમંડળમાં પણ આ નીતિના ભાગરૂપે દસથી વધારે મંત્રીઓને રવાના કરી દેવાયા હતા જ્યારે બાકીના યથાવત રખાયેલા પૈકીના અડધા મંત્રીઓના ખાતાઓમાં ફેરબદલ કરી દેવામાં આવ્યા છે. હવે ભાજપ નેતૃત્વનું લક્ષ્ય સ્થાનિક સ્વરાજ્યની મહત્ત્વની ચૂંટણીઓ અને વિધાનસભાની ૨૦૨૭ની ચૂંટણીઓમાં પફોર્મન્સ જાળવી રાખવાનું છે. ત્યારે હવે જોવાનું રહે છે કે પ્રદેશથી લઇને વોર્ડમાં કેવા ચહેરાની પસંદગી આગામી દિવસોમાં જાહેર થાય છે
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
