<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

ગાંધીનગરમાં છાપરા વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ: બાળકીના મામા સહિત ચાર શકમંદની અટકાયત

બાળકીના માતા-પિતા વચ્ચે અણબનાવ હોવાથી તેની માતા બાળકીને લઈને તેના પિયરમાં (નાના-નાની સાથે) છાપરા વિસ્તારમાં રહે છે.

ગાંધીનગરના સેક્ટર-24 સ્થિત ઇન્દિરા નગર છાપરા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક શ્રમજીવી પરિવારની આશરે પાંચ વર્ષીય બાળકી પર રાત્રિના અંધકારમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ પોલીસે બાળકીના મામા સહિત ચાર શંકાસ્પદોને અટકાયતમાં લીધા છે અને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, ગત રાત્રિના સમયે શ્રમજીવી પરિવારના સભ્યો છાપરામાં સૂઈ રહ્યા હતા. આ દરમિયાન આશરે પાંચ વર્ષીય બાળકી શૌચક્રિયા માટે જાગી હતી. આ તકનો લાભ ઉઠાવીને કોઈ અજાણ્યા શખ્સે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું.ઘટના બાદ ભયભીત થયેલી બાળકી તેની દાદી પાસે જઈને સૂઈ ગઈ હતી અને "ભૂત આવ્યું, ભૂત આવ્યું" કહીને રડવા લાગી હતી.

બાળકીની દાદીએ તેને શાંત પાડી તપાસ કરતા તેના વસ્ત્રો લોહીથી ખરડાયેલા જોવા મળ્યા હતા. કોઈ અનિચ્છનીય ઘટના બની હોવાની શંકા જતા, દાદી બાળકીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં કરાયેલી તબીબી તપાસમાં બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની પુષ્ટિ થઈ હતી. આ અંગે પોલીસને જાણ થતા ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બાળકીના માતા-પિતા વચ્ચે અણબનાવ હોવાથી તેની માતા બાળકીને લઈને તેના પિયરમાં (નાના-નાની સાથે) છાપરા વિસ્તારમાં રહે છે. ઘટના બની તે વખતે પરિવારના તમામ સભ્યો સૂઈ ગયા હતા. પોલીસે આ જઘન્ય કૃત્યના સંબંધમાં બાળકીના મામા સહિત આશરે ચારેક લોકોને શંકાના આધારે પૂછપરછ માટે અટકાયતમાં લીધા છે.

વધુ પુરાવા એકત્રિત કરવા માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી નમૂનાઓ એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરીને આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન તપાસ શરૂ કરી છે.

(1:08 PM IST)