<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

લાંચ લેતા CID ક્રાઈમના PI પેથા પટેલ અને કોન્સ્ટેબલ વિપુલ દેસાઈ, અધધધ ₹ ૩૦ લાખ સાથે રંગેહાથ ઝડપાયા : ગાંધીનગરના સરગાસણમાં ACBની સફળ ટ્રેપ : જુઓ વિડિયો

કોલ સેન્ટરના ગુનામાં કાર્યવાહી ન કરવા માટે જાગૃત નાગરિક પાસે તગડી રકમની લાંચ માંગવામાં આવી હતી : અમદાવાદ ACB ટીમે ડી.એન. પટેલના સુપરવિઝન હેઠળ છટકું ગોઠવી બંને આરોપીઓને સરગાસણ ખાતે દબોચી લીધા

ગાંધીનગર, તા. ૧૫ ડિસેમ્બર, ૨૦૨૫ : ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ આજે ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં એક મોટી સફળ ટ્રેપ ગોઠવીને CID ક્રાઈમ, સી.આઈ. સેલના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને એક આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલને ₹ ૩૦ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.
આરોપીઓની વિગતો:
૧. પેથાભાઈ કરમશીભાઈ પટેલ, હોદ્દો: પોલીસ ઇન્સ્પેક્ટર, સી.આઈ.ડી. ક્રાઈમ, સી.આઈ.સેલ, ગાંધીનગર.
૨. વિપુલભાઈ બાબુભાઈ દેસાઈ, હોદ્દો: આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ, સી.આઈ.ડી. ક્રાઈમ, સી.આઈ.સેલ, ગાંધીનગર.
કેસની વિગત:
CID ક્રાઈમ, સી.આઈ. સેલના પોલીસ ઇન્સ્પેક્ટર પેથા પટેલ અને કોન્સ્ટેબલ વિપુલ દેસાઈએ એક જાગૃત નાગરિક (ફરિયાદી) અને તેના મિત્ર વિરુદ્ધ CID ક્રાઈમ, ગાંધીનગર ઝોન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના ર.નં. ૨૨/૨૦૨૪ (કોલ સેન્ટરનો ગુનો) ના કામે કોઈ કાર્યવાહી ન કરવા માટે ₹ ૩૦,૦૦,૦૦૦/- (ત્રીસ લાખ રૂપિયા) ની લાંચની માંગણી કરી હતી.
ACBનું ઓપરેશન:
ફરિયાદી લાંચની આ રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. જેના પગલે અમદાવાદ શહેર ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન. પટેલ અને તેમની ટીમે લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ ટ્રેપ ગાંધીનગરના સરગાસણ ખાતે સ્વાગત સિટી મોલથી આગળ, ધી ઓફિસીસ હરી ગ્રુપ નામની નવી બનતી સાઈટ આગળના જાહેર રોડ પર ગોઠવવામાં આવી હતી.
લાંચના છટકા દરમિયાન આરોપી નંબર ૨ (કોન્સ્ટેબલ વિપુલ દેસાઈ) એ ફરિયાદી સાથે રૂબરૂમાં હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે ₹ ૩૦,૦૦,૦૦૦/- ની રકમ સ્વીકારી હતી. જ્યારે આરોપી નંબર ૧ (પીઆઇ પેથા પટેલ) એ લાંચ સ્વીકારવાની સંમતિ આપી હતી.
આ દરમિયાન ACB ટીમે બંને આરોપીઓને એકબીજાની મદદગારી કરીને લાંચ સ્વીકારવાના ગુનામાં રંગેહાથ ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓ પાસેથી લાંચની માંગેલી રકમ ₹ ૩૦ લાખ સંપૂર્ણપણે રિકવર કરવામાં આવી છે. આ સમગ્ર ઓપરેશનનું સુપરવિઝન ઇ.ચા. મદદનીશ નિયામક ડી.એન. પટેલે કર્યું હતું.

 

(4:06 PM IST)