News of Monday, 15th December 2025
ખેડૂતોને મોટી સૂચના : આ કામ નહીં કરો તો PM કિસાન સમ્માન નિધિનો 22મો હપ્તો જમા નહીં થાય
૨૨માં હપ્તાનો લાભ વિના વિલંબે મેળવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત આઇડી-ફાર્મર રજીસ્ટ્રીની નોંધણી ફરજિયાત

નવી દિલ્હી :પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના આગામી એટલે કે ૨૨માં હપ્તાનો લાભ વિના વિલંબે મેળવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત આઇડી-ફાર્મર રજીસ્ટ્રીની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે.
ગુજરાતના જે ખેડૂતોએ હજુ સુધી ફાર્મર રજીસ્ટ્રીમાં નોંધણી કરાવવાની બાકી હોય તેવા ખેડૂતોએ સત્વરે ખેડૂત આઇડીની નોંધણી કરાવવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
રાજ્યમાં બાકી રહી ગયેલા ખેડૂતો સત્વરે ફાર્મર રજીસ્ટ્રીમાં નોંધણી કરાવી શકે તે માટે અત્યારે ગ્રામીણ કક્ષાએ ઝૂંબેશ સ્વરૂપે નોંધણી કરવામાં આવી રહી છે. ખેડૂત લાભાર્થીઓએ સત્વરે નોંધણી કરાવવા માટે ગામના તલાટી કમ મંત્રી અથવા ગ્રામ સેવકનો સંપર્ક કરવાનો રહેશે.
આ ઉપરાંત ખેડૂતો જાતે ઘરેથી મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પણ નોંધણી કરી શકે છે. કોમન સર્વિસ સેન્ટર-CSC અથવા ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર મારફતે પણ ખેડૂત નોંધણી કરાવી શકાશે.
જણાવી દઈએ કે, 24 ફેબ્રુઆરી, 2019ના રોજ શરૂ PM કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના અંતર્ગત ખેડૂત પરિવારને વાર્ષિક રૂ. 6000/-ની નાણાંકીય સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
અગાઉ નવેમ્બર મહિનામાં વડાપ્રધાન મોદીએ તમિલનાડુના કોઈમ્બતુરથી પીએમ કિસાન સન્માન નિધિનો 21મો હપ્તો રિલીઝ કર્યો હતો. જે અંતર્ગત દેશના 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 18 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતના પણ 49.31 લાખથી વધુ ખેડૂતોને આ સહિય અંતર્ગત 986 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
(6:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
