<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

ખેડુતોના ૧૧ પ્રશ્નો ઉકેલોઃ ભૂપેન્‍દ્રભાઇને મળતું આમ આદમી પાર્ટીનું પ્રતિનિધી મંડળ

ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા, ચૈતર વસાવા, મનોજ સોરઠીયા સહિતના આગેવાનો ગાંધીનગર સ્‍વર્ણિમ સંકુલની મુલાકાતે

રાજકોટ તા.૧૬: AAPનું પ્રતિનિધિમંડળ રાજ્‍યના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇની મુલાકાત લેવા સ્‍વર્ણિમ સંકુલ ખાતે પહોંચ્‍યું છે. જેમાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, ચૈતર વસાવા અને મનોજ સોરઠિયા સહિતના આગેવાનો ગાંધીનગરમાં CMની મુલાકાત લેવા પહોંચ્‍યા છે. મુખ્‍યમંત્રીએ AAPના પ્રતિનિધિ મંડળને મળવાનો સમય આપ્‍યો છે.

AAPના પ્રતિનિધિમંડળ દ્વારા ખેડૂતોના ૧૧ મુદ્દાઓ મુખ્‍યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવી છે. AAPએ કિસાન હેલ્‍પલાઇન નંબર જાહેર કર્યો, ત્‍યારબાદ ૪૦૦થી વધારે APMCમાંથી ખેડૂતોની ફરિયાદો આવવા લાગી, કડદા પ્રથાથી લઈને બીજા અનેક મુદ્દે AAPએ સમગ્ર ગુજરાતમાં કિસાન મહાપંચાયતો કરી, AAPએ ૮૦૦૦ ગામડાઓમાં કિસાન ન્‍યાય પંચાયત કરી, ખેડૂતોના મુદ્દાઓને લઈને હસ્‍તાક્ષર અભિયાન ચલાવ્‍યું, ૮૦,૦૦૦થી વધુ ખેડૂતોએ હસ્‍તાક્ષર કરીને ૧૧ મુદ્દાઓ પર પોતાનું સમર્થન જાહેર કર્યું છે. તેમ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવીએ જણાવ્‍યું છે.

કડદા પ્રથા નાબૂદ કરવામાં આવે, હડદડ કાંડ અને સાબર ડેરી આંદોલનમાં ખેડૂતો પર કરવામાં આવેલા કેસોને દૂર કરવામાં આવે, ખેડૂતોને પંજાબની AAP સરકારની જેમ હેકટરે રૂ.૫૦,૦૦૦નું વળતર ચૂકવવામાં આવે, આવી કુલ ૧૧ માંગો પર ખેડૂતોએ પોતાનું સમર્થન દર્શાવ્‍યું છે, અમને વિશ્વાસ છે કે મુખ્‍યમંત્રી ખેડૂતોના ૧૧ મુદ્દા પર સકારાત્‍મક નિર્ણયો લેશે, જો ખેડૂતોના મુદ્દા પર અમારી માંગોને મુખ્‍યમંત્રી દ્વારા સકારાત્‍મક રીતે લેવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી જનઆંદોલન કરશે તેમ ઈસુદાન ગઢવીએ જણાવ્‍યું હતું.

(3:48 PM IST)