<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

સુરતમાં હૈયું હચમચાવી દેતી ઘટના: માતા બાદ પિતા પણ ઘર છોડી જતા ૧૬ વર્ષીય વિદ્યાર્થિની પુત્રીનો તાપીમાં ઝંપલાવી આપઘાત

’હું ઉપર જઈને જોઈશ કે પપ્પા ક્યાં છે...’ હૃદયદ્રાવક સ્યુસાઈડ નોટ લખી દ્રષ્ટિએ જીવન ટૂંકાવ્યું: અંતિમ યાત્રામાં એકલા ભાઈએ અર્થી ઉંચકતા કરુણ દ્રશ્યો સર્જાયા

સુરત: સુરતના વરાછા વિસ્તારમાં એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. માતા અગાઉથી જ ઘર છોડીને ચાલી ગઈ હતી અને તેવા સમયે પિતા પણ અચાનક લાપતા થઈ જતા એકલતાથી કંટાળીને ધોરણ ૧૨માં અભ્યાસ કરતી ૧૬ વર્ષીય વિદ્યાર્થિનીએ તાપી નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો છે. મૃત્યુ પહેલા વિદ્યાર્થીનીએ લખેલી સ્યુસાઈડ નોટ વાંચીને પથ્થર હૃદયના માનવીની આંખ પણ ભીની થઈ જાય તેવી છે.
પ્રવાસમાંથી પરત ફરી ત્યારે પિતા ઘરમાં ન હતા
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વરાછાના એ.કે. રોડ પર આવેલા રતનજી પાર્કમાં રહેતા અને રત્નકલાકાર તરીકે કામ કરતા શૈલેષભાઈ મનાણીની ૧૬ વર્ષીય પુત્રી દ્રષ્ટિ સરસ્વતી વિદ્યાલયમાં ધોરણ ૧૨ કોમર્સમાં અભ્યાસ કરતી હતી. દ્રષ્ટિ ગત બુધવારે શાળાના પ્રવાસમાં ગઈ હતી. રવિવારે જ્યારે તે પ્રવાસમાંથી પરત ફરી ત્યારે તેના પિતા ઘરે હાજર ન હતા. માતા તો અગાઉથી જ છોડીને ચાલી ગઈ હોવાથી પિતાનો સહારો હતો, પરંતુ પિતા પણ લાપતા થતા દ્રષ્ટિ ભાંગી પડી હતી.
ભાઈ નજર સામે જોતો રહ્યો ને બહેને મોતની છલાંગ લગાવી
સોમવારે ૧૫ ડિસેમ્બરના રોજ બપોરે દ્રષ્ટિએ એક ચિઠ્ઠી લખી હતી જેમાં તેણે લખ્યું હતું કે હું તાપી નદીમાં ઠેકડો મારું છું. આ ચિઠ્ઠી લખીને તે ફૂલપાડા રેલવે બ્રિજ પર પહોંચી હતી. બીજી તરફ આ ચિઠ્ઠી મળતા જ તેનો મોટો ભાઈ ડ્રિવીન તેને બચાવવા માટે પાછળ દોડ્યો હતો. ભાઈ બ્રિજ પર પહોંચ્યો ત્યારે દ્રષ્ટિ ત્યાં જ હતી, પરંતુ ભાઈ કઈ સમજે કે તેને રોકે તે પહેલા જ લાચાર ભાઈની નજર સામે જ દ્રષ્ટિએ નદીમાં ઝંપલાવી દીધું હતું. સ્થાનિક માછીમારોએ તેને બહાર કાઢી સ્મીમેર હોસ્પિટલ ખસેડી હતી પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
પપ્પા આવે તો કહેજો એની જેની એને બહુ યાદ કરતી હતી: સ્યુસાઈડ નોટ
દ્રષ્ટિએ લખેલી સ્યુસાઈડ નોટ ખૂબ જ ભાવુક છે. તેણે લખ્યું હતું કે ચલો, તમને કોઈ વધારે ચિંતા નથી આપવી, કઈ જ દઉં છું, હું તાપીમાં ઠેકડો મારું છું. હું ત્યાં જાઉં છું બરાબર અને કોઈ રોતા નહીં અને યાદ ના કરતા. તેણે પિતા માટે લખ્યું હતું કે પપ્પા આવે તો કેજો એને જેની (દ્રષ્ટિનું હુલામણું નામ) એને બોવ યાદ કરતી હતી અને એના વગર રહી શકે તેમ ન હતી એટલે એણે આમ કર્યું. તેણે અંતમાં લખ્યું હતું કે બાય બાય, આવજો... મારી ચિંતા ના કરશો. ભાઈ બાને સાચવજે હોને... હવે તું જ એમનો સહારો બનજે અને હું ઉપર જઈશ ને જોઈશ કે મારા પપ્પા છે ક્યાં? શોધીશ એમને?.
અંતિમ યાત્રામાં માતા કે પિતા કોઈ ન હતું
આ ઘટના બાદ સાંજે અશ્વનીકુમાર સ્મશાનગૃહમાં દ્રષ્ટિના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. તેની અંતિમ યાત્રામાં માતા કે પિતા કોઈ હાજર નહોતું. એકલા ભાઈએ જ બહેનની અર્થી ઉપાડી હતી, જે જોઈને ત્યાં ઉપસ્થિત સૌની આંખો ભીની થઈ ગઈ હતી. હાલ વરાછા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

(8:25 PM IST)