<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

વૈજ્ઞાનિક ઢબે તૈયાર કરાયેલી નવી જંત્રી જાન્‍યુઆરીમાં અમલમાં મૂકાશે

રાજ્‍યના શહેરી-ગ્રામ્‍ય વિસ્‍તારોમાં જમીન-મિલકતોના જંત્રીના દર અને ભાવમાં વધઘટ થશેઃ ફેબ્રુઆરી-૨૦૨૬ના મધ્‍યમાં સરકારનું બજેટ સત્ર શરૂ થાય તે અગાઉ સરકાર નવી જંત્રીનો અમલ શરૂ કરી દેવાના મૂડમાં છે : ૨૦ નવેમ્‍બર ૨૦૨૪ના રોજ નવી જંત્રી માટે વાંધા-સૂચનો મેળવાયા બાદ તૈયાર કરાયેલી નવી જંત્રીનો અમલ રાજ્‍યભરમાં શરૂ કરાશે

અમદાવાદ તા.૧૭: ગુજરાત વિધાનસભામાં સંભવતઃ ફેબ્રુઆરી-૨૦૨૬ના બીજા અઠવાડિયામાં સરકારનું બજેટ સત્ર શરૂ થશે. તે અગાઉ રાજ્‍ય સરકાર દ્વારા જમીન, મકાન-મિલકતો પર વૈજ્ઞાનિક જંત્રીનો અમલ શરૂ કરાશે. જેના કારણે રાજ્‍યના શહેરી-ગ્રામ્‍ય વિસ્‍તારોમાં જમીન-મિલકતોના જંત્રીના દર અને ભાવમાં વધઘટ થશે. ગુજરાતમાં વર્ષ ૨૦૦૬માં નવી જંત્રીના દર નક્કી કરવા માટે સર્વે કરાયો હતો અને વર્ષ ૨૦૦૮માં તેનો અમલ કરવાની જાહેરાત કરાઈ હતી પરંતુ જંત્રીના દરમાં અતિ-ભારેખમ વધારો કરાયો હોવાથી ચારેકોરથી વિરોધના સૂર ઉભા થયા હતા અને જમીન-મિલકતો મોંઘીદાટ થઈ હતી એટલે સરકારે તેમાં સુધારો કરીને રાજ્‍યમાં ૧૮મી, એપ્રિલ-૨૦૧૧થી નવી જંત્રી અમલી બનાવાઈ હતી. સામાન્‍ય રીતે મહેસૂલ વિભાગની કાર્ય-પધ્‍ધતિ મુજબ દર વર્ષે નવેસરથી જંત્રીના દર નક્કી કરીને તેનો અમલ કરાતો હોય છે પરંતુ એપ્રિલ-૨૦૧૧થી અમલમાં આવેલી નવી જંત્રીની વિરોધાત્‍મક અસરની તીવ્રતા એટલી હતી કે ત્‍યારબાદ રાજ્‍ય સરકારે, કે મહેસૂલ વિભાગે દર વર્ષે જંત્રીના નવા દર અમલમાં મૂકવાને બદલે ૧૨ વર્ષ બાદ એટલે કે ૧૩મી, એપ્રિલ-૨૦૨૩થી અમલમાં આવે તે રીતે નવી જંત્રી અમલમાં મૂકી હતી.

ગુજરાત સરકાર દ્વારા તે વખતે પણ અમલમાં મૂકાયેલી જંત્રીના દર બમણા કરી દેવાતા રાજ્‍યભરમાં લોકો ઉપરાંત બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલો વર્ગ, વિવિધ શહેરોના બિલ્‍ડર્સ એસોસિએશન, ગાહેડ અને ક્રેડાઈ જેવી સંસ્‍થાઓએ પણ વિરોધનો સૂર વ્‍યક્‍ત કર્યો હતો પરિણામ સ્‍વરૂપ ફરી એકવાર આ બમણાં દરવાળી નવી જંત્રીનો અમલ રોકીને એક ઠરાવ દ્વારા ૨૦મી, નવેમ્‍બર-૨૦૨૪ના રોજ મુસદ્દારૂપ જંત્રીની માર્ગદર્શિકા જાહેર કરીને તેની સામેના વાંધા-સૂચનો મંગાવ્‍યા હતા. જેમાં સરકારે શહેરી અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં હજારો નવા વેલ્‍યુઝોન નક્કી કરીને વૈજ્ઞાનિક ઢબે જમીન-મિલકતોની બજાર કિમતો નક્કી કરી હતી અને ઠરાવ મુજબ સરકારે લોકો કે સંબંધિતો પાસેથી વાંધા-સૂચનો મેળવીને રાજ્‍યના તમામ મહાનગરો, નાના-મોટા શહેરો, ગામો, તાલુકા, જિલ્‍લાઓની જમીન-મિલકતોના જંત્રીના દર નક્કી કર્યા હતા.

હાલની સ્‍થિતિએ રાજ્‍ય સરકાર અર્થાત મહેસૂલ વિભાગ પાસે નવી વૈજ્ઞાનિક રીતે તૈયાર કરાયેલી નવી જંત્રી તૈયાર છે. અત્‍યાર સુધી પ્રશ્ન એ હતો કે, આ નવા જંત્રીનો અમલ રાજ્‍યના વિવિધ વિસ્‍તારોમાં ક્‍યારે કરાશે, તો મહેસૂલ વિભાગમાંથી પ્રાપ્ત થયેલા સંકેત મુજબ હવે, આ નવી જંત્રીનો અમલ જાન્‍યુઆરી-૨૦૨૬ના અંત સુધીમાં શરૂ કરી દેવાશે એટલે કે ફેબ્રુઆરી-૨૦૨૬ના મધ્‍યમાં સરકારનું વાર્ષિક બજેટ સત્ર શરૂ થાય તે અગાઉ સરકાર નવી જંત્રીનો અમલ શરૂ કરી દેવાના મૂડમાં છે.

જમીન-મિલકતોના ભાવ વધશે કે કેમ, તેનો જવાબ હાલને તબક્કે તો આ નવી જંત્રી અમલમાં મૂકાય ત્‍યારબાદ જ નવી જંત્રીના દરમાં ક્‍યાં, કેટલો વધારો કરાયો છે અને તે વાજબી પણ છે કે કેમ, અથવા આ નવી જંત્રીના કારણે રિઅલ એસ્‍ટેટ માર્કેટ ઉપર કેટલી અસર થશે ? જાહેરાત બાદ જણાશે. સરકારના સંકેત મુજબ એમ મનાય છે કે, આ નવી જંત્રી વૈજ્ઞાનિક ઢબે તૈયાર કરાઈ છે એટલે વિકસિત કે વિકાસશીલ વિસ્‍તારો અને શહેરોમાં જંત્રીના દર વધી શકે છે, જેના કારણે જમીન-મિલકતોના ભાવ વધી શકે છે અને અન્‍ય કેટલાક વિસ્‍તારમાં જંત્રીના દર યથવાત રખાય તે ઓછા કરાય તેવી પણ શક્‍યતા નકારી શકાતી નથી.

આ નવી જંત્રીમાં બાંધકામના પ્રકારની વ્‍યાખ્‍યાઓ કરાશે, જેમાં ખુલ્‍લી જમીન, આર.સી.સી. સ્‍ટ્રક્‍ચર, લોર્ડ બેરીંગ સ્‍ટ્રકચર, આર.સી.સી.ના પાકા અને પતરાવાળા ઔદ્યોગિક શેડનો સમાવેશ કરાશે

શહેરી વિસ્‍તારોમાં મહાનગરપાલિકા વિસ્‍તાર, શહેરી વિકાસ સત્તામંડળ વિસ્‍તાર, SIR વિસ્‍તાર, નગરપાલિકા, વિકાસ સત્તામંડળ, શહેરી વિકાસ વિભાગ દ્વારા ખાસ કિસ્‍સામાં સ્‍થાપવામાં આવેલ સત્તામંડળ અથવા નોટિફાઇડ વિસ્‍તારો

ગ્રામ્‍ય વિસ્‍તારમાં એટલે કે જેનો શહેરી વિસ્‍તારમાં સમાવેશ થતો ન હોય તેવા વિસ્‍તારોનો સમાવેશ કરાયો છે

શહેરી-ગ્રામ્‍ય વિસ્‍તારોમાં બાંધકામના ભાવો, જૂના બાંધકામો હોય તો તેની કુલ બજાર કિમતની વધુમાં વધુ રકમ, કારપેટ એરિયા, બિલ્‍ટ અપ એરિયા, ભોયરુ, ગ્રાઉન્‍ડ ફલોર સહિતના અલગઅલગ ફલોરના ભાવો

વાણિજ્‍ય હેતુ સંબંધિત વેલ્‍યુઝોન, મિલકતની આજુબાજુની ખુલ્‍લી જમીન

ફલેટ કે વાણિજય વપરાશની જગ્‍યાની બાજુની ખુલ્‍લી જમીનનું મૂલ્‍યાંકન, કાર પાર્કિગ વિસ્‍તાર, બીન ખેતીના કામે ખરીદાયેલી ખેતીની જમીન.

(10:15 AM IST)