News of Wednesday, 17th December 2025
ડિસેમ્બર માસના અંતિમ દિવસોમાં ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવવાની સંભાવના
શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ટ્રફ રેખા અરબ સાગર સુધી લંબાઈ શકે જેના કારણે તેના વાદળોની લેયર ગુજરાત સુધી પહોંચી શકે: પરેશ ગોસ્વામીની આગાહી

અમદાવાદ :ગુજરાતનું હવામાન આગામી દિવસોમાં કેવું રહેશે? ઠંડી કેવી પડશે, માવઠા પડશે કે નહીં તે અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ શું કહ્યું તેના પર નજર કરીએ. પરેશ ગોસ્વામીના મતે ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવવાની સંભાવના છે. આ પલટો 2025ના ડિસેમ્બરના છેલ્લા ચાર દિવસ દરમિયાન જોવા મળી શકે છે, જેના કારણે ખેડૂતોને અગાઉથી તૈયારી કરવા માટે સૂચના આપવામાં આવી છે.
ગુજરાતમાં આ હવામાન પલટો આવવા પાછળનું મુખ્ય કારણ ઉત્તર ભારતના પહાડી પ્રદેશો પરથી પસાર થનારું એક શક્તિશાળી 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ' (W.D.) છે
અત્યાર સુધી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા હતા, તે થોડાક નબળા હતા. પરંતુ હવે ડિસેમ્બરના છેલ્લા દિવસોમાં એક શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાની શક્યતા છે.
આ શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ટ્રફ રેખા અરબ સાગર સુધી લંબાઈ શકે છે. આને કારણે તેના વાદળોની લેયર ગુજરાત સુધી પહોંચી શકે છે.
ડિસેમ્બરના મધ્ય સુધીમાં અરબ સાગર અને બંગાળની ખાડીમાં હવે કોઈ મોટી સિસ્ટમ બને તેવી સંભાવના નથી, અને આ વિસ્તારો ધીમે ધીમે નિષ્ક્રિય થતા જાય છે, તેથી ગુજરાતને આ તરફથી કોઈ ખતરો નથી.
આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના હવામાન પર 28, 29, 30 અને 31 ડિસેમ્બર, 2025 દરમિયાન જોવા મળી શકે છે.
આ ચાર દિવસ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં ઘાટા વાદળ છવાઈ જાય અને વાદળછાયું વાતાવરણ થઈ શકે છે.
જોકે અત્યારથી માવઠાની (અનસિઝનલ રેઇન) આગાહી કરવામાં આવતી નથી. પરંતુ જો વધારે પડતા ઘાટા વાદળ થાય, તો કોઈ જગ્યાએ છૂટા છવાયા ઝાપટા પડી શકે છે. ચોક્કસ ઝાપટા પડશે કે ખાલી વાદળ થશે, તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે.
હવામાનમાં પલટો આવે તે પહેલાં, ખેડૂત ભાઈઓએ શિયાળુ પાકને સુરક્ષિત રાખવા માટે નીચે મુજબની તૈયારીઓ કરી લેવી જરૂરી છે.
વહેલું પિયત: શિયાળુ પાકને જો પિયત આપવાનું હોય તો ખેડૂત ભાઈઓએ વહેલું પિયત આપી દેવું.
પિયત ટાળવું: 28 તારીખથી જ્યારે હવામાનમાં પલટો આવે અને વધારે પડતા ઘાટા વાદળ હોય, તે સમય પછી શિયાળુ પાકને પિયત આપવાનું ટાળવું.
રોગથી બચાવ: જો આ સમયે પિયત ન આપવામાં આવે, તો પાકને રોગથી બચાવી શકાય છે.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
