<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

પાંચ-પાંચ લગ્ન કર્યાં, પાંચેય પતિ સામે કોર્ટમાં ભરણપોષણનો કેસ

લુણાવાડાની મહિલા આ રીતે પુરૃષોને ફસાવતીઃઝઘડો કરી પતિ સામે ભરણપોષણનો કેસ દાખલ કરતી

લુણાવાડા : ગુજરાતમાં એક ભણેલીગણેલી મહિલાએ પુરૃષોને ફસાવવા અને પૈસા મેળવવા માટે એવો કિમીયો અજમાવ્યો જેની ચર્ચા થઈ રહી છે. આ મહિલાએ ગુજરાતમાં અલગ-અલગ જિલ્લામાં પાંચ પુરૃષો સાથે લગ્ન કર્યાં હતા. પરંતુ લગ્નના થોડા સમયમાં મહિલા ઝઘડો કરતી અને ત્યારબાદ પતિ પાસે ભરણપોષણ મેળવવા માટે કોર્ટમાં અરજી દાખલ કરતી હતી.  આ મહિલાએ અમદાવાદના બે પુરૃષોને પોતાની જાળમાં ફસાવ્યા છે. જોકે આ બંને પુરૃષ પાસેથી પૈસા પડાવે તે પહેલા બંનેને જાણ થઈ જતાં બંનેએ કોર્ટમાં ફરિયાદ કરી છે. મહિલા સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેની સુનાવણી આગામી જાન્યુઆરીમાં થઈ શકે છે.

આ મહિલા અલગ-અલગ જિલ્લાના પુરૃષોને ફસાવતી અને તેની સાથે લગ્ન કરતી હતી. પરંતુ લગ્નના થોડા સમયમાં ઝઘડો કરી પતિ સામે ભરણપોષણની અરજી કરતી હતી. આ મહિલા મૂળ લુણાવાડાની છે. આ મહિલા વકીલ છે, પરંતુ ગૃહિણી હોવાની ઓળખ આપી જીવનસાથી પસંદગી એપ પર લગ્નની જાહેરાત આપતી હતી.

ત્યારબાદ આ એપ પર જો કોઈ પાત્ર પસંદ આવે તો તેની સાથે મુલાકાત કરતી હતી. આ મહિલાએ અત્યાર સુધી પાંચ પુરૃષો સાથે લગ્ન કર્યાં છે. ત્યારબાદ દરેક સામે ઘરેલું હિંસા અને ભરણપોષણ માગતી અરજી કરી છે. જે કેસ અલગ-અલગ જિલ્લાની કોર્ટમાં પેન્ડિંગ છે. આ મહિલા અમદાવાદમાં પોતાના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી. આ દરમિયાન એક પુરૃષો જીવનસાથી પસંદગી સાઈટ પર મહિલાની વિગતો જોઈ હતી. આ વ્યક્તિએ મહિલાના બોયફ્રેન્ડનો સંપર્ક કર્યો હતો.

આ બંનેએ તપાસ કરી તો ચોંકાવનારી વાત સામે આવી હતી. બંનેએ મળીને મહિલાના પાંચ પૂર્વ પતિઓની જાણકારી પણ મેળવી હતી. આ મહિલાએ લુણાવાડા, વડોદરા, સુરેન્દ્રનગર અને સુરતમાં લગ્ન કર્યાં છે. તેને બે સંતાનો પણ છે. આ મહિલાએ જીવનસાથી પસંદગી એપ પર બે બાળકો સાથે સ્વીકારી શકે તેવા પાત્રની જરૃર છે, તેવી જાહેરાત આપી હતી. આ જાહેરાત તેના બોયફ્રેન્ડના ધ્યાને આવતા મહિલાનો ભાંડો ફૂટી ગયો હતો.

આ મહિલા ખતરનાક માનસિકતા ધરાવે છે. તેણે પોતાના બંને સંતાનોનું ભરણપોષણ ત્રણ પતિ પાસે માંગ્યું છે. મહિલા વકીલ હોવાને કારણે કાયદો પણ જાણે છે, પરંતુ તેનો કાયદાનો કોઈ ડર નથી અને પુરૃષોને ફસાવી ત્યારબાદ તેની પાસેથી રૃપિયા પડાવી રહી છે.

(8:13 PM IST)