<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

વિદ્યાર્થીને વાંચતા ન આવડ્યું તો શિક્ષિકાએ લાકડી-ફૂટપટ્ટીથી ઢોર માર માર્યો!

મહેસાણા બાદ વડોદરાની શર્મશાર ઘટનાઃશિક્ષિકાએ માનવતા નેવે મૂકીને તેને લાકડી અને ફૂટપટ્ટી વડે બેફામ માર માર્યો હોવાનો ગંભીર આક્ષેપ ઊઠ્યો છે

મહેસાણા : એક તરફ સરકાર 'ભણશે ગુજરાત' અને 'બાળ સ્નેહી શિક્ષણ'ની વાતો કરે છે, ત્યારે બીજી તરફ આવી ઘટનાઓ શિક્ષણ જગત પર કલંક સમાન સાબિત થઈ રહી છે. તાજેતરમાં આવી જ ઘટના મહેસાણા જિલ્લાની સામે આવી હતી, જ્યાં એક શિક્ષકે પાંચેક જેટલા વિદ્યાર્થીઓને મજાક-મસ્તી કરવા જેવી સામાન્ય બાબતે ઢોર માર માર્યો હતો, ત્યારે શિક્ષણ જગતને શરમાવે તેવી વધુ એક ઘટના હાલ વડોદરાના સાવલી તાલુકામાંથી સામે આવી છે, જ્યાં મોકસી ગામની પ્રાથમિક શાળામાં એક વિદ્યાર્થીને વાંચતા ન આવડતા શિક્ષિકાએ માનવતા નેવે મૂકીને તેને લાકડી અને ફૂટપટ્ટી વડે બેફામ માર માર્યો હોવાનો ગંભીર આક્ષેપ ઊઠ્યો છે.

મળતી માહિતી મુજબ, વડોદરા સાવલીના મોકસી ગામની પ્રાથમિક શાળામાં ધોરણ ૫માં અભ્યાસ કરતા એક માસૂમ વિદ્યાર્થીને વર્ગખંડમાં વાંચવાનું કહેવામાં આવ્યું હતું. વિદ્યાર્થી બરાબર વાંચી ન શકતા ઉશ્કેરાયેલી શિક્ષિકાએ પિત્તો ગુમાવ્યો હતો. વાલીઓના આક્ષેપ અનુસાર, શિક્ષિકાએ વિદ્યાર્થીને ખભા અને બરડાના ભાગે લાકડી તેમજ ફૂટપટ્ટી વડે નિર્દયતાપૂર્વક માર માર્યો હતો, જેના કારણે બાળકના શરીર પર સોળ ઊઠી આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ વિદ્યાર્થીના પિતા પ્રકાશભાઈ ઓડ અને અન્ય ગ્રામજનો મોટી સંખ્યામાં શાળાએ દોડી ગયા હતા, જ્યાં બાળકની હાલત જોઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ મામલે વાલીઓનો આરોપ છે કે, આ શિક્ષિકા અગાઉ પણ અનેકવાર બાળકો સાથે આવું જ ક્રૂર વર્તન કરી ચૂકી છે. જેથી સમગ્ર મામલે શાળાના આચાર્યને રૃબરૃ મળીને તેઓએ ઉગ્ર રજૂઆત કરી હતી અને જવાબદાર શિક્ષિકા સામે તાત્કાલિક પગલાં ભરવાની માંગ ઊઠાવી છે.

નોંધનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં બાળકોને શારીરિક સજા કરવા પર કડક પ્રતિબંધ હોવા છતાં, આવી ગંભીર ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે. તાજેતરમાં આવી જ એક હચમચાવતી ઘટના મહેસાણા જિલ્લાના મોટીદાઉં ગામે આવેલી ઉત્કર્ષ વિદ્યાલયમાંથી સામે આવી હતી, જ્યાં ક્લાસરૃમમાં મજાક-મસ્તી કરતા ધોરણ-૮ના ચાર વિદ્યાર્થીઓને શાળાના શિક્ષક નીલ પટેલે ક્લાસરૃમમાં જ સોટીથી વારાફરતી ગંભીર માર માર્યો હતો. જે અંગેના CCTV વીડિયો સાથેના પુરાવા તથા પીડિત વિદ્યાર્થીને શરીરે ગંભીર ઈજાના નિશાનો સાથે વાલીએ પુરાવા રૃપે CCTV વીડિયો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે.આમ આવી જ એક વધુ ઘટના હાલ વડોદરા જિલ્લામાંથી પણ સામે આવી રહી છે, ત્યારે રાજ્ય સરકારની ગાઈડલાઈન છતાં શાળામાં શારીરિક સજાનો બનાવો યથાવત જોવા મળી રહ્યા છે. જેથી આ મામલે દોષિત શિક્ષિકા સામે કડક અને દાખલારૃપ કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ ઊઠવા પામી છે. હાલ વડોદરાની ઘટના મામલે પીડિત વિદ્યાર્થીના વાલીઓ ન્યાયની આશાએ શિક્ષણ વિભાગની કાર્યવાહી પર નજર રાખીને બેઠા છે. જો દોષિત શિક્ષિકા સામે દાખલારૃપ પગલાં નહીં લેવાય તો આગામી સમયમાં ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

(10:04 PM IST)