<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

કુંવરજીભાઇની રેલવે તંત્રને રજૂઆત બાદ વેરાવળ-રાજકોટ અને રાજકોટ-પોરબંદર ટ્રેનના સમયમાં ફેરફારથી મુસાફરોને રાહત થઈ

 

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા. ૧૮ : વેરાવળ-રાજકોટ અપડાઉન કરતા એસોસિએશનના સભ્‍યોની રજૂઆતને ધ્‍યાનમાં રાખી રાજયના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ રાજકોટ અને ભાવનગરના D.R.M ને મુસાફરોના હીતમાં  ટ્રેનના સમયમાં ફેરફાર કરી ક્રોસિંગ ને લીધે બગડતા સમયની સમસ્‍યાનું નિરાકરણ લાવવા પત્ર પાઠવ્‍યો હતો. આ પત્ર બાદ મુસાફર જનતાની માગણી મુજબ ટ્રેનના સમયમાં ફેરફાર થતા મુસાફરોમાં આનંદની લાગણી છે.

વેરાવળ-રાજકોટ ટ્રેનમાં સેંકડો લોકો નિયમીત રીતે અપડાઉન કરે છે, ટ્રેન સવારના નવ કલાકે રાજકોટ પહોંચી જાય છે, રીબડા ખાતે ૩૦ થી ૩૫ મીનીટ સુધી ટ્રેન ઉભી રહેતા સરકારી, ખાનગી ઓફીસો, કારખાનામાં જતાં કારીગરો, ધંધાર્થીઓને પોતાના સ્‍થળે સમયસર પહોચવામાં વિલંબ થતાં આર્થિક નુકશાની સહન કરવી પડે છે. રીબડા-રાજકોટ વચ્‍ચે માત્ર ૧૨ મીનીટનો સમય લાગે છે જેથી ક્રોસીંગના સ્‍થળને બદલી ભક્‍તિનગર ખાતે કરવા અથવા ટ્રેન નં.૫૯૫૬૧(રાજકોટ-પોરબંદર) ટ્રેન સવારના ૮.૫૦ ના સમયે ઉપાડવામાં આવે છે જેમાં ફેરફાર કરી માત્ર ૧૦ મીનીટ મોડી ઉપાડવામાં આવે તો પણ ક્રોસીંગના પ્રશ્‍નનો ઉકેલ આવી શકે તેમ છે તેવી રજૂઆત કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ રેલવે તંત્રને કરી હતી. પેસેન્‍જર એસોસિએશને આ કામગીરી બદલ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

(11:41 AM IST)