<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

સવાણી પરિવાર દ્વારા સુરતમાં શનિ-રવિ ૧૩૩ દીકરીઓના સમુહલગ્ન

હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, દિવ્યાંગ એમ દરેક ધર્મ વર્ણણી દીકરીઓ સામેલ : 'કોયલડી' શીર્ષકથી લગ્ન સમારોહ : લગ્ન બાદ હનુમુન યાત્રાનું પણ સંસ્થા દ્વારા આયોજન : ત્રણ પુસ્તકોનું થશે વિમોચન

રાજકોટ તા. ૧૮ : પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા ૧૮ વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતના સેવાભાવી પી. પી. સવાણી પરિવાર દ્વારા આજ સુધી ૫૫૩૯ દીકરીઓને સાસરે વળાવવામાં આવી છે. આ વર્ષે પણ ૨૦ અને ૨૧ ડિસેમ્બરના આયોજન કરાયુ છે. જેમાં ૧૩૩ દીકરીઓને સાસરે વળાવાશે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ, મનસુખભાઇ માડવીયા, નીમુબહેન બાંભણીયા સહિત અનેક રાજકીય, સનદી, સામાજિક, ઉદ્યોગ જગતના મહાનુભાવો હાજર રહી આ દીકરીઓનું કન્યાદાન કરશે.

આ વર્ષ 'કોયલડી' નામે યોજાઈ રહેલા લગ્ન સમારોહમાં સવાણી પરિવારના મહેશભાઈ સવાણી દીકરીઓના પાલક પિતા બની કરિયાવર સાથે કન્યાદાન કરશે.

'કોયલડી' લગ્ન સમારોહની વિગત આપવા યોજાયેલી પત્રકાર પરિષદમા મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે આજ સુધી અમે જ્ઞાતિ, ધર્મ, સમાજના વાડા તોડીને એક જ છત નીચે ૫૫૩૯ દીકરીઓનું કન્યાદાન કર્યું છે. આ વર્ષે પણ મુસ્લિમ, ખ્રિસ્તી, દિવ્યાંગ સહિત વિવિધ ૩૭ જ્ઞાતિની ૪ રાજ્ય અને ૧૭ જિલ્લાની ૧૩૩ દીકરીને સાસરે વળાવીશું.

તેઓએ જણાવેલ કે અમે દીકરીને માત્ર કરિયાવર સાથે કન્યાદાન પૂરતું સીમિત નથી રાખતા. આટલી હજારો દીકરીઓની એક બાપ તરીકેની દરેક જવાબદારી નિભાવવાનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરતાં રહી છીએ. કોયલડી લગ્ન સમારોહમાં મુસ્લિમ ધર્મની દીકરી નિકાહવિધિથી તેમજ ખ્રિસ્તી અને હિન્દુ ધર્મની તમામ જ્ઞાતિની દીકરીઆ ેપોત-પોતાના રીત-રસમોસાથે લગ્નજીવનના પવિત્ર બંધનથી જોડાશે.

આ લગ્ન મહોત્સવમાં સવાણી પરિવારના લાડકવાયા દીકરા મિતુલ, મોહિત,સ્નોહ, કુંજ, મોનાર્ક જે દીકરીઓના ભાઈઓ નથી તેમને પોતાની સગી બહેનથી વિશેષ સમજી જવતલ હોમશે.

આ સંસ્થાએ દીકરી-જમાઈનું 'સેવા સંગઠન' પણ બનાવ્યુ છે. ઈશ્વર ન કરે ને કોઈ દીકરી વિધવા થાય તો આ સંગઠન એને આર્થિક સહાય કરે છે. સાથેજ એના બાળકના શિક્ષણ અને આરોગ્યની તમામ જવાબદારી પણ નિભાવે છે. આવી દીકરીના બાળક ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધીની જવાબદારી સેવા સંગઠન ઉપાડે છે.

પી. પી. સવાણી ટ્રસ્ટ સંચાલિત સેવા સંગઠન આજે ૧૧,૦૦૦ દીકરી–જમાઈઓનો વિશાળ પરિવાર બની ગયો છે. હવે સેવા સંગઠનની મોબાઈલ એપ્લિકેશનમાં ડોકટર ટીમ, વકીલ ટીમ, શિક્ષક ટીમ, માર્ગદર્શન ટીમ જેવી વિવિધ સેવા આપતી ટીમોની સંપૂર્ણ માહિતી મળશે.

સેવા સંગઠનના ડીઝીટલ પ્લેટફોર્મ ઉપર સરળતાથી તમામ માહિતી અને લાભ મેળવી શકે એવા શુભ આશયથી સેવા સંગઠન એપ્લીકેશનનું લોન્ચિંગ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે કરાશે.

કોયલડી લગ્ન સમારોહની શરૃઆત ૧૩ ડિસેમ્બરના દિવસે યોજાયેલા રાસ-ગરબાથી થઈ ચૂકી છે. જેમાં લોકપ્રિય ગાયિકાઓ અલ્પા પટેલ, પ્રિતી પાઠક, નેહા કુંભાણી, સંગીતા પટેલ, અપેક્ષા પંડયા અને સોનલ બારોટે કોયલડીના ટાઇટલ ટ્રેક ગીત રજુ કર્યા હતા. ઉર્વશી રાદડિયા અને વિવેક સાંસલાએ વર-કન્યા પરિવારને ગરબે ઘુમાવ્યા હતા. સંગીત સમરોહના મુખ્ય મહેમાન તરીકે સુરત, પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત, સુરત રેન્જ આઇજી શ્રી પ્રેમવિર સિંહ, સુરત, એસપી શ્રી રાજેશભાઈ ગઢિયા ઉપસ્થિત રહ્યા હતા.

૧૮મી ડિસેમ્બરના ૯ મહિલા આઇપીએસ, બે મહિલા આઈએએસ, ૪ આઇપીએસ અને આઈએએસની અને ત્રણ સમાજ અગ્રણીની પત્નીની હાજરીમાં મહેંદી રસમ યોજાશે. મનીષ વઘાસિયા, અંકિતા મૂલાણી, ડો. જય વશી જેવા મોટીવેશનલ વકતા વર અને કન્યા બંને પરિવાર સાથે સંવાદ પણ સાધશે.

આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિનીબેન અગ્રવાલ, ડીડીઓ શ્રીમતી શિવાનીબેન ગોયલ, મહિલા આઇપીએસ અધિકારી સુશ્રી શૈફાલીબેન બરવાલ, ડો. નિધિબેન ઠાકુર, બિશાખાબેન જૈન, અનુપમબેન, પન્નાબેન મોમૈયાની સાથે જીપીએસ કેડરના કાનનબેન દેસાઇ, જુલીબેન કોઠિયા, ભકિતબેન ડાભીની સાથે જ મહિલા અગ્રણીઓ શ્રીમતી સંધ્યાસિંઘ ગેહલોત, શ્રીમતી રાગીનીબેન પારધી શ્રીમતી ચિત્રા પ્રેેમવીરસિંહ, શ્રીમતી હર્ષાબેન ગઢિયા, શ્રીમતી જીયાબેન શૈલેશભાઈ પરમાર, શ્રીમતી તૃપ્તિબેન દેસાઈ, શ્રીમતી પલ્લવીબેન ઘેલાણી, શ્રીમતી હર્ષાબેન પટેલ હાજર રહી દીકરીની મહેદી રસમમાં સહભાગી થયા હતા અને માતૃત્વની હૂંફ પૂરી પાડી હતી.

સર્જનાર સેવાના ભેખધારી પી.પી.સવાણીગ્રુપના મોભી  વલ્લભભાઈ પી. સવાણીનાં જીવન કવન પર લેખક શૈલેષભાઈ સગપરિયા દ્વારા લખાયેલ પુસ્તક 'આરોહણ' અને પિતા વિહોણી હજારો દીકરીઓના પાલકપિતા મહેશભાઈ વી. સવાણીના જીવન ઉપર લેખક ડો. જીતેન્દ્રભાઈ અઢિયા દ્વારા લખાયેલ પુસ્તક 'પ્રેરણામૂર્તિ' તેમજ આ લગ્નોત્સવમાં જોડાયેલ દીકરીઓના જીવનની સંવેદનનાનુ પુસ્તક 'કોયલડી'ના સંયુકત વિમોચન પદ્મશ્રી કનુભાઈ ટેલર, મથુરભાઈ સવાણી, ભીખુદાન ગઢવી, ડો. વિષ્ણુભાઈ પંડયા, અબ્દુલ ગફુર ખત્રી, શાહબુદ્દીનભાઈ રાઠોડ, યઝદીભાઈ કરંજિયા, શ્રીમતી રમીલાબેન ગામીત, સવજીભાઈ ધોળકીયા, પરેશભાઈ રાઠવા, ડો. જગદિશભાઈ ત્રિવેદી, ડો. યઝદી ઇટલીયાના હસ્તે થશે.

દરેક દીકરીને દરવર્ષે લગ્ન પછી કુલ્લુ-મનાલી હનીમૂન માટે મોકલે છે. આ કાર્યમાં ફારુકભાઈ પટેલનું કે.પી. ગ્રુપ પણ સહયોગી બન્યું છે.

આ વર્ષે અયોધ્યા, વારાણસી, પ્રયાગરાજ અને સ્વામિનારાયણના છપૈયાની ધાર્મિક યાત્રાએ જશે, તેમજ મુસ્લિમ દીકરી જમાઈ ૧૫ દીવસની ઉમરાહ (મકા-મદીના) હજ માટે પી. પી. સવાણી અને કે.પી. ગ્રુપ સંયુકત રીતે આ સમગ્ર પ્રવાસનું આયોજન કરશે અને ખર્ચ પણ ઉપાડશે.

દીકરી જમાઇના સંતાનને કોઇ રોગ વારસામાં ન મળે તે માટે થેલેસેમીયા ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા.

ભાવનગર અને અમરેલી જિલ્લાની ૨૨ દીકરીઓના લગ્ન અમરેલી જિલ્લાના મેકડા ગામે યોજાયેલા એક સમૂહલગ્નમાં કરવામાં આવ્યા છે. આ એવી દીકરીઓ હતી જેમને અમરેલી-ભાવનગરથી સુરત સુધી આવવું પણ તકલીફ હતી.  એવી જ એક દીકરીનું કન્યાદાન ગારીયાધાર ખાતે પણ કરવામાં આવ્યા હતા. બંને જગ્યાએ કન્યાદાન માટે ખુદ મહેશભાઈ સવાણી હાજર રહ્યા હતા. 

(3:41 PM IST)