<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

કલોલ હાઇવે પર એકાએક આગની ઘટના સામે આવી

સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈઃજોતજોતામાં આગે એટલું વિકરાળ સ્વરૃપ ધારણ કર્યું હતું કે તેના કાળા ધુમાડાના ગોટેગોટા કેટલાય કિલોમીટર દૂર સુધી જોવા મળ્યા

ગાંધીનગર જિલ્લાના કલોલ હાઇવે પર આજે એકાએક આગની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. હાઇવે પર આવેલા ટાટા મોટર્સના શોરૃમની બાજુમાં એક ખુલ્લા પ્લોટમાં પડેલા મશીનરીના સામાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે એટલું વિકરાળ સ્વરૃપ ધારણ કર્યું હતું કે તેના કાળા ધુમાડાના ગોટેગોટા કેટલાય કિલોમીટર દૂર સુધી જોવા મળ્યા હતા.

મળતી માહિતી મુજબ કલોલ હાઇવે પર ટાટા મોટર્સના શોરૃમની બિલકુલ બાજુમાં એક મોટો ખુલ્લો પ્લોટ આવેલો છે. આ પ્લોટમાં કેટલીક જૂની મશીનરી અને અન્ય સામાન રાખવામાં આવ્યો હતો. બપોરના સમયે આ મશીનરીમાં અચાનક કોઈ કારણસર આગ લાગી હતી. મશીનમાં ઓઈલ અથવા જ્વલનશીલ પદાર્થ હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી.આગ એટલી તીવ્ર હતી કે આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાઈ ગયા હોય તેવો માહોલ સર્જાયો હતો. હાઇવે પરથી પસાર થતા વાહનચાલકો પણ આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. ભયના માર્યા આસપાસના શોરૃમ અને દુકાનદારોમાં પણ ફાળ પડી હતી.

ઘટનાની જાણ થતા જ કલોલ નગરપાલિકાનું ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયું હતું. ફાયર બ્રિગેડના જવાનોએ સમય સૂચકતા વાપરીને સળગતી મશીનરી પર પાણીનો સતત મારો ચલાવ્યો હતો. આસપાસ અન્ય વાહનો કે શોરૃમ હોવાથી આગ વધુ ન ફેલાય તે માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. કલોલ ફાયર બ્રિગેડની સતત કામગીરી બાદ અંતે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ પ્લોટમાં રહેલી મશીનરીને ભારે નુકસાન થયું હોવાનું અનુમાન છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ અથવા ગરમીને કારણે આ દુર્ઘટના બની હોવાની આશંકા સેવાઈ રહી છે.

(9:06 PM IST)