<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

વાવ અને થરાદ જિલ્લામાં મોટાપાયે સર્ચ ઓપરેશન :30થી વધુ ટીમો કામે લાગી: 4 મેડિકલ સ્ટોર્સના લાયસન્સ રદ:14 લાખનો મુદામાલ જપ્ત

NDPS એક્ટ હેઠળ મોટા પાયે સર્ચ ઓપરેશન: દિયોદરમાં ચામુંડા મેડિકલ સ્ટોરમાંથી ભેળસેળવાળી અને નશીલી ગોળીઓ મળી : 3300થી વધુ નશાયુક્ત ગોળીઓ જપ્ત

વાવ અને થરાદ જિલ્લામાં NDPS એક્ટ હેઠળ મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ ઓપરેશનમાં 30થી વધુ ટીમો કામે લાગી હતી અને દિયોદર તેમજ થરાદમાં મેડિકલ વિભાગમાં અનેક અનિયમિતતાઓ સામે આવી છે.  આ રેઈડ દરમિયાન અનેક મેડિકલોમાં અનિયમિતત્તા મળ્યા પછી તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

થરાદમાં ચાર મેડિકલ સ્ટોર્સ – મહેશ મેડિકલ, અર્બુદા મેડિકલ, કલ્પતરૂ મેડિકલ અને સાક્ષી મેડિકલ સ્ટોર  ફાર્માસિસ્ટ વગર ચાલતા હોવાનું ખુલ્યું છે. SOGની ટીમ દ્વારા આ સ્ટોર્સના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિયોદરમાં ચામુંડા મેડિકલ સ્ટોરમાંથી ભેળસેળવાળી અને નશીલી ગોળીઓ મળી આવી છે. અહીંથી 3300થી વધુ નશાયુક્ત ગોળીઓ જપ્ત કરવામાં આવી છે. આ ગોળીઓનું નિયમ વિરોધી વેચાણ કરતા વેપારી સામે NDPS અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. કુલ અંદાજે 14 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

આ કાર્યવાહીથી વિસ્તારમાં નશીલી દવાઓના ગેરકાયદેસર વેચાણ પર અંકુશ આવશે અને યુવા પેઢીને બચાવવામાં મદદ મળશે. પોલીસ અને મેડિકલ વિભાગની ટીમો વધુ તપાસ કરી રહી છે.

જણાવી દઈએ કે, NDPS એક્ટનું પૂરું નામ Narcotic Drugs and Psychotropic Substances Act, 1985 (માદક દ્રવ્યો અને મનોપ્રભાવી પદાર્થો અધિનિયમ, 1985) છે. આ કાયદો ભારતમાં નશીલા દ્રવ્યો (નાર્કોટિક્સ) અને મનોપ્રભાવી પદાર્થો (સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ)ના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ, ખરીદી, પરિવહન, આયાત-નિકાસ અને વપરાશને નિયંત્રિત કરવા માટે બનાવવામાં આવ્યો છે.

(9:29 PM IST)