<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

યુવાનોમાં સોશિયલ મીડિયાની દેખાદેખી તેમજ ખૂટી પડતી ધીરજ અને સહનશક્તિની ઉણપને કારણે આત્મહત્યાનું પ્રમાણ વધ્યું : મનોચિકિત્સક

જાણીતા મનોચિકિત્સક ડૉ. પ્રશાંત જરીવાલ દ્વારા આત્મહત્યા નિવારણ તાલીમનું આયોજન કરાયું

( ભરત શાહ દ્વારા ) નર્મદા : તાજેતરમાં ભારતભરમાં કોલેજો અને સ્કૂલ ખાતે યુવાનો અને કિશોરોમાં વધી રહેલા આત્મહત્યાના બનાવોને પગલે સરકાર દ્વારા નેશનલ ટાસ્કફોર્સ ફોર સ્યુસાઇડ પ્રિવેન્શનની રચના કરવામાં આવી. જેના ભાગરૂપે ડેડીયાપાડા અને ગરુડેશ્વર ખાતેની સરકારી વાણિજ્ય અને વિનયન કોલેજ ખાતે જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ તેમજ સિવિલ હોસ્પિટલ રાજપીપલા ના મનોચિકિત્સક દ્વારા આત્મહત્યા નિવારણ તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મનોચિકિત્સક ડો. પ્રશાંત જરીવાલા અને ડૉ. અમિષા પટેલ દ્વારા વિવિધ ઓડિયો વિઝ્યુઅલ માધ્યમથી આત્મહત્યા નિવારણનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

આ તાલીમ માં હોસ્પિટલ ના તબીબ ડો. પૃથ્વીરાજ પરમાર,  મનોચિકિત્સા સમાજસેવક સોહિલકુમાર કોઠારી અને માનસિક આરોગ્ય નર્સ ડિમ્પલબેન તડવી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તાલીમ માં આર્ટસ અને કોમર્સ કોલજે ના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો એ ભાગ લીધો હતો.
ગરુડેશ્વર કોલેજ ના પ્રિન્સિપાલ ડો.પદ્મા મેડમ અને ડેડીયાપાડા કોલેજના પ્રિન્સિપાલ ડો. અનિલા મેડમ ના પ્રયાસો થી આ તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતુ,  જેમાં કોલેજ વિદ્યાર્થીઓમાં વિવિધ માનસિક સમસ્યાઓ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જ્યારે યુવાનો માં છાશવારે આત્મહત્યા જેવી ઘટનાઓ વધવા લાગી છે, ત્યારે તજજ્ઞો દ્વારા આવી તાલીમ સમાજની જરૂરિયાત બની જાય છે.

 નર્મદા જિલ્લામાં ખેતરમાં નાખવાની ઝેરી દવા સરળતાથી મળી રહેતી હોવાથી, નજીવા કારણોસર સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓમાં ઝેરી દવા પી ને રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં દાખલ થવાના બનાવો વધ્યા છે : મનોચિકિત્સક ડો. પ્રશાંત જરીવાલા

(10:32 PM IST)