News of Friday, 19th December 2025
ખેડૂતો માટે કેન્દ્રમાંથી સહાય મેળવવાની તક ગઇ : વીમા યોજના તુરત શરૂ કરો
કમોસમી વરસાદથી કંઇ નુકશાની નહી? ડો.મનિષ દોશીના ચાબખા

અમદાવાદ, તા.૧૯: કોંગ્રેસના પ્રદેશ પ્રવકતા ડો. મનિષ દોશી જણાવે છે કે ૧-૪-૨૦૨૫ થી ૩-૧૨-૨૦૨૫ સુધીના કમોસમી વરસાદથી થયેલા નુકસાનની વિગતો કેન્દ્ર સરકારે સંસદમાં શૂન્ય બતાવી છે, જેથી કેન્દ્રીય સ્તરે વધારાની સહાય મળી શકે તેવી તક પણ ગુમાવી દીધી છે. એનો અર્થ ગુજરાતની ભાજપ સરકારે ગુજરાતમાં કમોસમી વરસાદથી થયેલા ભારે નુકસાનની વિગતો કેન્દ્ર સરકારને જણાવી નથી કે શું ?
સંસદમાં રજુ થયેલા તથા વાસ્તવિક આંકડાઓનાથી ભાજપ સરકારની ખેડૂત, ખેતી અને ગામડા વિરોધી નીતિઓ વધુ એક વખત ખુલ્લી પડયાનું જણાવી મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભારે કમોસમી બિનહિસાબી વરસાદે ખેડૂતોના તૈયાર પાકો, મગફળી, કપાસ, જીરું, ડાંગર વગેરે નો વ્યાપક નાશ કર્યો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. દિવાળીના બીજા દિવસે ગુજરાતી નવા વર્ષની શરૂઆત થાય છે અને તે જ સમયે ખેડૂતો ચોમાસુ પાકની કાપણી શરૂ કરે છે, પરંતુ આ વર્ષે સતત વરસાદને કારણે તૈયાર પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. પાક બરબાદ થઈ ગયા છે.
ભાજપ સરકારના અત્યાચારી નિર્ણયોને કારણે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY) વર્ષ ૨૦૨૦ થી બહાર નીકળી ગયા છે. આના કારણે એક પણ ખેડૂતને વીમાનો લાભ મળ્યો નથી અને એક પણ રૂપિયાનું વળતર મળ્યું નથી. સમગ્ર દેશના મોટાભાગના રાજ્યોમાં ખેડૂતોને ફસલ વીમા યોજનાનો લાભ મળે છે, પરંતુ કેન્દ્ર અને રાજ્ય બંનેમાં ભાજપની સરકાર હોવા છતાં ગુજરાતના ખેડૂતોને આ યોજનાથી વંચિત રાખવામાં આવ્યા છે.
રાજ્ય સરકારે જાહેર કરેલું રૂ. ૧૦,૦૦૦ કરોડનું રાહત પેકેજ નજીવી અને મશ્કરી સમાન છે. તેમાં મર્યાદિત વિસ્તારોને જ આવરી લેવામાં આવ્યા છે, હેક્ટરદીઠ રૂ. ૨૨,૦૦૦ (મહત્તમ ૨ હેક્ટર સુધી)ની સહાય છે, અને અનેક શરતોને કારણે ખેડૂતોને પૂર્ણ ન્યાય નથી મળી રહ્યો. વાસ્તવિક નુકસાનની સરખામણીએ આ રકમ મશ્કરી સમાન છે.
કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જીન સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય કરે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના તાત્કાલિક અમલમાં મૂકવા માટે રાજ્ય સાથે ચર્ચા કરીને તેને પુનઃ શરૂ કરવામાં આવે.
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
