News of Saturday, 20th December 2025
ગુજરાત પોલીસનો 'સિંઘમ' અવતાર : ગંભીર ગુનાના ગુનેગારો સામે આક્રમક કાર્યવાહી : રાજ્યમાં 3 મહિનામાં 6 જેટલા એન્કાઉન્ટર અને શૂટઆઉટ
દુષ્કર્મ અને હત્યા જેવા જઘન્ય અપરાધોના આરોપીઓએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો કે હુમલો કરવાનો પ્રયાસ કરતા ખાખીનો કરારો જવાબ : ગાંધીનગરથી નવસારી અને રાજકોટથી સુરત સુધી ગુનેગારોમાં ફફડાટ : 'ઓપરેશન વીરાંગના' હેઠળ આરોપીઓના પગમાં ધરબી દીધી ગોળીઓ

રાજકોટ: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગંભીર અને જઘન્ય ગુનાના આરોપીઓ સામે પોલીસ અત્યંત આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. ખાસ કરીને દુષ્કર્મ અને બાળકીઓ પર અત્યાચાર ગુજારનારા નરાધમો જ્યારે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો કે પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે ગુજરાત પોલીસે 'ગોળીનો જવાબ ગોળી' થી આપીને ગુનેગારોમાં કાયદાનો ખૌફ પેદા કર્યો છે. છેલ્લા ચાર મહિનામાં રાજ્યના અલગ-અલગ શહેરોમાં નોંધાયેલી મહત્વની ઘટનાઓ નીચે મુજબ છે:
૧. ગાંધીનગર: રિ-કન્સ્ટ્રક્શન દરમિયાન ફાયરિંગ (૨૦ ડિસેમ્બર ૨૦૨૫)
આજે ગાંધીનગરમાં દુષ્કર્મ કેસના એક આરોપીને જ્યારે પોલીસ તપાસ માટે ઘટનાસ્થળે રિ-કન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી, ત્યારે તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. 'ઓપરેશન વીરાંગના' હેઠળ કાર્યવાહી કરી રહેલી પોલીસે તુરંત એક્શનમાં આવી આરોપીના પગમાં ગોળી મારી તેને ફરી કસ્ટડીમાં લીધો હતો.
૨. સુરત: ડબલ મર્ડરનો આરોપી શિવા ટકલા ઘાયલ (૧૬ ડિસેમ્બર ૨૦૨૫)
સુરતના ગોડાદરા વિસ્તારમાં બનેલી ઘટનામાં, ડબલ મર્ડર કેસનો કુખ્યાત ફરાર આરોપી શિવા ટકલા પોલીસના હાથે ચડ્યો હતો. પકડાયા બાદ તેણે પોલીસ પર હુમલો કરતા પોલીસે સ્વરક્ષણમાં ફાયરિંગ કર્યું હતું, જેમાં તેના જમણા પગમાં ગોળી વાગી હતી.
૩. રાજકોટ: બાળકીના બળાત્કારી પર પંચનામા સમયે કાર્યવાહી (૧૦ ડિસેમ્બર ૨૦૨૫)
રાજકોટમાં માનવતાને શર્મસાર કરતી ઘટનામાં નાની બાળકી પર બળાત્કાર ગુજારનાર આરોપી પંચનામા દરમિયાન પોલીસ પર તીક્ષ્ણ હથિયારથી તૂટી પડ્યો હતો. પોલીસે અપ્રતિમ સાહસ બતાવી આરોપીના બંને પગમાં ગોળીઓ ધરબી દીધી હતી.
૪. અમદાવાદ: દાણીલીમડામાં પોલીસ ઇન્સ્પેક્ટરનું ફાયરિંગ (૭ ડિસેમ્બર ૨૦૨૫)
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં દુષ્કર્મના આરોપી મોઇનુદ્દીન શેખે ક્રાઇમ સીન રિકન્સ્ટ્રક્શન વખતે પોલીસ પર હુમલો કરી નાસવાનો પ્રયાસ કર્યો હતો. સ્થળ પર હાજર પોલીસ ઇન્સ્પેક્ટરે સ્વરક્ષણમાં ગોળીબાર કરતા આરોપીના પગમાં ઈજા થઈ હતી.
૫. નવસારી અને ગાંધીનગરની અન્ય ઘટનાઓ:
નવેમ્બર મહિનામાં બિલીમોરા ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલ અને ગેંગસ્ટર્સ વચ્ચે આમને-સામને ગોળીબાર થયો હતો, જેમાં એક આરોપીને ગોળી વાગી હતી. આ અગાઉ ૨૪ સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરમાં એક આરોપીએ પોલીસનું હથિયાર છીનવી ગોળીબાર કરતા પોલીસે તેનું એન્કાઉન્ટર કર્યું હતું.
આમ, ગુજરાત પોલીસની આ આકરી કાર્યવાહીએ સંદેશ આપ્યો છે કે રાજ્યમાં ગુનેગારોનું હવે આવી બન્યું છે. ગૃહ વિભાગના કડક વલણ બાદ પોલીસ હવે આવા નરાધમો સામે કોઈપણ પ્રકારની ઢીલ મૂકવા તૈયાર નથી.
(9:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
