News of Saturday, 20th December 2025
રાજપીપળા મામલતદાર કચેરીમાં જમીન પુર્તતા કરવા આવતા ખેડૂતો પાસેથી રૂ. 50 ઉઘરાવતા લોકોને અટકાવવા ભાજપના કાર્યકરો મેદાને ઉતર્યા
પીએમ કિસાન સહાય અને રેશનકાર્ડની નોટિસોના પગલે ઉમટેલા ખેડૂતોને ભાજપના હોદ્દેદારોએ મફત ફોર્મ ભરી આપ્યા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થીઓ અને મફત અનાજ મેળવતા રેશનકાર્ડ ધારકો માટે સરકાર દ્વારા નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.જે અંતર્ગત ખેડૂતોને નોટિસો અપાતા રાજપીપળા મામલતદાર કચેરી ખાતે જમીનની પૂર્તતા કરવા ખેડૂતો ઉમટી રહ્યા છે.આ દરમિયાન કેટલાક લોકો ખેડૂતો પાસે ફોર્મ ભરવા માટે રૂ. 50 થી 100 ઉઘરાવી ગરીબ ખેડુતો પાસે ઉઘાડી લુંટ ચલાવી રહ્યા હતા.આ બાબત જાણી રાજપીપળા શહેર ભાજપ પ્રમુખ અજીત પરીખ, અગ્રણી નામસરણ સિકલીગર સહિતના કાર્યકરો તાત્કાલિક કચેરી ખાતે પહોંચી ગયા હતા.ભાજપના કાર્યકરોએ કચેરીમાં ટેબલ લગાવી ખેડૂતોને મફત ફોર્મનું વિતરણ કરી, ફોર્મ ભરી આપીને મદદરૂપ થઈ માનવતા મહેકાવી હતી.
કેન્દ્ર સરકારની નવી માર્ગદર્શિકા મુજબ, જે ખેડૂતો 5 એકરથી વધુ જમીન ધરાવે છે અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક સહાય મેળવે છે, તેમને હવે બીપીએલ (BPL) કે એનએફએસએ (NFSA) કાર્ડ પર મળતું મફત અનાજ બંધ કરવામાં આવશે. આ નિયમને પગલે અનેક ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.સરકારી ડેટાબેઝના આધારે જે ખેડૂતોની જમીન મર્યાદા કરતા વધુ છે તેમને નોટિસો ફટકારીને પુરાવા રજૂ કરવા જણાવવામાં આવ્યું છે.
જો જમીનની કૌટુંબિક વહેંચણી થઈ હોય અને રેકોર્ડ પર હજુ સંયુક્ત માલિકીના કારણે જમીન વધુ દેખાતી હોય, તો ખેડૂતે હવે સોગંદનામું કે અન્ય દસ્તાવેજો દ્વારા તે સાબિત કરવું પડશે.આ સાબિતી આપવા માટે મામલતદાર કચેરીમાં ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે.જો ખેડૂત પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ જશે તો તેમના રેશનકાર્ડ પર મળતો અનાજનો લાભ કાયમી ધોરણે બંધ થઈ શકે છે.
એક તરફ ભાજપના કાર્યકરોએ ફોર્મ ભરવામાં મદદ કરી ખેડૂતોને આર્થિક ભારણમાંથી બચાવ્યા છે, તો બીજી તરફ મામલતદાર કચેરી દ્વારા પણ ખેડૂતોની રજૂઆતો સાંભળીને પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી રહી છે.ખેડૂતોને કોઈ પણ પ્રકારની ગેરસમજ ન થાય તે માટે વહીવટી સ્તરે પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે
(10:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
