News of Sunday, 21st December 2025
યાત્રાધામ પાલીતાણામાં મંડપ સર્વિસના ગોડાઉનમાં અચાનક વિકરાળ આગ લાગી :અફરાતફરીનો માહોલ
ગિરિરાજની તળેટી જેવા ગીચ અને મહત્વના વિસ્તારમાં મંડપના સામાન રાખવાના ગોડાઉનમાં આગ ભભૂકી

યાત્રાધામ પાલીતાણામાં આગની એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી.તળેટી વિસ્તારમાં આવેલા મંડપ સર્વિસના એક ગોડાઉનમાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં ભય અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આગ લાગવાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
પાલીતાણાના ગિરિરાજની તળેટી જેવા ગીચ અને મહત્વના વિસ્તારમાં મંડપના સામાન રાખવાના ગોડાઉનમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. મંડપના સામાનમાં કાપડ, લાકડું અને પ્લાસ્ટિક જેવી જ્વલનશીલ વસ્તુઓ હોવાને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી વિકરાળ હતી કે તેના કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા દૂરે દૂર આકાશમાં ઉડતા નજરે પડતા હતા, જેને જોઈ સ્થાનિકોમાં ફાળ પડી હતી.
ઘટનાની જાણ થતા જ પાલીતાણા નગરપાલિકાનો ફાયર વિભાગ તુરંત હરકતમાં આવ્યું હતું. ફાયર ફાઈટર્સની ટીમે ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી હતી. કલાકોની ભારે જહેમત બાદ અંતે આગ પર કાબૂ મેળવી શકાયો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, જે મોટી રાહતની વાત છે.
(12:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
