તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Sunday, 21st December 2025
ખ્યાતિકાંડના 'સફેદ ડ્રેસમાં સજ્જ કસાઈઓ'ને કોર્ટનો લપડાક: પાપનો ઘડો ભરાયો, હવે જેલના સળિયા ગણવા તૈયાર રહેજો
માનવ જીંદગી સાથે રમત રમી આર્થિક લાભ મેળવવાના પૂર્વનિયોજિત કાવતરામાં ડિસ્ચાર્જ અરજી ફગાવી, ૬૦૦૦થી વધુ પાનાની ચાર્જશીટ અને મજબૂત પુરાવાઓને આધારે કોર્ટે આરોપીઓને ટ્રાયલનો સામનો કરવા આદેશ આપ્યો

અમદાવાદ: ગુજરાતને હચમચાવી દેનારા ચકચારી ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મુખ્ય સૂત્રધારો સામે કાયદાનો ગાળિયો વધુ કડક બન્યો છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ અને રાહુલ જૈન દ્વારા કરવામાં આવેલી કેસમાંથી મુક્ત થવાની (ડિસ્ચાર્જ) અરજીને ધરાર ફગાવી દીધી છે. કોર્ટે પોતાના અવલોકનમાં અત્યંત ગંભીર નોંધ લેતા જણાવ્યું હતું કે, આ માત્ર મેડિકલ બેદરકારીનો કિસ્સો નથી, પરંતુ ગરીબ દર્દીઓના જીવ જોખમમાં મૂકી સરકારી યોજનાના નાણાં હડપવાનું એક સુનિયોજિત કાવતરું છે. આરોપીઓની આ દલીલ કે તેઓ ઓપરેશનમાં સીધી રીતે સંકળાયેલા નહોતા, તેને કોર્ટે અમાન્ય રાખી પૂર્વનિયોજિત ગુનાહિત માનસનો નિર્દેશ કર્યો છે.
સરકારી વકીલ દ્વારા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલી દલીલોએ ખ્યાતિ હોસ્પિટલના વરવા ચહેરાને ખુલ્લો પાડ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે, કાર્તિક પટેલના નેતૃત્વમાં આખું નેટવર્ક ગરીબ ગામડાઓમાં મેડિકલ કેમ્પના નામે 'શિકાર' શોધતું હતું. પીએમજેએવાય (PMJAY) યોજનાનો ગેરકાયદેસર લાભ લેવા માટે દર્દીઓના નકલી ડેટા ઉભા કરવાથી માંડીને તેમને બીમારીનો ખોટો ડર બતાવી બિનજરૂરી સર્જરી કરવા સુધીના પુરાવા પોલીસ પાસે છે. આ કૌભાંડમાં માત્ર આર્થિક ફાયદો જ નહીં, પરંતુ માનવીય સંવેદનાઓનું સંપૂર્ણ અવમૂલ્યન કરવામાં આવ્યું હોવાનું કોર્ટે સ્વીકાર્યું છે.
બોરીસણા ગામના નિર્દોષ દર્દીઓના મોતે સમગ્ર રાજ્યમાં તબીબી જગત પર કલંક લગાવ્યું હતું. ૧૯ દર્દીઓને છેતરીને હોસ્પિટલ લાવી, પરિવારની મંજૂરી વગર તેમની નસોમાં સ્ટેન્ટ મૂકી દેવાની આ પદ્ધતિએ તબીબી આલમમાં સનસનાટી મચાવી હતી. ૬૦૭૦ પાનાની વિશાળ ચાર્જશીટમાં રજૂ કરાયેલા ૩૦ સાક્ષીઓના નિવેદનો અને ફોરેન્સિક પુરાવાઓ સૂચવે છે કે હોસ્પિટલ મેનેજમેન્ટ માત્ર આંકડાકીય લક્ષ્યાંકો સિદ્ધ કરવામાં વ્યસ્ત હતું. બે દર્દીઓના કરુણ મોત બાદ પણ આરોપીઓએ કાયદાકીય છટકબારી શોધવાનો જે પ્રયાસ કર્યો હતો તેને કોર્ટે જડબાતોડ જવાબ આપ્યો છે.
આ ચુકાદા બાદ હવે કાર્તિક પટેલ અને રાહુલ જૈન વિરુદ્ધ નિયમિત ટ્રાયલ શરૂ થશે, જેનો અર્થ એ છે કે તેમણે લાંબો સમય જેલના સળિયા પાછળ વિતાવવો પડી શકે છે. પીડિત પરિવારો જે છેલ્લા ઘણા સમયથી ન્યાયની આશામાં બેઠા છે, તેમના માટે આ નિર્ણય એક મોટી જીત સમાન છે. આ કેસ ગુજરાતના આરોગ્ય ક્ષેત્રમાં શુદ્ધિકરણની દિશામાં એક માઈલસ્ટોન સાબિત થશે. આગામી દિવસોમાં કોર્ટમાં ચાલનારી ટ્રાયલ દરમિયાન હોસ્પિટલના અન્ય કેટલા મોટા માથાઓ સામે સકંજો કસાય છે તેના પર સમગ્ર રાજ્યની નજર રહેશે.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
