<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st December 2025

અમદાવાદમાં હિટ એન્ડ રન જેવી ઘટના: હિંમતનગરથી "ટેટ"ની પરીક્ષા આપવા આવેલા બે આશાસ્પદ યુવાનોને અજીત મિલ પાસે બેફામ બનેલી કારે ઉડાવતા સ્થિતિ અત્યંત નાજુક

આજે રવિવારે સવારે અમદાવાદના અજીત મિલ ચાર રસ્તા પાસે ગમખ્વાર અકસ્માત: હિંમતનગરથી શિક્ષક બનવાનું સપનું લઈને આવેલા બે વિદ્યાર્થીઓ રોડ ક્રોસ કરતા હતા ત્યારે જ કારે ટક્કર મારી: લોકોએ કાર ચાલકને ઝડપીને મેથીપાક ચખાડ્યો: ઈજાગ્રસ્તો શારદાબેન હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે

અમદાવાદ: રાજ્યભરમાં આજે યોજાઈ રહેલી શિક્ષક યોગ્યતા કસોટી (ટેટ) આપવા માટે નીકળેલા ઉમેદવારો માટે રવિવારની સવાર અમંગળ સાબિત થઈ છે. હિંમતનગરથી અમદાવાદ પરીક્ષા આપવા આવેલા બે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર પહોંચે તે પહેલાં જ ગંભીર અકસ્માત નડ્યો છે, જેના કારણે બંને વિદ્યાર્થીઓ હાલ હોસ્પિટલના બિછાને જીવન સામે જંગ લડી રહ્યા છે.

 

પરીક્ષા આપે તે પહેલાં જ કાળનો પંજો

મળતી માહિતી મુજબ, આ ઘટના આજે રવિવારે (૨૧ ડિસેમ્બર) સવારે બની હતી. હિંમતનગરના બે યુવાનો પોતાનું ભવિષ્ય ઘડવા માટે ટેટની પરીક્ષા આપવા અમદાવાદ આવ્યા હતા. તેઓ અજીત મિલ ચાર રસ્તા પાસે રસ્તો ઓળંગી રહ્યા હતા, ત્યારે કાળ બનીને આવેલી એક પુરપાટ ઝડપે દોડતી કારે બંનેને જોરદાર ટક્કર મારી હતી. 

 

ટક્કર એટલી પ્રચંડ હતી કે બંને પરીક્ષાર્થીઓ ફંગોળાઈને રોડ પર પટકાયા હતા.

લોકોનો રોષ અને પોલીસ કાર્યવાહી

અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો અને વાહનચાલકો દોડી આવ્યા હતા. 

 

કાર ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ લોકોએ તેને સ્થળ પર જ ઝડપી પાડ્યો હતો અને મેથીપાક ચખાડી પોલીસના હવાલે કર્યો હતો. 

 

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. બંને ઈજાગ્રસ્ત યુવાનોને તાત્કાલિક સારવાર માટે શારદાબેન હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

 

___

 

 

અગ્નિવીરો માટે મોટી જાહેરાત: કેન્દ્ર સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે બીએસએફની ભરતીમાં અગ્નિવીરોને ૫૦% અનામત: શારીરિક કસોટીમાંથી પણ મુક્તિ

 

 *ગૃહ મંત્રાલયે અગ્નિપથ યોજનાને મજબૂત બનાવવા બીએસએફ કોન્સ્ટેબલ ભરતીના નિયમોમાં ધરખમ ફેરફાર કર્યા * હવેથી કોન્સ્ટેબલની ભરતીમાં દર બીજી સીટ (૫૦% બેઠકો) પૂર્વ અગ્નિવીરો માટે અનામત રહેશે * વય મર્યાદામાં ૫ વર્ષ સુધીની છૂટ અને ફિઝિકલ ટેસ્ટ આપવાની પણ જરૂર નહીં રહે*

 

(નવી દિલ્હી): અગ્નિપથ યોજના હેઠળ સેનામાં સેવા આપી ચૂકેલા યુવાનો (અગ્નિવીરો) ના ભવિષ્યને લઈને ઉઠતા પ્રશ્નોનો અંત લાવતા કેન્દ્ર સરકારે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) માં કોન્સ્ટેબલ લેવલની ભરતીમાં અગ્નિવીરો માટે અનામત ૧૦% થી વધારીને સીધી ૫૦% કરી દીધી છે.

 

ફિઝિકલ ટેસ્ટમાંથી મુક્તિ: સીધી ભરતીનો માર્ગ મોકળો

અગ્નિવીરો માટે સૌથી મોટી રાહતના સમાચાર એ છે કે તેમને બીએસએફ માં જોડાવા માટે ફરીથી કોઈ પણ પ્રકારની શારીરિક કસોટી (પીએસટી કે પીઈટી) આપવી પડશે નહીં. સરકારનું માનવું છે કે આ યુવાનો પહેલેથી જ સેનાની કઠોર તાલીમમાંથી પસાર થઈ ચૂક્યા છે, તેથી તેઓ શારીરિક રીતે સક્ષમ જ હોય છે.

 

વય મર્યાદામાં મોટી છૂટછાટ

 

સામાન્ય ઉમેદવારો માટે વય મર્યાદા ૧૮ થી ૨૩ વર્ષ હોય છે, પરંતુ પૂર્વ અગ્નિવીરોને તેમાં વિશેષ છૂટ મળશે:

 

 * પ્રથમ બેચ: અગ્નિવીરોની પ્રથમ બેચના ઉમેદવારોને વય મર્યાદામાં મહત્તમ ૫ વર્ષની છૂટ મળશે.

 * ત્યારબાદની બેચ: ત્યારબાદની બેચના અગ્નિવીરોને ૩ વર્ષની છૂટ મળશે.

 

ભરતી પ્રક્રિયા કેવી રીતે થશે?

હવેથી બીએસએફ કોન્સ્ટેબલની ભરતી બે તબક્કામાં થશે. પ્રથમ તબક્કામાં ૫૦% બેઠકો માત્ર પૂર્વ અગ્નિવીરો દ્વારા ભરવામાં આવશે. જ્યારે બીજા તબક્કામાં બાકીની બેઠકો માટે સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી) દ્વારા સામાન્ય ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ૧૦મું પાસ રાખવામાં આવી છે. 

 

આ ઉપરાંત ૧૦% બેઠકો પૂર્વ સૈનિકો અને ૩% બેઠકો ટ્રેડ્સમેન માટે પણ અનામત રહેશે.

(12:43 PM IST)