<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st December 2025

સુરતમાં ભણતરની આડમાં ધર્મનું 'ઝેર': સરકારી શાળાના આચાર્યે ચલાવ્યું ધર્માંતરણનું નેટવર્ક, શિક્ષણ વિભાગની લાલ આંખ

માંડવી પંથકમાં આચાર્ય અને શિક્ષકો દ્વારા બાળકોને લલચાવી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવવાનું કૌભાંડ; રામજી ચૌધરી સહિત 'પાસ્ટર ગ્રુપ' ના સભ્યોની ધરપકડ, જિલ્લાની અન્ય શાળાઓમાં પણ તપાસનો ધમધમાટ

સુરત : સુરત જિલ્લાના માંડવી પંથકમાંથી શિક્ષણ જગતને કલંકિત કરતી એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. વાલીઓ જે શાળામાં પોતાના બાળકોને ઉજ્જવળ ભવિષ્યની આશાએ મોકલે છે, તે જ સરકારી શાળામાં બાળકોના માનસપટલ પર ધર્મ પરિવર્તનનું જાળ બિછાવવામાં આવતું હોવાનો પર્દાફાશ થયો છે. શાળાના આચાર્ય રામજી ચૌધરી પોતે સરકારી કર્મચારી હોવા છતાં, કાયદા અને નિયમોને નેવે મૂકીને એક ટ્રસ્ટ બનાવી ધર્માંતરણની પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા હોવાનો ઘટસ્ફોટ થતા સમગ્ર પંથકમાં રોષ ફાટી નીકળ્યો છે.

આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયા બાદ પોલીસ તંત્ર અને શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આચાર્ય રામજી ચૌધરીની સાથે અન્ય એક શિક્ષક ગુરજીભાઈ વસાવા અને પાસ્ટર નવીન ચૌધરી પણ આ 'પાસ્ટર ગ્રુપ' માં સક્રિય હતા. આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ટોળકી નિર્દોષ બાળકો અને તેમના પરિવારોને વિવિધ પ્રલોભનો આપીને ખ્રિસ્તી ધર્મ સ્વીકારવા માટે મજબૂર કરતી હોવાના પુરાવા મળ્યા છે, જે બાદ તપાસના મૂળિયાં વધુ ઊંડા ઉતારવામાં આવ્યા છે.

ગંભીર બાબત એ છે કે, આચાર્યએ સરકારી હોદ્દાનો દુરુપયોગ કરીને શાળાના વાતાવરણને ધાર્મિક પ્રચારનું કેન્દ્ર બનાવી દીધું હતું. આ મામલે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કડક વલણ અપનાવતા મોટી કાર્યવાહી હાથ ધરી છે. TDO (તાલુકા વિકાસ અધિકારી) ને આ મામલે તટસ્થ અને ઝડપી તપાસના આદેશો આપવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગની એક સ્પેશિયલ ટીમ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, આ ગેરકાયદેસર નેટવર્કમાં જિલ્લાની અન્ય કઈ શાળાઓ અથવા કેટલા સરકારી શિક્ષકો સંડોવાયેલા છે.

આ ઘટનાએ આદિવાસી પંથકમાં ચાલતા ધર્માંતરણના નેટવર્ક પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ છે અને તેઓ આવા તત્વો સામે દાખલારૂપ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. સુરત પોલીસ અને શિક્ષણ વિભાગ હવે એ સુનિશ્ચિત કરવા માંગે છે કે કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં શિક્ષણની આડમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન થાય. આગામી દિવસોમાં આ 'પાસ્ટર ગ્રુપ' ના અન્ય સભ્યોના નામ પણ બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.

(3:44 PM IST)