તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 21st December 2025
અમદાવાદમાં ખાખી વિરુદ્ધ કાળો કોટ: પોલીસને ગાળો આપનાર મહિલા વકીલ સામે FIR, લાફો મારનાર પોલીસકર્મી સસ્પેન્ડ
અંજલી ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ ભંગ બાદ શરૂ થયેલો વિવાદ પોલીસ સ્ટેશન પહોંચ્યો; એડવોકેટ બંસરી ઠક્કર વિરુદ્ધ 6 ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ, DCP એ પોલીસની ભૂલ સ્વીકારી કડક પગલાં લીધા

અમદાવાદ : અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા અંજલી ચાર રસ્તા પર તાજેતરમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક ઘટના સામે આવી છે. ટ્રાફિક સિગ્નલનો ભંગ કરનાર એડવોકેટ બંસરી ઠક્કરને જ્યારે ફરજ પરના પોલીસકર્મીએ અટકાવ્યા, ત્યારે મામલો શાંત પડવાને બદલે ઉગ્ર બન્યો હતો. મહિલા વકીલે ન માત્ર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું, પરંતુ ફરજ પરના પોલીસ કર્મચારીઓ સાથે અત્યંત અભદ્ર ભાષામાં વાત કરી ગેરવર્તણૂક કરી હતી. આ વિવાદ એટલો વકર્યો કે સોશિયલ મીડિયા પર તેના વીડિયો વાયરલ થયા અને અંતે પોલીસે આક્રમક તેવર અપનાવી મહિલા વિરુદ્ધ કાયદાનો ગાળિયો કસ્યો છે.
પાલડી પોલીસે આ મામલે ગંભીરતા દાખવી બંસરી ઠક્કર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની 6 અલગ-અલગ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. જેમાં સરકારી કર્મચારીની ફરજમાં અડચણ ઉભી કરવી, જાહેર સ્થળે ગંદી ગાળો બોલવી અને ધમકી આપવા જેવી કલમોનો સમાવેશ થાય છે. ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાએ હેલ્મેટ પહેર્યું નહોતું અને જ્યારે તેમને રોકવામાં આવ્યા ત્યારે તેમણે પોલીસનું આઈડી કાર્ડ પણ નીચે ફેંકી દીધું હતું. વ્યવસાયે વકીલ હોવા છતાં કાયદાનું સન્માન જાળવવાને બદલે પોલીસ સાથે બાખડવું હવે તેમને ભારે પડી રહ્યું છે.
બીજી તરફ, આ ઘટનામાં સિક્કાની બીજી બાજુ પણ સામે આવી છે. વિવાદ દરમિયાન પોલીસકર્મી જયંતિભાઈએ સંયમ ગુમાવીને મહિલા પર હાથ ઉગામ્યો હતો અને તેમને લાફો માર્યો હતો. ટ્રાફિક વેસ્ટ DCP ભાવના પટેલે આ મામલે નિવેદન આપતા સ્વીકાર્યું હતું કે પોલીસકર્મીએ કાયદો હાથમાં લેવો જોઈએ નહીં. આથી, મહિલા વિરુદ્ધ કાર્યવાહીની સાથે સાથે શિસ્તભંગ બદલ પોલીસ કર્મચારી જયંતિભાઈને પણ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આમ, પોલીસે પોતાની ભૂલ સ્વીકારીને સંતુલિત કાર્યવાહીનો દાખલો બેસાડ્યો છે.
હાલમાં આ કિસ્સો સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. એક તરફ સરકારી કામમાં દખલ કરનાર સામે કડક કાર્યવાહીનો સંદેશ ગયો છે, તો બીજી તરફ મહિલાઓ સાથે કેવી રીતે વર્તવું તે બાબતે પોલીસને પણ શિસ્તનો પાઠ ભણાવવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસ હવે આ મામલે ઊંડી તપાસ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજના આધારે વધુ પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. આ ઘટના એ વાતની યાદ અપાવે છે કે કાયદાના રક્ષકો હોય કે જાણકારો, નિયમો દરેક માટે સમાન છે.
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
