તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 21st December 2025
ગુજરાતના યુવાનો બન્યા 'જોબ ગિવર': SSIP 2.0 અને i-Hub ના પ્રતાપે સ્ટાર્ટઅપ જગતમાં વાગી ગુજરાતની આણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનમાં 16,700 થી વધુ સ્ટાર્ટઅપ્સ ધમધમ્યા; 1500 થી વધુ એકમોને સરકારી સહાય, મહિલાઓ માટે 'WEstart' બની આશાનું કિરણ અને i-Hub ના માધ્યમથી ₹3,500 કરોડની માર્કેટ વેલ્યુનું સર્જન

ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત @2047' ના સપનાને સાકાર કરવામાં ગુજરાતના યુવા ઉદ્યોગસાહસિકો પાયાની ભૂમિકા ભજવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે 'સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ એન્ડ ઇનોવેશન પોલિસી' (SSIP 2.0) દ્વારા શિક્ષણની સાથે જ ઉદ્યોગસાહસિકતાના બીજ રોપ્યા છે. ગુજરાત આજે સતત ચોથી વખત સ્ટાર્ટઅપ રેન્કિંગમાં દેશમાં અગ્રેસર રહ્યું છે. રાજ્યમાં હાલ અંદાજે 16,700 જેટલા સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે, જે સાબિત કરે છે કે ગુજરાતના યુવાનો હવે નોકરી શોધનારા નહીં પણ નોકરી આપનારા (Job Givers) બની રહ્યા છે. શાળા સ્તરથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીના વિદ્યાર્થીઓને આ પોલિસી હેઠળ મેન્ટરશિપ અને નાણાકીય કવચ પૂરું પાડવામાં આવે છે.
ગુજરાતની આ સફળતા પાછળ 'i-Hub' (ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ) એક ગેમ-ચેન્જર સાબિત થયું છે. ગાંધીનગરમાં 1.5 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલું આ અત્યાધુનિક કેમ્પસ એક સાથે 500 સ્ટાર્ટઅપ્સને આશરો આપવાની ક્ષમતા ધરાવે છે. i-Hub દ્વારા અત્યાર સુધીમાં 620 સ્ટાર્ટઅપ્સને સીધી સહાય અને 402 એકમોને ₹23 કરોડથી વધુનું સીડ સપોર્ટ ફંડ આપવામાં આવ્યું છે. અહીં માત્ર નાણાં જ નહીં, પરંતુ કાયદાકીય, તકનીકી અને માર્કેટિંગ માટે સિંગલ વિન્ડો સપોર્ટ સિસ્ટમ ઉપલબ્ધ છે. આ જ કારણ છે કે i-Hub સાથે જોડાયેલા સ્ટાર્ટઅપ્સની કુલ માર્કેટ વેલ્યુ આજે ₹3,569 કરોડને પાર કરી ગઈ છે, જે રાજ્યની મજબૂત ઇકોસિસ્ટમની સાક્ષી પૂરે છે.
સ્ટાર્ટઅપની આ સફરમાં સફળતાની અનેક ગાથાઓ વણાયેલી છે, જેમાંની એક છે મનન બટેરીવાલાની. મનને એક ફ્રીલાન્સર તરીકે શરૂઆત કરી હતી, પરંતુ i-Hub અને ગુજરાત સરકાર તરફથી મળેલી ₹15 લાખની ગ્રાન્ટની મદદથી તેમણે ‘કીપસેક ઓટોમેશન’ નામની કંપની ઉભી કરી. આજે તેમની કંપનીમાં 37 કુશળ લોકો કામ કરી રહ્યા છે. આવી જ રીતે રાજ્યના ઇન્ક્યુબેટેડ સ્ટાર્ટઅપ્સ દ્વારા અત્યાર સુધીમાં 1,400 જેટલી હાઈ-સ્કીલ્ડ રોજગારીનું સર્જન થયું છે. ખાસ કરીને 'WEstart' પહેલ દ્વારા મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપીને 196 મહિલા સંચાલિત સ્ટાર્ટઅપ્સને સશક્ત બનાવવામાં આવ્યા છે, જે સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે.
આગામી સમયમાં ગુજરાત સરકાર આ ઇકોસિસ્ટમને વધુ વ્યાપક બનાવવા જઈ રહી છે. અમદાવાદ અને ગાંધીનગર પછી હવે આગામી એક વર્ષમાં વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણામાં નવા ચાર પ્રાદેશિક સેન્ટરો શરૂ કરવામાં આવશે. SSIP 2.0 હેઠળ આગામી પાંચ વર્ષ માટે ₹300 કરોડનું માતબાર બજેટ ફાળવવામાં આવ્યું છે, જેમાંથી દર વર્ષે ₹60 કરોડની ગ્રાન્ટ સીધી વિદ્યાર્થીઓ અને ઇનોવેટર્સ સુધી પહોંચાડવામાં આવે છે. ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ના મંત્ર સાથે ગુજરાતના આ સ્ટાર્ટઅપ્સ વૈશ્વિક સ્તરે ડંકો વગાડવા સજ્જ છે.
(4:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
