તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 21st December 2025
ગ્રીન કોરિડોરના નામે આદિવાસીઓની જમીન છીનવવાનો પ્રયાસ: ચૈતર વસાવા
સાપુતારા–સ્ટેચ્યુ ઓફ યુનિટી ગ્રીન કોરિડોર મુદ્દે AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ સરપંચો સાથે શિબિર યોજી: એક ઇંચ જમીન પણ આપીશું નહીં, ગ્રામજનોનો પણ સખત વિરોધ: અમે વિકાસના વિરોધી નથી, અમારા લોકોને જે જોઇએ છે, તે પ્રકારનું કામ અહીં આપવું જોઇએ: ચૈતર વસાવા

( ભરત શાહ દ્વારા ) નર્મદા : ડેડીયાપાડાનાં AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગ્રીન કોરીડોર મુદ્દે આજે અનેક ગામના સરપંચો સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે આજે દેવમોગરા યાહ મોગી માતાના સાનિધ્યમાં સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા ગ્રીન કોરિડોરમાં આવતા ગામના લોકો સાથે અમારી શિબિર મળી હતી. ગામના અસરગ્રસ્ત ખેડૂતો અને સરપંચો સહિત બધા જ લોકોએ આ પ્રોજેક્ટનો વિરોધ દર્શાવ્યો છે. અગાઉ પણ આ જમીનો લેવા માટે જ્યારે ગ્રામસભાઓ બોલાવી હતી ત્યારે પણ બધા જ લોકોએ અસહમતી દર્શાવતો ઠરાવ કર્યો હતો. ગત તારીખ 16 અને 17ના રોજ ફરીથી ગ્રામસભા બોલાવીને જિલ્લાના અધિકારીઓએ આ પ્રોજેક્ટની મંજૂરી માટે ઘણી મહેનત કરી. છતાં ગામના લોકોએ અને સરપંચોએ આ કોરીડોરનો વિરોધ દર્શાવ્યો અને અસહમતી પણ દર્શાવી.
ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારને અમે કહેવા માંગીએ છીએ કે અમને વિકાસથી વાંધો નથી, અમારા લોકોને જે જોઇએ છે, તે પ્રકારનું કામ અહીં આપવું જોઇએ. આવા ગ્રીન કોરિડોરનાં નામે અમારી જમીનો છીનવવાની વાત છે, માટે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ. અમે એક પણ ઇંચ જમીન સરકારનાં પ્રોજેક્ટમાં આપવા માંગતા નથી. અમારી પ્રકૃતિ, અમારી સંસ્કૃતિ, અમારુ પર્યાવરણ અને આદિવાસીઓનું અસ્તિત્વ બચાવવા માટે જ્યાં પણ લડવું પડશે ત્યાં લડવાની અમારી તૈયારી છે. અમે આ કોરિડોરનો સખત વિરોધ કરીએ છીએ. આવનાર દિવસોમાં કોઇ પણ સંજોગોમાં, કોઇ પણ ભોગે એક પણ ઇંચ જમીન આ પ્રોજેક્ટમાં આપવા માંગતા નથી.
ડેડીયાપાડા તાલુકાના દાંતાવાડી, મોજડી, માથાવલી,દાબકા, પીપલોદ, વાઘઉમર, પાનખલા, માથાસર અને સાંકળી, ગરુડેશ્વર તાલુકાના મોખલી, ઝરવાણી, ધીરખાડી, થવડીયા, ગોરા અને સાગબારા તાલુકાનાં પટલામઉ, ટાવલ, પાટી, ગોનઆંબા, દતવાડા, રોઝદેવ, સીમઆંબલી, ચિત્રાકેવડી, કોડબા, અમિયાર, પાડા, ગોડદા, દેવમોગરા, નાલાકુંડ આટલા ગામમાંથી જે સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગ્રીન કોરીડોર પસાર થવાનો છે, તે ગ્રીન કોરિડોર એ કોઈ નાનો રસ્તો નથી. આ ગ્રીન કોરિડોર માટે સેન્ટરમાંથી 30-30 મીટર જમીનનું સંપાદન થશે. કોઈની એકર બે એકર હોય અને વચ્ચેથી રસ્તો પસાર થતો હોય તો તેની જમીન તો એમાં જ પૂરી થઈ જશે. આ અભ્યારણ વિસ્તારમાં ગ્રીન કોરિડોર લાવવાની સરકારને શું જરૂર પડી? આદિ અનાદિકાળથી આદિવાસીઓ અહીંયા રહે છે. બધાને ઈચ્છા હોય છે કે વિકાસ થવો જોઈએ પરંતુ પર્યાવરણ અને આદિવાસીના ભોગે ક્યાં સુધી વિકાસ? આપણી પાસે કંઈ એવી મોટી ગાડીઓ નથી, કોઇની પાસે હાઇવા નથી, આપણે રસ્તાઓ જે છે તે રસ્તા બનાવવાના ઠેકાણા નથી અને ગ્રીન કોરીડોરની વાતો કરે છે.
(10:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
