<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

ચાર નાની બાળકીઓ પર દુષ્કર્મ ગુજારનારને છેલ્લા શ્વાસ સુધીની જેલનો હુકમ કરાયો

ચંદ્રકાંત પટેલને છેલ્લા શ્વાસ સુધીની જેલનો હુકમઃવ્યવસાયે આર્ટિસ્ટ અને પાડોશમાં રહેતા ચંદ્રકાંત પટેલે પોતાની વિકૃતિનો શિકાર નાની બાળકીઓને બનાવી હતી

ખેડા : જિલ્લાના વસો તાલુકાના એક ગામમાં ગત વર્ષે એક અત્યંત શર્મજનક ઘટના બની હતી. વ્યવસાયે આર્ટિસ્ટ અને પાડોશમાં રહેતા ૫૪ વર્ષીય ચંદ્રકાંત પટેલ નામના શખ્સે પોતાની વિકૃતિનો શિકાર પાડોશમાં જ રહેતી ૪ નાની બાળકીઓને બનાવી હતી. જેની સાથે પરિવારોને જમવા સુધીના સંબંધો હતા અને બાળકીઓ જેમને દાદા કહીને માન આપતી હતી, તે જ શખ્સે ચોકલેટ અને ખાવાની લાલચ આપી આ માસૂમોનું શારીરિક શોષણ કર્યું હતું.

નડિયાદ સેશન્સ કોર્ટના જજ પી.પી.પુરોહિતે આરોપીને પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ દોષિત ઠેરવીને જીવનના છેલ્લા શ્વાસ સુધી જેલની સજાનો હુકમ કર્યો છે.

આ પાપનો ઘડો ત્યારે ફૂટ્યો જ્યારે એક બાળકીએ હિંમત દાખવીને તેની માતાને આપવીતી જણાવી. તપાસ કરતા ખબર પડી કે, અન્ય ૩ બાળકીઓ પણ આ નરાધમની હવસનો શિકાર બની હતી. ૧૪ ઓક્ટોબર ૨૦૨૪ ના રોજ ફરિયાદ નોંધાતા જ ખેડા જિલ્લા પોલીસ એક્શનમાં આવી હતી. DySP વિમલ બાજપાઈ અને PI ભીમાણી ની ટીમે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી હતી. આરોપીના ઘરેથી મળેલા પુરાવા અને તેના મોબાઈલમાંથી મળી આવેલા વાંધાજનક ફોટા-વીડિયોએ આ કેસમાં કડીરૃપ ભૂમિકા ભજવી હતી.

ન્યાયિક પ્રક્રિયા દરમિયાન સરકારી વકીલ પ્રેમ તિવારીએ કોર્ટમાં ધારદાર દલીલો કરી હતી. સરકાર પક્ષે કુલ ૪૫ દસ્તાવેજી પુરાવા અને ૧૯ સાક્ષીઓની જુબાની રજૂ કરવામાં આવી હતી. ચારેય પીડિત બાળકીઓની જુબાની કાયદાની જોગવાઈ મુજબ અત્યંત સુરક્ષિત અને ભયમુક્ત વાતાવરણમાં લેવામાં આવી હતી. પોલીસે પુરાવા એકત્ર કરવા માટે FSLની પણ મદદ લીધી હતી, જેથી આરોપીનો ગુનો સાબિત કરવામાં સફળતા મળી હતી.

નડિયાદ સેશન્સ કોર્ટના જજ પી.પી.પુરોહિતે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અવલોકન કર્યું કે આ કૃત્ય અક્ષમ્ય છે. કોર્ટે આરોપીને પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ દોષિત ઠેરવીને જીવનના છેલ્લા શ્વાસ સુધી જેલની સજાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત, પીડિત પરિવારોને આર્થિક સહાય તરીકે ૨ લાખ રૃપિયાનું વળતર આપવાનો પણ આદેશ કર્યો છે. માત્ર એક વર્ષની અંદર જ ચુકાદો આવતા પીડિત પરિવારોએ સંતોષ વ્યક્ત કર્યો છે અને ન્યાયતંત્રમાં લોકોનો વિશ્વાસ વધુ દ્રઢ થયો છે.

(7:42 PM IST)