તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd December 2025
વડોદરાના મકરપુરા ડેપો પાસે દબાણ હટાવતી વખતે હોબાળો: એક યુવક જેસીબીના ટાયર નીચે સૂઈ ગયો
વર્ષોથી અહીં વસવાટ કરતું એક પરિવારે જગ્યા પોતાની માલિકીની હોવાનું કહી પાલિકાની ટિમને પડકારી

વડોદરા શહેરના મકરપુરા ડેપો પાસે આજે મહાનગર પાલિકાની દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ભારે હોબાળો સર્જાયો હતો. વર્ષોથી અહીં વસવાટ કરતું એક પરિવારે જગ્યા પોતાની માલિકીની હોવાનું કહી પાલિકાની ટિમને પડકારી હતી.
વિરોધ એટલો ઉગ્ર બન્યો કે પરિવારના સભ્યો જેસીબી મશીન સામે બેસી ગયા હતા અને એક યુવક તો જેસીબીના ટાયર નીચે સૂઈ જતાં આત્મઘાતી પ્રયત્ન જેવી સ્થિતિ સર્જાઈ હતી.
પાલિકાની દબાણ શાખા સાથે પોલીસે સ્થળ પર પહોંચી ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. તે દરમિયાન પરિવારે આરોપ લગાવ્યો કે તેઓ વર્ષ 1979થી અહીં રહે છે અને અહીંથી જ પોતાનો રોજગાર ચલાવે છે. અગાઉ મળેલી નોટિસ બાદ મામલો હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે અને તેની આગામી સુનાવણી 29 તારીખે નક્કી છે. કોઈ સ્પષ્ટ કોર્ટ ઓર્ડર વિના કાર્યવાહી થઈ રહી હોવાનો પરિવારનો આક્ષેપ હતો.
પરિવારના દાવા બાદ સ્થળ પર દબાણ ધરાવનારાના વકીલ પણ પહોંચ્યા હતા. તેમણે અધિકારીઓને મુદ્દો ન્યાયાલયમાં વિચારાધીન હોવાનો સંદર્ભ આપી લેખિત આદેશ દર્શાવવા વિનંતી કરી હતી. વકીલ અને પાલિકાના લીગલ વિભાગ વચ્ચે ફોન પર ચર્ચા પણ થઈ હતી.
માહિતી અનુસાર કોર્ટ તારીખ સુધી કામગીરી રોકી શકાય તે દિશામાં વિચાર થતો હોવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. બીજી તરફ પાલિકાના અધિકારીઓએ બાંધકામ ગેરકાયદે હોવાનું જણાવતાં કમિશનરના સીધા આદેશ પર કાર્યવાહી થતી હોવાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.
હોબાળાને લઈ ટૂંક સમયમાં લોકોનું ટોળું એકત્ર થવા લાગ્યું હતું, જેના પગલે પોલીસના વધારાના દળે મોરચો સંભાળવો પડ્યો હતો. જેસીબી સામે સૂઈ ગયેલા યુવક સામે પોલીસે કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. પરિવારે વોર્ડ ઓફિસર પર અંગત અદાવત રાખી હેરાનગતિ કરતી હોવાથી જ દબાણ હટાવવાની કાર્યવાહી થઈ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.
પરિસ્થિતિ વધુ તંગ બનતાં વિસ્તાર ચર્ચામાં ગરમાયો થયો હતો. “અમને પહેલા મારી નાખો પછી તોડો” કહી પરિવારના સભ્યે આક્રોશ વ્યક્ત કર્યા બાદ વાતાવરણ વધુ સંવેદનશીલ બન્યું હતું. પરિવારનું કહેવું છે કે ઘર અને ધંધો તૂટી જશે તો તેમના નાના બાળકોથી લઈને આખો પરિવાર રસ્તા પર આવી જશે. કોર્ટ કેસ હોવા છતાં પાલિકાની કાર્યવાહી થઈ હોવાનું કહેવાતા મુદ્દે ક્ષેત્રમાં ભારે ચર્ચા ચાલી રહી છે.
(9:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
