News of Monday, 22nd December 2025
વડોદરામાં બહુચર્ચિત અકસ્માત કેસમાં હાઇકોર્ટે આરોપી રક્ષિત ચોરસિયાને જામીન મંજૂર કર્યાં
નશાની હાલતમાં કાર હંકારતા રક્ષિત ચોરસિયાએ અસાધારણ ગતિએ એક બાદ એક ત્રણ વાહનોને ટક્કર મારી હતી. આ ઘટનામાં એક મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નિપજયું હતું.

વડોદરામાં બહુચર્ચિત રક્ષિત ચોરસિયા અકસ્માત કેસ ફરી એકવાર ચર્ચામાં છે. ગુજરાત હાઇકોર્ટે આરોપી રક્ષિત ચોરસિયાને 9 મહિના બાદ જામીન મંજૂર કર્યાં છે.
શહેરમાં 13 માર્ચ, 2025ના રોજ બનેલી ઘટના દેશભરમાં વ્યાપક ચર્ચામાં આવી હતી. નશાની હાલતમાં કાર હંકારતા રક્ષિત ચોરસિયાએ અસાધારણ ગતિએ એક બાદ એક ત્રણ વાહનોને ટક્કર મારી હતી. આ ઘટનામાં એક મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નિપજયું હતું. અકસ્માત બાદ કારમાંથી ઉતરી રક્ષિતે “ANOTHER ROUND” બોલતા જે વિડિયો વાયરલ થયો હતો, તે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.
ઘટના બાદ પોલીસે રક્ષિત ચોરસિયાને ઝડપી લીધો હતો અને બે વખત રિમાન્ડ પર પણ લીધો હતો. તેના પર માનવ વધ સહિત એન.ડી.પી.એસ એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયા હતા. ઘટના એટલી ચકચારી હતી કે, તપાસ દરમિયાન પોલીસ દ્વારા પૂરતા પુરાવા એકત્રિત કરવા ખાસ તજવીજ હાથ ધરવામાં આવી હતી. પોલીસની તરફથી જાહેર થયું હતું કે, આ કેસમાં કસુરવારને કડક સજા થાય તે માટે કોઈ પણ પ્રકારની કચાશ રાખવામાં નહીં આવે. છતાંય તપાસ દરમિયાન અનેક મુદ્દાઓ પર શંકાઓ જાગી હતી.
વડોદરાની સ્થાનિક કોર્ટમાં રક્ષિત ચોરસિયાએ અગાઉ પણ જામીન અરજી કરી હતી, પરંતુ ગંભીર પ્રકૃતિના ગુનાઓને ધ્યાનમાં લેતા અરજી નામંજૂર કરી હતી. ત્યારબાદ તેણે ગુજરાત હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો, જ્યાં તેને આજરોજ જામીન મળતાં જ કેસ ફરી ચર્ચામાં આવ્યો છે.
હાઇકોર્ટના આ નિર્ણય બાદ અનેક પ્રશ્નો ઊભા થયા છે કે, શું પોલીસે આ કેસમાં પુરાવાની દિશામાં યોગ્ય તૈયારી કરી હતી? શું ઝડપ, નશા અને બેદરકારી જેવા ગંભીર મુદ્દાઓ છતાં જામીન મળવા પાછળ તપાસમાં કોઇ કમજોરી રહી?
આ અકસ્માતમાં જીવ ગુમાવનાર મહિલાના પરિવાર માટે આ નિર્ણય આઘાતજનક ગણાઈ રહ્યો છે. બીજી તરફ રક્ષિતના સમર્થકો આ નિર્ણયને ન્યાયિક પ્રક્રિયાનું પરિણામ ગણાવી રહ્યા છે.
(10:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
