તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd December 2025
વડોદરા-દાહોદ-વડોદરા વચ્ચે ડેઈલી અપડાઉન કરતાં મુસાફરોને મુશ્કેલી પડશે :2 જાન્યુઆરીથી મેમુ ટ્રેન રદ્દ
રેલવે વિભાગ દ્વારા મેઈન્ટેનેન્સના કામ સબબ વડોદરા-દાહોદ-વડોદરા મેમુ ટ્રેન રદ્દ કરવાનો નિર્ણય : 30 જાન્યુઆરીથી મેમુ ટ્રેન રાબેતા મુજબ દોડશે

વડોદરા અને દાહોદ વચ્ચે ડેઈલી અપડાઉન કરનારા હજારો મુસાફરો માટે નવું વર્ષ મુશ્કેલી લઈને આવી રહ્યું છે. હકીકતમાં રેલવે વિભાગ દ્વારા મેઈન્ટેનેન્સના કામ સબબ વડોદરા-દાહોદ-વડોદરા મેમુ ટ્રેન રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પશ્ચિમ રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ ટ્રેન નંબર 69233/69234 વડોદરા–દાહોદ–વડોદરા મેમૂ આગામી મહિને નિર્ધારિત સમયગાળા માટે સેવા આપશે નહીં. આ ટ્રેન 02 જાન્યુઆરી, 2026 થી 30 જાન્યુઆરી, 2026 સુધી સંપૂર્ણપણે રદ રહેશે.
રેલવે વિભાગે જણાવ્યું છે કે, આ નિર્ણય જરૂરી તકનીકી અને સંચાલન સંબંધિત કારણોસર લેવામાં આવ્યો છે. રેલવે લાઇન પર જાળવણી કામ, સિગ્નલિંગ અને અન્ય સુરક્ષા સંબંધિત કામગીરી હાથ ધરવાની હોવાથી ટ્રેન સેવા અસ્થાયી રીતે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુસાફરોની સુરક્ષા અને ભવિષ્યમાં વધુ સુગમ તથા સલામત સેવા આપવા માટે આ પગલું જરૂરી હોવાનું રેલવે અધિકારીઓએ જણાવ્યું છે.
વડોદરા–દાહોદ રૂટ પર રોજિંદા કામકાજ, શિક્ષણ તેમજ વ્યવસાય માટે મુસાફરી કરતા હજારો મુસાફરો આ મેમૂ ટ્રેન પર નિર્ભર છે. ટ્રેન રદ થવાના કારણે નિયમિત મુસાફરોને થોડી અસુવિધાનો સામનો કરવો પડી શકે છે. રેલવે દ્વારા મુસાફરોને વિકલ્પરૂપે અન્ય પેસેન્જર ટ્રેનો, એક્સપ્રેસ ટ્રેનો અથવા રોડ પરિવહનનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
રેલવે વિભાગે મુસાફરોને સલાહ આપી છે કે, તેઓ મુસાફરી પહેલાં ટ્રેનની સ્થિતિ અંગેની માહિતી અધિકૃત રેલવે વેબસાઈટ, રેલવે પૂછપરછ કેન્દ્ર અથવા મોબાઈલ એપ્લિકેશન મારફતે ચકાસી લેવી રેલવે અધિકારીઓએ વધુમાં જણાવ્યું છે કે, 30 જાન્યુઆરી, 2026 બાદ ટ્રેન ફરીથી નિયમિત રીતે શરૂ કરવામાં આવશે, જેથી મુસાફરોને ફરીથી દૈનિક અવરજવર માટે સુવિધા મળી રહેશે.
(11:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
