<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

ગિફટ સિટીમાં બે વર્ષમાં જ ૬૬૦૦ લિટર દારૂ પીવાયો

ગિફટ સિટીમાં કાયમી પરમિટ ધરાવતા ૧૦૧૯ કર્મચારી, અધિકારી : ગિફટ સિટીમાં રહેલા ઔદ્યોગિક એકમોની મુલાકાત અર્થે બહારથી આવતા વિઝિટરોને સરળતાથી ટેમ્‍પરરી પરમિટ મળશે

ગાંધીનગર તા.૨૪: (વિજય વસાણી દ્વારા )ગુજરાત સરકારે દારૂબંધીની નીતિ કે તેના કાયદામાં કોઇપણ પ્રકારના ફેરફાર કર્યા સિવાય ગિફટ સિટીમાં કેટલીક મર્યાદાના આધારે દારૂ પીવાની છૂટ આપી હતી, તેમાં વધુ સરળતા કરીને હવેથી ગિફટ સિટીની મુલાકાતે આવતાં અન્‍ય રાજ્‍યો તેમજ વિદેશી મહેમાનોને પણ શરાબ પીવાની છૂટ આપવામાં આવી છે. અલબત્ત, આવા લોકોએ પણ જરૂરી પરમિટ મેળવવાની રહેશે. જોકે, ડિસેમ્‍બર ૨૦૨૩માં ભૂપેન્‍દ્ર પટેલ સરકારે કેટલી શરતોને આધિન ગિફટ સિટીમાં નિયત પરમિટ શોપ્‍સ-હોટેલ્‍સમાં દારૂ પીવાની છૂટ આપી હતી. આ પછી અત્‍યાર સુધીમાં ૬૬૦૦ લિટર જેટલો દારૂ પીવાયો છે.

ગિફટમાં કામ કરતાં અધિકારીઓ, કર્મચારીઓ પૈકી ૧૦૧૯ લોકોએ કાયમી લિકર પરમિટ મેળવી છે. જ્‍યારે આવી કંપનીઓમાં યોજાતી કોન્‍ફરન્‍સ, વિદેશી મુલાકાતીઓને શરાબ પીવા માટે બે વર્ષમાં ૬૮૯૯ કામચલાઉ પરમિટ ઇસ્‍યૂ કરાઈ છે. તેના આધારે ડિસેમ્‍બર ૨૦૨૩થી નવેમ્‍બર ૨૦૨૫ સુધીમાં ૬૬૧૮ લિટર દારૂ પીવાયો હતો. ગિફટ સિટી ક્‍લબ અને હોટલ મર્કયુરી ૨ સ્‍થળોએ વાઇન એન્‍ડ ડાઈનની મંજૂરી છે. રાજ્‍યમાં ૪૫,૫૮૬ લોકો પાસે હેલ્‍થ પરમિટ છે. આ હેલ્‍થ પરમિટધારકો અધિકૃત લિકર સ્‍ટોરથી શરાબ ખરીદી શકે છે.

હવે ગ્‍લોબલ ફાયનાન્‍સિયલ અને ટેકનોલોજી હબ તરીકે ઉભરી રહેલા ગિફટ સિટીમાં ગ્‍લોબલ ઇનવેસ્‍ટર, ટેકનિકલ એક્‍સપર્ટ તેમજ ગિફટ સિટી ખાતે સ્‍થપાયેલી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્‍તરની કંપનીઓ માટે ગ્‍લોબલ બિઝનેસ ઇકોસિસ્‍ટમ તથા આર્થિક પ્રવૃતિઓમાં વધારો થાય તે હેતુથી ગિફટ સિટી વિસ્‍તારમાં અપાયેલી ‘વાઈન એન્‍ડ ડાઈન' ફેસિલિટીમાં જરૂરી ફેરફાર કર્યો છે. આ ફેરફાર મુજબ ગિફટ સિટીમાં રહેલા ઔદ્યોગિક એકમોની મુલાકાત અર્થે બહારથી આવતા વિઝિટરોને સરળતાથી ટેમ્‍પરરી પરમિટ મળશે. ગિફટ સિટીમાં મુલાકાત અર્થે આવતા અન્‍ય દેશના કે રાજ્‍યના મુલાકાતીઓ સરળતાથી વાઇન એન્‍ડ ડાઇન ફેસિલિટીનો ઉપયોગ કરી શકે તે માટે ગ્‍લોબલ બિઝનેસ ઇકોસિસ્‍ટમ ડેવલપ કરવાના હેતુસર ફેરફાર કરવામાં આવેલ છે. ગિફટ સિટીમાં યોજાતા આંતરાષ્ટ્રીય/રાષ્ટ્રીય લેવલના કોન્‍વેશન, કોન્‍ફરન્‍સ, બિઝનેસ મીટિગો જેવી ઇવેન્‍ટો અંતર્ગત ગ્રૂપ પરમિટ સરળતાથી ઇસ્‍યૂ કરી શકાય તે હેતુથી ઓથોરાઇઝડ ઓફિસર (ગિફટ એમ.ડી.)ને સત્તા અપાઈ છે. આ ફેરફાર ગુજરાત રાજ્‍યના નાગરિકોને લાગુ પડતો નથી

 

(10:20 AM IST)