<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

પરપુરુષ સાથે આડા સંબંધની શંકાએ પતિએ બાઈક પર બેસાડી અવાવરું જગ્યાએ લઇ જઈ ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી !!

અમદાવાદના કણભા વિસ્તારના ખેતરમાંથી અજાણી મહિલાની મળેલ લાશના ગુન્હાનો ભેદ પોલીસે ઉકેલ્યો : હત્યારા પત્ની ધરપકડ

અમદાવાદ ગ્રામ્યના કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખેતરમાંથી અજાણી મહિલાની મળેલી લાશ મામલે પોલીસને ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. ગ્રામ્ય પોલીસે મહિલાની ઓળખ કરી અને તપાસ કરતા હકીકત સામે આવી કે તેની હત્યા કરવામાં આવી છે અને હત્યા કરનાર અન્ય કોઈ નહીં પરંતુ તેનો જ પતિ છે. આ મામલે હત્યારા પતિની ધરપકડ કરી તપાસ શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ ગ્રામ્યના કણભા ગામની સીમમાં આવેલા ખેતરમાંથી 22મી ડિસેમ્બર 2025 ના રોજ એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી. જે મામલે કણભા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત દાખલ કરવામાં આવી હતી, જે કેસને લઈને ગ્રામ્ય એલસીબી ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી અને સીસીટીવી કેમેરા તેમજ વિસ્તારમાં આવતા જતા વાહનોની વિગતો તપાસ કરવામાં આવી હતી. જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે મરણ જનાર સ્ત્રી કમલાબેન રાજકુમાર દીવાકર છે અને તે ઓઢવમાં રહેતી હતી.
ગ્રામ્ય એલસીબીએ ઓઢવમાં આદિનાથ નગરમાં આશીર્વાદ સીટી ફ્લેટ ખાતે તપાસ કરતા તેનો પતિ રાજકુમાર દીવાકર મળી આવ્યો હતો, તેનાં પર પોલીસને શંકા જતા પૂછપરછ કરતા હત્યાની ઘટનાનો ભેદ ઉકેલાયો હતો. આરોપીની તપાસમાં સામે આવ્યું કે તેની પત્ની કમલાને અન્ય પુરુષ સાથે આડા સંબંધ હોય જેના કારણે તે પોતાના પિયરમાં જવાનું બહાનું કાઢી અન્ય પુરુષ સાથે 11 ડિસેમ્બર 2025 ના રોજ જતી રહી હતી અને 15 મી ડિસેમ્બરના રોજ પતિ પાસે પરત આવી ગઈ હતી. જે બાજ પણ તેણે પત્નીને અન્ય પુરુષ સાથે સંબંધો ન રાખવા માટે સમજાવી હતી, જોકે બાદમાં પણ તેણે પરપુરુષ સાથેના સંબંધો ચાલુ રાખ્યા હતા.
જે બાબતથી કંટાળીને 16 મી ડિસેમ્બર 2025 ના રોજ રાજકુમાર દીવાકરે પત્નીને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો. પોતાને છાતીમાં દુખાવો થતો હોવાનું ખોટું બહાનું કરી પત્નીને બાઈક ઉપર બેસાડી ઓઢવથી કઠલાલ રોડ ઉપર અવાવરું જગ્યાએ લઈ ગયો હતો. બાદમાં પત્ની સાથે ઝઘડો કરી મારામારી કરી ધક્કો મારી નીચે પાડી તેને ઇજાઓ પહોંચાડી હતી અને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી નાખી હતી. જે હત્યા કર્યા બાદ આરોપી પતિ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આરોપીની કબૂલાત બાદ આ મામલે કણભા પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ કણભા પોલીસને સોંપવામાં આવી છે.

(6:56 PM IST)