<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

સ્વ. પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીની 101મી જન્મજયંતિની ગુડ ગવર્નન્સ ડે તરીકે ઉજવણી :ગાંધીનગરમાં ભારત રત્ન સ્વ. અટલ બિહારીજીની પ્રતિમાનું અનાવરણ કરાયું

'નાગરિક દેવો ભવઃ’ના મંત્રને પાર પાડવા રાજ્ય સરકારની વિવિધ સેવાઓ પ્રકલ્પોનું ટેકનોલોજી વિનિયોગ સાથે લોન્ચિંગ કરાવતા મુખ્યમંત્રી - નાયબ મુખ્યમંત્રી:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નાનામાં નાના માનવીના કલ્યાણને કેન્દ્રમાં રાખીને શરૂ કરેલી યોજનાઓને સાકાર કરવાનું સેવાદાયિત્વ રાજ્યનું વહીવટીતંત્ર ગુડ ગવર્નન્સથી હંમેશા નિભાવે છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને વરિષ્ઠ મંત્રીઓની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ગુડ ગવર્નન્સ ડેની ઉજવણી અન્વયે નાગરિક કેન્દ્રિત પ્રશાસનની નેમ સાથે શ્રેણીબદ્ધ પ્રકલ્પો-યોજનાઓ-પોલીસીના લોન્ચિંગ કર્યા હતા.
ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ 25મી ડિસેમ્બરને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં ગુડ ગવર્નન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે
આ ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારના વિવિધ વિભાગો અને મુખ્યમંત્રી કાર્યાલયની સેવાઓને વધુ નાગરિક કેન્દ્રિત બનાવતી પહેલોનો પ્રારંભ કરાવ્યો હતો. 
મુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રી સાથે ગાંધીનગરના ચ-3 સર્કલ પર નિર્માણ થયેલી અટલ બિહારીજીની પ્રતિમાનું અનાવરણ કરીને ગુડ ગવર્નન્સ ડેની શરૂઆત કરાવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે વડાપ્રધાનશ્રીએ દરેક યોજનાઓમાં સામાન્ય માનવી અને ગરીબોને કેન્દ્રમાં રાખ્યા છે તેનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ગુડ ગવર્નન્સ-સુશાસનની સાચી સફળતા એ જ છે કે જ્યારે આવા માનવીઓને સેવાઓ અને યોજનાઓના લાભ સુપેરે સિનિશ્ચિત થાય.
રાજ્ય સરકારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘નાગરિક દેવો ભવ:’ના મંત્રને પાર પાડવા છેવાડાના માનવી સુધી કલ્યાણ યોજનાઓના લાભ પહોંચાડીને પ્રો-પીપલ ગવર્નન્સ સાકાર કર્યું છે તેનો શ્રેય તેમણે ટીમ ગુજરાતના સમગ્ર વહીવટી તંત્રને આપ્યો હતો.
મુખ્યમંત્રીએ કહ્યું કે, સુશાસન દિવસની ઉજવણી સમગ્ર વર્ષ દરમિયાન થાય તેવી કાર્ય સંસ્કૃતિ સાથે રાજ્ય સરકાર કાર્યરત છે અને ‘સ્વાગત’ ઓનલાઇન જેવી ફરિયાદ નિવારણની ટેકનોલોજીયુક્ત પદ્ધતિથી નાગરિકોના લાંબા ગાળાના પ્રશ્નોનું સુચારું નિવારણ લાવી શકાયું છે.
નાયબ મુખ્ય મંત્રી  હર્ષભાઈ સંઘવીએ આ અવસરે જણાવ્યું કે, રાજ્યનો નાગરિક જ્યારે તેની સમસ્યા લઈને સરકાર સમક્ષ આવે છે ત્યારે નાગરિકોને વારંવાર ધક્કા ન ખાવા પડે અને એક જ સમયે સંપૂર્ણ સમસ્યાનું સમાધાન આવી જવું જોઈએ. જેના માટે રાજ્ય સરકાર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. આધુનિક ટેકનોલોજીના અમલીકરણ સાથે કર્મયોગીઓની નાગરિકો પ્રત્યેનો હકારાત્મક અભિગમ પણ હોવો તેટલો જ જરૂરી છે. રાજ્ય સરકાર આ દિશામાં આગળ વધી રહી છે. 
તેમણે ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે મહેસુલ વિભાગના કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા છે જે સમગ્ર દેશ માટે આઈ ઓપનર કહી શકાય તેવા નિર્ણયો છે. પ્રધાનમંત્રી મફત વીજળી યોજનાને સુશાસનનું ઉત્તમ ઉદાહરણ ગણાવતા જણાવ્યું કે, આ યોજનાથી દેશનો નાગરિક આત્મસન્માન સાથે વીજળી ઉત્પન્ન કરી તેનો વપરાશ કરી શકે છે. આ યોજનાના લાભાર્થીઓની દ્રષ્ટિએ દેશમાં ગુજરાતનું યોગદાન 25 ટકાથી પણ વધુ છે.
  આ પ્રસંગે મુખ્ય સચિવ એમ. કે. દાસે જણાવ્યું હતું કે, ગુજરાત એક એવું રાજ્ય છે કે જે શરૂઆતથી જ સુશાસન માટે કટિબદ્ધ રહ્યું છે. આજે મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત આજે પણ સુશાસનની દિશામાં આગળ વધી રહ્યું છે. યુનાઇટેડ નેશન દ્વારા સુશાસનના સાત સિદ્ધાંતો વર્ણવ્યા છે. જેમાં પહેલો સિદ્ધાંત ભાગીદારીનો છે. ભાગીદારી એટલે જનતાની ભાગીદારી અને જનતાના પ્રતિનિધિની ભાગીદારી, માત્ર પોલીસી નિર્માણ માં ભાગીદારી નહીં પરંતુ એ પોલિસીના અમલીકરણમાં પણ જનતાની ભાગીદારી હોવી જોઈએ. બીજો સિદ્ધાંત છે કાયદાનું અનુશાસન, આ લોકતંત્રના પાયાનો સિદ્ધાંત છે. ગુજરાતમાં કાયદાના અનુશાસન સાથે પોલીસી નિર્માણ અને પોલીસીનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. ત્રીજો સિદ્ધાંત છે પારદર્શિતા, આજે ગુજરાતમાં દરેક તબક્કે પારદર્શિતા દાખવવામાં આવી રહી છે. ચોથો સિદ્ધાંત છે જવાબદારી, ગુજરાત સરકાર રાજ્યના નાગરિકો પ્રત્યે ખૂબ જ જવાબદાર છે રાજ્યમાં આવી પડતી કોઈપણ આફતના સમયે સરકાર નાગરિકોની પડખે ઊભી રહી તેમની સમસ્યાઓ નિવારે છે અને છેવાડાના માનવી સુધી ગુણવત્તાસભર સેવા પૂરી પાડે છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, પાંચમો સિદ્ધાંત છે રિસ્પોન્સિવનેસ, ગુજરાત સરકાર રાજ્યમાં આવતી કુદરતી કે માનવસર્જિત હોનારતોના સમયે નાગરિકોને પડતી સમસ્યાઓને પોતાની સમજીને તેને દૂર કરવા સતત પ્રયત્ન કરે છે. છઠ્ઠો સિદ્ધાંત છે સમાનતા અને સમાવિષ્ટતા, ગુજરાત સરકાર રાજ્યના દરેક નાગરિક માટે કોઈપણ ભેદભાવ રાખ્યા વગર સમાનતાના ધોરણે ગુણવત્તાસભર સેવાઓ પૂરી પાડે છે. સાતમો સિદ્ધાંત છે અસરકારકતા અને કાર્યક્ષમતા, રાજ્ય સરકારની કામગીરી સરકારે કાર્યક્ષમ હોવી જોઈએ. આજે મુખ્યમંત્રીના નેતૃત્વમાં આ સિદ્ધાંત પરિપૂર્ણ થઇ રહ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી, ઊર્જામંત્રી ઋષિકેષભાઈ પટેલ અને રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયાની ઉપસ્થિતિમાં આ અવસરે CM કાર્યાલયની AI આધારિત નવતર પહેલોના લૉન્ચિંગ કર્યા હતા. 
QR કોડ
સરકારી પત્રોને સિક્યોર QR કોડથી સુરક્ષિત કરવા અંગેના નવા ફીચર્સનો શુભારંભ કરાવ્યો હતો. શરૂઆતમાં આ પહેલ મુખ્યમંત્રી કાર્યાલયમાં અને ત્યાર પછી સરકારના વિવિધ વિભાગોમાં લાગૂ કરવામાં આવશે. QR કોડ સ્કેન કરીને ગવર્મેન્ટ ડોક્યુમેન્ટની સત્યતાની ખરાઈ થઈ શકશે અને તંત્રની વિશ્વસનીયતામાં ખૂબ મોટો સુધારો આવશે. 
G-સાર પોર્ટલ
દાયકાઓથી સંકલિત સરકારના કાયદા, નિયમો, ઠરાવો અને પરિપત્રોને AI આધારિત સર્ચ સાથે એક જ સ્થળે પર ઉપલબ્ધ કરાવતું ‘જી-સાર’ પોર્ટલ શરૂ કરાવ્યું હતું. 24 હજારથી વધુ સરકારી દસ્તાવેજોને ડિજિટલ સ્વરૂપ આપીને AI રિપોઝીટરીમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે. આ પોર્ટલ ઝડપી અને સચોટ નિર્ણયમાં મદદરૂપ બનશે. 
મુખ્યમંત્રી ફેલોશિપ કાર્યક્રમની કામગીરી, પ્રગતિ અને મૂલ્યાંકન માટે ટેક્નોલોજી આધારિત મોનિટરિંગ વ્યવસ્થા નાગરિકો સુધી પહોંચાડવા માટે સીએમ ફેલો મોનિટરીંગ પોર્ટલ પણ લૉન્ચ કરવામાં આવ્યું હતું. 
સી.એમ. ડેશબોર્ડ અંતર્ગત રાજ્ય સરકાર કલેક્ટર-ડી.ડી.ઓ.ની જેમ જ ૧૭ મહાનગરપાલિકાઓ તથા ૦૬ પ્રાદેશિક કમિશ્નરશ્રીઓની અગત્યની કામગીરીના મૂલ્યાંકન કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. 
જિલ્લા કલેક્ટર, ડીડીઓ, મહાનગરપાલિકા અને પ્રાદેશિક કમિશનરોની કામગીરીનું રિયલ-ટાઈમ મૂલ્યાંકન અને રેન્કિંગ થઈ શકે તે માટે રિઅલ ટાઈમ પર્ફોર્મન્સ મેઝરમેન્ટ સિસ્ટમ 2.0 (RTPMS 2.0) લૉન્ચ કરવામાં આવ્યું છે. શહેરી વિકાસ વર્ષના ભાગરૂપે શરૂ થયેલી આ પહેલથી  શહેરોના વિકાસનું મૂલ્યાંકન કરવામાં મદદરૂપ બનશે.
સુશાસન દિવસે મુખ્યમંત્રીએ ન્યૂઝ એનાલીસીસ 2.0 પોર્ટલનો પ્રારંભ કરાવ્યો હતો. AI દ્વારા દૈનિક સમાચારનું સ્વચાલિત વિશ્લેષણ, વિષયવાર વર્ગીકરણ અને ઝડપી કાર્યવાહી માટે આ ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ વધુ મદદરૂપ થશે.
આયુષ્માન ભારત યોજનામાં હોસ્પિટલોના પ્રદર્શનનું AI-મશીન લર્નિંગ આધારિત મૂલ્યાંકન અને ગુણવત્તા મોનિટરિંગ માટે PMJAY – હોસ્પિટલ પર્ફોર્મન્સ એનાલિટિક્સ શરૂ કરાવવામાં આવ્યું છે. PMJAY-MA યોજના લાભાર્થીને હોસ્પિટલ સ્તરે સમયસર સારવાર મળે તે સુનિશ્ચિત કરવા તથા તેનું અસરકારક યોગ્ય મોનીટરીંગ થાય તે માટે આ પોર્ટલ ઉપયોગી નિવડશે. 
AI-મશીન લર્નિંગ આધારિત કલ્સ્ટરીંગ દ્વારા રેન્કિંગ અને કી-ફાઈડીંગ્સ સાથે સરકારી અને ખાનગી હોસ્પિટલ્સની કાર્યક્ષમતા અને સેવાની ગુણવત્તાના મોનીટરીંગ માટે વિવિધ પેરામીટર્સ આધારીત હોસ્પિટલ રેન્કિગ કરવામાં આવશે.
એટલું જ નહિ, ડેશબોર્ડમાં GIS આધારિત લાભાર્થી દ્વારા લેવામાં આવતી સારવારના આધારે રોગ-બિમારીની પેટર્ન તથા દર્દીઓનું આગામી પાંચ દિવસોમા અન્ય જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે જતા હોય તેવા કેસોનું ટ્રાન્સફર ટ્રેકીંગ પેટર્નનું વિશ્લેષણ મેળવી શકાશે.
મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા AI ઇન્ટિગ્રેશન SWAGAT 2.0 પોર્ટ પણ લૉન્ચ કરાયુ હતું તેનાથી નાગરિક ફરિયાદ નિવારણ માટે રિયલ-ટાઈમ મોનિટરિંગ, ઓટો-એસ્કેલેશન અને AI આધારિત વિશ્લેષણ કરવામાં મદદ મળશે.
આ પોર્ટલ AI ફરિયાદોનો ગુણવત્તાયુક્ત નિકાલ કરવા ઉપરાંત, ફરિયાદોના મૂળ સુધી પહોંચશે. જો કોઈ એક જ પ્રકારની સમસ્યા કોઇ ચોક્કસ સેક્ટર કે વિસ્તારમાં વારંવાર આવતી હશે, તો આ આર્ટિફિશીયલ ઇન્‍ટેલિજન્‍સ રાજ્ય  સરકારને જણાવશે કે કઈ નીતિમાં સુધારો કરવાની જરૂર છે.
‘મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ’ના મંત્રને સાકાર કરતી આ તમામ પહેલોના લૉન્ચિંગથી રાજ્ય સરકારની સુશાસનની સ્પષ્ટ પ્રતિબદ્ધતામાં વધુ એક કદમ સાબિત થયું છે. એટલું જ નહિ, આ પહેલોના અમલથી નીતિ-નિર્ણય પ્રક્રિયામાં ઝડપ, સેવા વિતરણમાં સુધારો અને નાગરિક કેન્દ્રિત અભિગમને વેગ મળશે.
આ ઉપરાંત મિશન કર્મયોગી પ્રશિક્ષણ અભિયાન વર્ગ NRG વેબસાઈટનું અનાવરણ, અટલ સ્વાન્તઃ સુખાય વેબસાઈટ લોન્ચિંગ, ઉર્જા વિભાગની ત્રણ પોલિસીસ તેમજ IIMA,  IITGn, IRMA NFSU, BISAG જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે કેપેસિટી એન્હાન્સમેન્ટના એમ.ઓ.યુ. પણ કરવામાં આવ્યા હતા. તેમજ બેસ્ટ પ્રેક્ટીસીસ સંગ્રહ અને ચિંતન શિબિરની ફલશ્રુતિના પુસ્તકોના વિમોચન થયા હતા. 
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના વિભાગો અને ખાતાના વડાઓની કચેરીઓ માટે યોજાયેલી સ્વચ્છતા સ્પર્ધાના વિજેતાઓને ઇનામો એનાયત કર્યા હતા.
આ ઉજવણીમાં રાજ્યના વરિષ્ઠ સચિવો, વિભાગોના વડાઓ અને કર્મયોગીઓ જોડાયા હતા

(6:59 PM IST)