તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 26th December 2025
દાહોદની ખંગેલા બોર્ડર પર પોલીસ અધિકારી પર ટ્રક ચાલકનો હુમલો: આંખમાં ગંભીર ઇજા
ખંગેલા બોર્ડર પર વાહન ચેકિંગ દરમિયાન કતવારા પોલીસ સ્ટેશનના PI ઉમેશ ગાવિત પર ટ્રક ચાલક દ્વારા પથ્થરથી હુમલો

દાહોદ જિલ્લામાં પોલીસ પર હુમલાની ગંભીર ઘટના સામે આવી છે. ખંગેલા બોર્ડર પર વાહન ચેકિંગ દરમિયાન કતવારા પોલીસ સ્ટેશનના PI ઉમેશ ગાવિત પર ટ્રક ચાલક દ્વારા પથ્થરથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં PIને આંખના ભાગે ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, દાહોદના ખંગેલા બોર્ડર પર નિયમિત વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન મધ્યપ્રદેશ તરફથી આવતી એક આઇશર ટ્રકને ચેક પોસ્ટ પર રોકવા માટે PI ઉમેશ ગાવિતે સંકેત આપ્યો હતો. જોકે ટ્રક ચાલકે પોલીસની સૂચનાને અવગણીને ગાડી લઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તાત્કાલિક ટ્રકનો પીછો શરૂ કર્યો અને થોડે દૂર જઈને ટ્રકને પકડી પાડવામાં આવી હતી.
ટ્રક રોક્યા બાદ પોલીસે ડ્રાઇવર અને અન્ય શખ્સોની પૂછપરછ શરૂ કરી હતી. આ દરમિયાન વાહન કેમ ઊભું રાખવામાં આવ્યું તે મુદ્દે પોલીસ અને શખ્સો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી, જે બાદમાં ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ. આ દરમિયાન ઉશ્કેરાયેલા શખ્સે PI ઉમેશ ગાવિત પર પથ્થર ફેંક્યો હતો, જે સીધો તેમની આંખના ભાગે વાગતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. હુમલા બાદ આરોપીઓ ભાગવાનો પ્રયાસ કરતા હતા.
ઘટનાની જાણ થતાં જ દાહોદ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. સમગ્ર વિસ્તારને ઘેરી લઈને સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે ઝડપી કાર્યવાહી કરી બે શખ્સોની અટકાયત કરી છે, જ્યારે અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ ચાલુ છે. હુમલામાં વપરાયેલ વાહન પણ જપ્ત કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ, ઝડપાયેલા શખ્સો ક્યાંના રહેવાસી છે અને તેઓ ક્યાં જઈ રહ્યા હતા તે અંગે વિગતવાર પૂછપરછ ચાલી રહી છે. ઉપરાંત, ટ્રકમાં કોઈ ગેરકાયદેસર સામાન હતો કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ પર થયેલા હુમલાને ગંભીર ગુનો ગણાવી કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું છે.
આ ઘટનાએ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને લઈને ચિંતા ઊભી કરી છે. ફરજ પર રહેલા પોલીસ અધિકારી પર થયેલા આ હુમલાને લઈ પોલીસ તંત્ર એલર્ટ પર આવી ગયું છે અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
