News of Saturday, 27th December 2025
અમદાવાદ, વડોદરા, સુરત સહિત દેશના ૪૮ સ્ટેશનો પર ટ્રેનોની ક્ષમતા વધારવામાં આવશે, સુવિધાઓ પણ વધશે
હાલ રેલવે ટર્મિનલ પર નવા પ્લેટફોર્મ, સ્ટેબલિંગ લાઈન, પિટ લાઈન અને શંટિગ સુવિધા જોડવામાં આવશે

નવી દિલ્હી તા.૨૭: રેલવેએ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને દેશભરના ૪૮ સ્ટેશનોની ક્ષમતા ડબલ કરવાનો નિર્ણય લીધો છે. આ કામને પૂરું કરવાનો ટાર્ગેટ આગામી પાંચ વર્ષ રાખ્યો છે. જેમાં સ્ટેશનમાં પેસેન્જરની ક્ષમતાથી લઈને ટ્રેનોની સંખ્યા સુધી સામેલ છે. તેનો ઉદ્દેશ્ય વધતી મુસાફરોની સંખ્યા સંભાળવાનો, સ્ટેશનો પર ભીડ ઓછી કરવી અને દેશભરમાં કનેક્ટિવિટીને મજબૂત કરવાનો છે.
રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે રેલવે કોચિગ ટર્મિનલોનો વિસ્તાર અને ઓપરેશન ક્ષમતા વધારવાની દિશામાં કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે યાત્રીઓની વધતી માગને પૂરી કરવા અને ભીડ ઘટાડવા માટે ટર્મિનલ, પિટ લાઈન અને સિગ્નલિગ સિસ્ટમને અપગ્રેડ કરી રહ્યું છે.
રેલ મંત્રાલયે આ ટાર્ગેટને ૨૦૩૦ સુધીમાં પૂરો કરવાની તૈયારીમાં છે. જે અંતર્ગત હાલ રેલવે ટર્મિનલ પર નવા પ્લેટફોર્મ, સ્ટેબલિગ લાઈન, પિટ લાઈન અને શંટિગ સુવિધા જોડવામાં આવશે. મોટા શહેરની આસપાસ નવા ટર્મિનલ સ્ટેશન વિકસિત કરવામાં આવશે, જેથી મુખ્ય સ્ટેશનો પર પ્રેશર ઓછું થઈ શકે. મેગા કોચિગ કોમ્પ્લેક્સ જેવી સારી દેખરેખની સુવિધા તૈયાર કરવામાં આવશે. રેલ ટ્રેક અને સિગ્નલિગ સિસ્ટમને અપગ્રેડ કરવામાં આવશે, જેથી વધારે ટ્રેન સુરક્ષિત રીતે ચલાવી શકાય.
આ યોજના અંતર્ગત પુણે જેવા શહેરોમાં ખાલી સેન્ટ્રલ સ્ટેશન જ નહીં, પણ હડપસર, ખડકી અને આલંદી જેવા આજુબાજુના સ્ટેશનોને પણ વિકસિત કરવામાં આવી રહ્યા છે. આવી જ રીતે દેશના ૪૮ મોટા શહેરો માટે યોજના બનાવવામાં આવી રહી છે. આ શહેરોમાં લોકલ અને લોંગ ડિસ્ટન્સ ટ્રેનો માટે અલગ અલગ પ્રોજેક્ટ્સ હશે.
ભારતીય રેલવેએ આગામી ૫ વર્ષમાં મુખ્ય શહેરોની ટ્રેનોની શરુઆતી ક્ષમતા ડબલ કરવાનો પ્લાન બનાવ્યો છે. જેમાં કુલ ૪૮ મોટા શહેરોના નામ સામેલ છે. તેમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, હૈદરાબાદ, બેંગ્લોર, અમદાવાદ, પટના, લખનઉ, પુણે, નાગપુર, વારાણસી, કાનપુર, ગોરખપુર, મથુરા, અયોધ્યા, આગરા, પંડિત દીન દયાલ ઉપાધ્યાય જંક્શન, ચંડીગઢ, લુધિયાણા, અમૃતસર, ઈન્દોર, ભોપાલ, ઉજ્જૈન, જમ્મુ, જોધપુર, જયપુર, વડોદરા, સુરત, મડગાંવ, કોચીન, પુરી, ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, વિજયવાડા, તિરુપતિ, હરિદ્વાર, ગુવાહાટી, ભાગલપુર, મુઝફફરપુર, દરભંગા, ગયા, મૈસૂર, કોયંબટૂર, ટાટાનગર, રાંચી, રાયપુર અને બરેલી જેવા મહત્ત્વના રેલવે સ્ટેશનના નામ સામેલ છે.
(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
