<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

વિરમગામની ઐતિહાસિક શેઠ એમ.જે હાઈસ્કૂલ અને શ્રી કે.બી શાહના પુનઃ નિર્માણથી વિસ્તારના અનેક ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને લાભ થશે અને આવનાર ૨૦-૨૫ વર્ષ સુધી આ શાળાઓ નવું ભવિષ્ય તૈયાર કરશે: ધારાસભ્ય હાર્દિક પટેલ

શેઠ એમ.જે હાઈસ્કૂલના મેદાન સાથે અનેક યુવાનોના ઇતિહાસ જોડાયેલા છે અને હું પણ એ ઇતિહાસનો એક ભાગ છું : હાઈસ્કૂલના પુનઃ નિર્માણના કામનું ધારાસભ્યના હસ્તે ભૂમિ પૂજન : બે કરોડના ખર્ચે હેરીટેજ બાંધકામનું ધ્યાન રાખીને પુનઃનિર્માણ કરવામાં આવશે

રાજકોટ તા.૨૭ : વિરમગામના યુવા અને શિક્ષણપ્રેમી ધારાસભ્ય હાર્દિક પટેલના પ્રયાસોથી ભારત સરકાર સંચાલિત પાવરગ્રીડ કંપનીના CSR ફંડમાંથી વિરમગામ શહેરની ૧૨૫ જૂની ઐતિહાસિક શેઠ શ્રી એમ.જે હાઈસ્કૂલના પુનઃ નિર્માણના કામનું આજે ધારાસભ્ય હાર્દિક પટેલના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું. બે કરોડના ખર્ચે હેરીટેજ બાંધકામનું ધ્યાન રાખીને પુનઃનિર્માણ કરવામાં આવશે. હાર્દિકભાઈએ કહ્યું કે આ શાળાના ટ્રસ્ટી તરીકે શાળાના વિકાસ માટે હું અને શાળા પરિવાર કટિબદ્ધ બન્યા છીએ.

 વધુમાં વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું કે શેઠ એમ.જે હાઈસ્કૂલના મેદાન સાથે અનેક યુવાનોના ઇતિહાસ જોડાયેલા છે અને હું પણ એ ઇતિહાસનો એક ભાગ છું. શેઠ એમ.જે હાઈસ્કૂલ અને શ્રી કે.બી શાહના પુનઃ નિર્માણથી વિસ્તારના અનેક ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને લાભ થશે અને આવનાર ૨૦-૨૫ વર્ષ સુધી આ શાળાઓ નવું ભવિષ્ય તૈયાર કરશે. 

આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી પ્રફુલભાઈ રાવલ, ડૉ.દિલીપભાઈ પટેલ, પાવરગ્રીડ કંપનીના મુખ્ય અધિકારીઓ, શાળાના પ્રિન્સિપાલ દેવેન્દ્રસિંહ સિંધવ સહિતના સામાજિક, રાજકીય અને શિક્ષણ સાથે જોડાયેલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(1:02 PM IST)