<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

સુરતમાં અચાનક બેભાન થઈ ઢળી પડતા એક જ દિવસમાં એક વેપારી અને બે યુવાનોના અચાનક મોતથી અરેરાટી

સુરતમાં એક જ દિવસમાં ત્રણ વ્યક્તિઓના આ રીતે અચાનક થયેલા મોતને કારણે તબીબી જગતમાં પણ ચિંતા

સુરત શહેરમાં અચાનક બેભાન થઈને ઢળી પડવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અલગ-અલગ ત્રણ કિસ્સાઓમાં એક વેપારી અને બે યુવાનોના અચાનક મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. જેમાં ક્રિકેટ રમતા રમતા ગ્રાઉન્ડ પર જ ઢળી પડેલા 48 વર્ષીય વેપારીના મોતની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.

બારડોલીના બાબેન ગામમાં રહેતા 48 વર્ષીય અનિલકુમાર ડુંગરચંદ શાહ બારડોલીમાં સાડી અને રેડીમેઈડ ડ્રેસ મટીરીયલનો શો-રૂમ ચલાવતા હતા. શુક્રવારે સવારે તેઓ સુરતના ખજોદ પાસે આવેલા સી.બી. પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર જૈન સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા આવ્યા હતા. અનિલભાઈ બેટિંગ પૂર્ણ કર્યા બાદ જ્યારે ફિલ્ડિંગ ભરી રહ્યા હતા, ત્યારે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેઓ મેદાન પર જ બેભાન થઈને ઢળી પડ્યા હતા. સાથી ખેલાડીઓ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. અનિલભાઈના અવસાનથી તેમના બે પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

બીજી ઘટનામાં, મૂળ અમરેલીના વતની અને હાલ પુણાગામમાં રહેતા 46 વર્ષીય કિરીટભાઈ હિમંતભાઈ ભામરોલીયાનું મોત નીપજ્યું છે. કિરીટભાઈ લીંબાયતના નારાયણ નગરમાં ‘રિદ્ધિ ફેશન’ નામે કાપડનું ખાતું ચલાવતા હતા. ગુરુવારે બપોરે તેઓ જ્યારે પોતાની ઓફિસમાં કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક બેભાન થઈ ગયા હતા. તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

ત્રીજા બનાવમાં લીંબાયતના પ્રકાશનગરમાં રહેતા 32 વર્ષીય આકાશ વિનોદભાઈ માળીનું મોત થયું છે. આકાશ પુણાની જય ભવાની ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા એક એમ્બ્રોડરી ખાતામાં કામ કરતો હતો. ગુરુવારે કામ કરતી વખતે તે અચાનક બેભાન થઈ ગયો હતો. હોસ્પિટલ પહોંચાડતા પહેલા જ તેનું મોત નીપજ્યું હતું.

સુરતમાં એક જ દિવસમાં ત્રણ વ્યક્તિઓના આ રીતે અચાનક થયેલા મોતને કારણે તબીબી જગતમાં પણ ચિંતા જોવા મળી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ મોત હાર્ટ અટેકને કારણે થયા હોવાનું મનાઈ રહ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતના ચોક્કસ કારણો જાણી શકાશે.

(1:12 PM IST)