<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

સુરતમાં થર્ટી ફસ્ટને લઈને પોલીસ એલર્ટ : પોલીસ 'મોબાઈલ ફોરેન્સિક વાન' અને 'એન્ટી નાર્કોટિક્સ કીટ' સાથે ચેકિંગ કરશે

કોઈ વ્યક્તિએ જો નશો કર્યો હોય તો તેનો રિપોર્ટ સ્થળ જ પર આવી જશે: ડ્રોન કેમેરાથી પણ પોલીસ બાજ નજર રાખશે

સુરતમાં થર્ટી ફસ્ટને લઈને પોલીસ એલર્ટ મોડમાં છે. સુરતમાં પોલીસ 'મોબાઈલ ફોરેન્સિક વાન' અને 'એન્ટી નાર્કોટિક્સ કીટ' સાથે ચેકિંગ કરશે. જેથી કોઈ વ્યક્તિએ જો નશો કર્યો હોય તો તેનો રિપોર્ટ સ્થળ જ પર આવી જશે. આ ઉપરાંત ડ્રોન કેમેરાથી પણ પોલીસ બાજ નજર રાખશે.

જો તમે નવા વર્ષના સ્વાગત માટે આયોજિત પાર્ટીઓમાં ડ્રગ્સ, દારૂ કે અન્ય કોઈ નશાકારક પદાર્થોનું સેવન કરવાનું વિચારી રહ્યા હોવ તો સાવધાન થઈ જજો. સુરત પોલીસ આ વખતે માત્ર લાકડીઓ સાથે જ નહીં પણ હાઈટેક મશીનરી અને લેબોરેટરી સાથે નજર રાખી રહી છે.

સુરત પોલીસની ટીમો 'મોબાઈલ ફોરેન્સિક વાન' (FSL) અને 'એન્ટી નાર્કોટિક્સ કીટ' સાથે ચેકિંગ કરશે. આ ઉપરાંત સુરત શહેરના રસ્તાઓ પર પોલીસની ટીમ બ્રિથ એનેલાઇઝર મશીનો સાથે તૈનાત રહેશે.

સુરત પોલીસ પાસે આ વખતે માત્ર મોબાઈલ વાન જ નહીં પણ લેટેસ્ટ 'એન્ટી નાર્કોટિક્સ કીટ' પણ ઉપલબ્ધ છે. સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને ક્રાઈમ બ્રાન્ચ આ કીટ સાથે સજ્જ છે. આ બે કીટ એટલી પાવરફુલ છે કે, કોઈપણ વ્યક્તિએ ડ્રગ્સનું સેવન કર્યું હોય તો તેના સેમ્પલ લીધાના માત્ર 5 જ મિનિટમાં તે રિઝલ્ટ આપી દે છે. સ્થળ પર જ વૈજ્ઞાનિક પુરાવા મળતા હોવાથી પોલીસ તુરંત જ ધરપકડની કાર્યવાહી કરી શકશે.

આ ઉપરાંત સુરતની આસપાસના ફાર્મ હાઉસો અને ખાનગી આયોજનો પર નજર રાખવા માટે હાઈ-રિઝોલ્યુશન ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. જ્યારે કોઈપણ પાર્ટી કે ફાર્મ હાઉસ પર પોલીસ દરોડો પાડશે, ત્યારે આ વાન ત્યાં લાઈવ હાજર રહેશે. શંકાસ્પદ વ્યક્તિના સેમ્પલ લઈને આ વાનમાં રહેલા મશીનો દ્વારા તુરંત તપાસ કરવામાં આવશે. પછી ભલે તે કોઈ પણ પ્રકારનું સિન્થેટિક ડ્રગ્સ હોય કે દારૂ, મિનિટોમાં જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.

આ અંગે SOGના DCP રાજદીપસિંહ નકુમે જણાવ્યું કે, અમારી પાસે એન્ટી નાર્કોટીકસની બે કીટો છે, પ્રોહીબીશનની પણ કીટો છે અને FSLની બે મોબાઈલ વાન છે, આ ઉપરાંત અમારી ૫ ટીમો છે. સતત અમે ફાર્મ હાઉસ પર નજર રાખીશું, ડ્રોનથી પણ નજર રાખીશું અને જે કોઈ પણ પકડશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરીશું. આ ઉપરાંત જાહેરમાં જે લોકો ફટકડા ફોડશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરીશું. .

(7:50 PM IST)