તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 28th December 2025
ગુજરાતમાં દારૂબંધીના અમલ વચ્ચે બુટલેગરો અવનવા કિમીયા : વલસાડ જિલ્લાના પારડી નજીક કોસ્ટલ હાઈવે પર મોપેડ પર બિન્દાસ રીતે દારૂની હેરાફેરી કરતો બુટલેગર
જીતેશ માંગેલા નામના બુટલેગરને ઝડપી પાડ્યો : ₹15,000ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો હેરાફેરીમાં વપરાયેલ મોપેડ સહિત કુલ ₹45,000નો મુદ્દામાલ જપ્ત કર્યો

વલસાડ તા.૨૮ : ગુજરાતમાં દારૂબંધીના અમલ વચ્ચે બુટલેગરો અવનવા કિમીયા અજમાવતા હોય છે, પરંતુ ક્યારેક અતિશય આત્મવિશ્વાસ જ તેમને ભારે પડી જતો હોય છે. વલસાડ જિલ્લાના પારડી નજીક કોસ્ટલ હાઈવે પર મોપેડ પર બિન્દાસ રીતે દારૂની હેરાફેરી કરતા એક બુટલેગરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ હડકંપ મચી ગયો હતો. જોકે, વીડિયો સામે આવતા જ પારડી પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લીધો હતો.
વીડિયો વાયરલ થતા જ પોલીસ હરકતમાં
ઘટનાની વિગત મુજબ, પારડીના કોસ્ટલ હાઈવે પર એક શખ્સ પોતાની મોપેડ પર વિદેશી દારૂનો જથ્થો લાદીને પસાર થઈ રહ્યો હતો. આ દ્રશ્યો કોઈએ કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયા પર વહેતા કર્યા હતા. વીડિયો વાયરલ થતા જ સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા, જેનો વળતો જવાબ આપતા પારડી પોલીસે તાત્કાલિક નાકાબંધી કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
મુદ્દામાલ જપ્ત અને આરોપીની ધરપકડ
પોલીસે બાતમી અને વીડિયોના આધારે તપાસ હાથ ધરી જીતેશ માંગેલા નામના બુટલેગરને ઝડપી પાડ્યો હતો. તલાશી દરમિયાન તેની પાસેથી ₹15,000ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને હેરાફેરીમાં વપરાયેલ મોપેડ સહિત કુલ ₹45,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
બે મહિલા આરોપીઓ વોન્ટેડ
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ઝડપાયેલા બુટલેગરે કબૂલાત કરી હતી કે આ દારૂનો જથ્થો દમણથી લાવવામાં આવ્યો હતો. આ ગુનામાં માત્ર પુરુષો જ નહીં પરંતુ મહિલાઓની સંડોવણી પણ સામે આવી છે. દમણથી દારૂ મંગાવવા માટે પૈસા આપનાર અને આ નેટવર્ક ચલાવનાર બે મહિલા આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કરી છે અને તેમને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. પારડી પોલીસે વીડિયો પુરાવાને આધારે ત્વરિત કાર્યવાહી કરી ગુનાખોરી ડામવાનો પ્રયાસ કર્યો છે, જે સોશિયલ મીડિયા યુઝર્સમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
