<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th December 2025

હવે એસ.ટી.માં પણ મળશે 'ફ્લાઈટ' જેવો અનુભવ: તમારી સીટ પર ગરમાગરમ ભોજન પીરસશે ગુજરાત નિગમ

'ફૂડ ઓન બસ' પ્રોજેક્ટનો અમદાવાદથી પ્રારંભ: મુસાફરી દરમિયાન ઓનલાઈન ઓર્ડર કરો અને પિક-અપ પોઈન્ટ પર મેળવો મનપસંદ પેકડ ફૂડ, એસ.ટી. નિગમનો રેલવે અને વિમાન જેવો હાઈટેક અભિગમ

ગાંધીનગર/અમદાવાદ : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) હવે મુસાફરો માટે પરિવહન સેવાને લક્ઝુરિયસ બનાવવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ એસ.ટી. નિગમે 'ON DEMAND PACKED FOOD-FOOD ON BUS' નામનો નવતર પ્રોજેક્ટ શરૂ કર્યો છે. હવે એસ.ટી. બસમાં મુસાફરી કરતા પ્રવાસીઓને વિમાન કે તેજસ જેવી પ્રીમિયમ ટ્રેનોની માફક પોતાની સીટ પર જ પેકડ ફૂડ ઉપલબ્ધ થશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોને લાંબી સફર દરમિયાન હાઈજેનિક ખોરાક પૂરો પાડવાનો અને નિગમની નોન-ટ્રાફિક આવકમાં વધારો કરવાનો છે.

આ નવીન સેવાનો પ્રારંભ પાયલોટ પ્રોજેક્ટ તરીકે સૌપ્રથમ અમદાવાદથી કરવામાં આવશે. મુસાફરો નિગમની ઓનલાઈન ટિકિટ બુકિંગ સિસ્ટમ (OPRS) દ્વારા ટિકિટની સાથે જ એડવાન્સમાં ભોજનનો ઓર્ડર આપી શકશે. આ ઉપરાંત, જો મુસાફરી દરમિયાન ભૂખ લાગે, તો જે-તે પિક-અપ પોઈન્ટ પર પહોંચવાના ત્રણ કલાક પહેલા પણ ઓનલાઈન ઓર્ડર કરી શકાશે. અમદાવાદના રાણીપ, ગીતામંદિર, પાલડી, નરોડા પાટીયા અને સી.ટી.એમ જેવા મુખ્ય પોઈન્ટ્સ પરથી એજન્સી દ્વારા મુસાફરને સીધું બસમાં ફૂડ ડીલીવર કરવામાં આવશે.

નિયમોની વાત કરીએ તો, એસ.ટી. નિગમે સ્પષ્ટ કર્યું છે કે ફૂડ ડીલીવરીમાં કોઈપણ પ્રકારના પ્રતિબંધિત પદાર્થો જેવા કે ગુટકા, તમાકુ કે નોન-વેજ આઈટમ્સ આપી શકાશે નહીં. જો એજન્સી ભોજન પહોંચાડવામાં મોડું કરે અથવા અનિયમિતતા દાખવે, તો તેને ₹૫,૦૦૦ થી ₹૧૦,૦૦૦ સુધીનો તોતિંગ દંડ ફટકારવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ સુવિધા પૂરી પાડવા માટે નિગમે 'એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ' દ્વારા ખાનગી એજન્સીઓ પાસેથી બિડ મંગાવવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.

આ પ્રોજેક્ટ સફળ રહ્યા બાદ તેને રાજ્યના અન્ય મોટા શહેરો જેવા કે સુરત, વડોદરા અને રાજકોટમાં પણ અમલી બનાવવામાં આવશે. અત્યાર સુધી એસ.ટી. બસના મુસાફરોને હાઈવે પરના ઢાબા કે ડેપો પર મળતા સામાન્ય ખોરાક પર આધાર રાખવો પડતો હતો, પરંતુ હવે ટેકનોલોજીના ઉપયોગથી મુસાફરી વધુ સુખદ અને સ્વાદિષ્ટ બનશે. ગુજરાત એસ.ટી. નિગમનો આ અભિગમ સરકારી પરિવહન સેવાના આધુનિકીકરણની દિશામાં એક મોટું કદમ માનવામાં આવી રહ્યું છે.

(2:06 PM IST)