તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Sunday, 28th December 2025
અમદાવાદમા ફાસ્ટ ફૂડ અને મેંદાની બનાવટોના ટ્રેન્ડ વચ્ચે અમદાવાદીઓને સ્વાસ્થ્યપ્રદ અને પ્રાચીન સ્વાદ તરફ વાળવા માટે સોલા ભાગવત વિદ્યાપીઠના પરિસરમાં 'વિસરાતી વાનગી મહોત્સવ' શરૂ
31 ડિસેમ્બર સુધી શહેરીજનો એવી વાનગીઓનો આસ્વાદ માણી શકશે જે કદાચ આજની પેઢી માટે તદ્દન નવી કે અજાણી છે : રગડા પેટીસ કે આલુ ટિક્કી જેવી લોકપ્રિય વાનગીઓને હેલ્ધી ટ્વિસ્ટ આપવામાં આવ્યો છે

અમદાવાદ : અમદાવાદ શહેરમાં અત્યારે 31 ડિસેમ્બરની ઉજવણીનો માહોલ જામ્યો છે, ત્યારે ફાસ્ટ ફૂડ અને મેંદાની બનાવટોના ટ્રેન્ડ વચ્ચે અમદાવાદીઓને સ્વાસ્થ્યપ્રદ અને પ્રાચીન સ્વાદ તરફ વાળવા માટે સોલા વિસ્તારમાં એક અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. સોલા ભાગવત વિદ્યાપીઠના પરિસરમાં 'વિસરાતી વાનગી મહોત્સવ' શરૂ થયો છે, જ્યાં 31 ડિસેમ્બર સુધી શહેરીજનો એવી વાનગીઓનો આસ્વાદ માણી શકશે જે કદાચ આજની પેઢી માટે તદ્દન નવી કે અજાણી છે.
ફાસ્ટ ફૂડના યુગમાં પોષણનો સંગમ
આજના યુવાનોમાં નવી રેસ્ટોરન્ટ કે કાફેમાં જઈને ઇન-ઓર્ગેનિક અને ફાસ્ટ ફૂડ ખાવાનો ક્રેઝ વધ્યો છે. આ ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને મહોત્સવમાં વાનગીઓને એવી રીતે રજૂ કરવામાં આવી છે કે જે દેખાવમાં આધુનિક ટ્રેન્ડ જેવી લાગે પરંતુ ગુણોમાં સંપૂર્ણપણે ન્યુટ્રિશિયનથી ભરપૂર હોય. અહીં રગડા પેટીસ કે આલુ ટિક્કી જેવી લોકપ્રિય વાનગીઓને હેલ્ધી ટ્વિસ્ટ આપવામાં આવ્યો છે.
સ્વાદ સાથે સ્વાસ્થ્ય
મહોત્સવમાં સ્ટોલ ધરાવતા પ્રાચીબેને જણાવ્યું કે, સામાન્ય રીતે મળતી આલુ ટિક્કીમાં બટાકાનું પ્રમાણ વધુ હોય છે જેમાં પોષક તત્વો ઓછા હોય છે. તેના વિકલ્પ તરીકે અહીં 'બીટરૂટ રોલ' અને 'રતાળુ પેટીસ' તૈયાર કરવામાં આવ્યા છે. આ વાનગીઓમાં ઓર્ગેનિક કલર, તાજું પનીર અને બીટરૂટનો ઉપયોગ કરાયો છે, જે માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ હિમોગ્લોબિન વધારવામાં પણ મદદરૂપ થાય છે. યુવાનોને આકર્ષવા માટે આ હેલ્ધી ચાટને આધુનિક રીતે પીરસવામાં આવે છે.
મેંદાને ‘નો’, મિલેટ્સને ‘યસ’
વ્યસ્ત જીવનશૈલીમાં લોકો મેંદાથી બનતી વાનગીઓ ખાઈને પોતાના શરીરને નુકસાન પહોંચાડી રહ્યા છે. આ સમસ્યાના ઉકેલ રૂપે મહોત્સવમાં તમામ વાનગીઓ પ્રાકૃતિક મિલેટ્સ (ધાન્ય) માંથી બનાવવામાં આવી છે. અહીં જન્મદિવસની ઉજવણીમાં વપરાતી સામાન્ય કેકને બદલે રાગી, જુવાર, મધ અને કેળામાંથી બનેલી હેલ્ધી કેક ઉપલબ્ધ છે.
નવા ઇનોવેશન: રાગી પેનકેક અને જાવરુ
રુચિબેન નામના અન્ય એક એક્ઝિબિટરે જણાવ્યું કે, આ વર્ષે 'રાગી પેનકેક'નું નવું ઇનોવેશન રજૂ કરાયું છે. જેમાં 80 ટકા રાગી અને 20 ટકા જુવારના લોટ સાથે ખાંડને બદલે મધ અને કેળાનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત 'જાવરુ' નામની પરંપરાગત વાનગીમાં વિવિધ વેજિટેબલ્સ ઉમેરીને તેને નવો ઓપ અપાયો છે.
આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને મેંદાથી દૂર કરી ફરીથી આપણા પૌષ્ટિક મિલેટ્સ તરફ વાળવાનો છે. જો તમે પણ ખાવા-પીવાના શોખીન હોવ અને 31 ડિસેમ્બરની ઉજવણી કઈક હેલ્ધી રીતે કરવા માંગતા હોવ, તો ભાગવત વિદ્યાપીઠનો આ વિસરાતી વાનગી મહોત્સવ તમારા માટે શ્રેષ્ઠ પસંદગી સાબિત થશે.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
