<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

સુરત અને લંડનમાં નિર્માણ પામશે શ્રી ખોડલધામ મંદિર સંકુલ

રાજકોટ નજીક સાકાર થઇ રહેલ કેન્‍સર હોસ્‍પિટલ એન્‍ડ રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટની સમીક્ષા : આગામી સમયમાં અમદાવાદમાં ખોડલધામ સંકુલનું પણ આયોજન : કોર કમીટીની બેઠકમાં મહત્‍વના નિર્ણયો જાહેર

રાજકોટ : શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ દ્વારા ખોડલધામ ટ્રસ્‍ટના મુખ્‍ય કાર્યાલય ખાતે ટ્રસ્‍ટના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલની અધ્‍યક્ષતામાં એક કોર કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં અલગ અલગ બે જગ્‍યાએ શ્રી ખોડલધામ મંદિર સંકુલ નિર્માણની મહત્‍વની જાહેરાત કરવામાં આવી હતી. શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ દ્વારા કાગવડ સ્‍થિત શ્રી ખોડલધામ મંદિરની જેમ જ દક્ષિણ ગુજરાતની ધરતી પર સુરતમાં અને વિદેશની ધરતી પર લંડનમાં શ્રી ખોડલધામ મંદિર સંકુલના નિર્માણની જાહેરાત કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન હાલ ચાલી રહેલા પ્રોજેક્‍ટ અને આગામી સમયમાં હાથ ધરાનાર પ્રકલ્‍પોની ચર્ચા કરવામાં આવી હતી. ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ દ્વારા હાલ રાજકોટ નજીક અમરેલી ગામ પાસે અદ્યતન વૈશ્વિક કક્ષાની કેન્‍સર હોસ્‍પિટલ એન્‍ડ રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ ઉત્તર ગુજરાતમાં પાટણના સંડેર ગામ પાસે શ્રી ખોડલધામ સંકુલનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં આ બન્ને પ્રોજેક્‍ટ પૂર્ણ કરીને સમાજને અર્પણ કરવામાં આવશે. સાથે સાથે આવતા દિવસોમાં શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડના પ્રકલ્‍પો પ્રમાણે મધ્‍ય ગુજરાત એટલે કે અમદાવાદમાં એક શ્રી ખોડલધામ સંકુલ બનાવવાનું પણ આયોજન છે. સ્‍ટેચ્‍યૂ ઓફ યુનિટી પાસે પણ ભવનનું નિર્માણ કરવામાં આવશે. દરમિયાન હવે ટૂંક સમયમાં જ સુરત અને લંડનમાં નિર્માણ પામનાર શ્રી ખોડલધામ મંદિર સંકુલ પ્રોજેક્‍ટની વધુ વિગતો જાહેર કરવામાં આવશે. તેમ બેઠક સંબોધતા શ્રી નરેશભાઇ પટેલે જણાવ્‍યુ હતુ. 

(3:59 PM IST)