<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

ગુજરાતમાં પ્રતિ કલાકે ૫૦૦થી વધુ લોકોને માર્ગ અકસ્‍માતમાં ઈજા

આ વર્ષે ૧.૭૮ લાખથી વધુ વ્‍યક્‍તિ માર્ગ અકસ્‍માતમાં ઘવાયા : ગત વર્ષની સરખામણીએ ૯ ટકાનો વધારોઃ ગુજરાતમાં થતાં માર્ગ અકસ્‍માતના ૧૭ ટકાથી વધુ કેસ માત્ર અમદાવાદમાં

નવી દિલ્‍હી,તા.૩૦: ગુજરાતમાં રોડ એક્‍સિડેન્‍ટના કેસમાં ચિતાજનક રીતે વધારો નોંધાઈ રહ્યો છે. વર્ષ ૨૦૨૫માં અત્‍યારસુધી ૧,૭૮,૯૭૫ વ્‍યક્‍તિને રોડ એક્‍સિડેન્‍ટમાં ઈજા થયેલી છે. ગત વર્ષે રોડ એક્‍સિડેન્‍ટથી ૧,૬૫,૦૬૫ ઈજાગ્રસ્‍તો નોંધાયા હતા. આ સ્‍થિતિએ ગત વર્ષની સરખામણીએ રોડ એક્‍સિડેન્‍ટમાં ૧૦ ટકા જેટલો વધારો નોંધાયો છે. હાલની સ્‍થિતિએ ગુજરાતમાં પ્રતિ કલાકે ૨૧ અને પ્રતિ દિવસે ૫૦૦ વ્‍યક્‍તિને અકસ્‍માતમાં ઈજા થાય છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર  ગુજરાતના જે જિલ્‍લામાં માર્ગ અકસ્‍માતથી ઈજાના સૌથી વધુ કેસ નોંધાયા છે તેમાં અમદાવાદ જિલ્‍લો  મોખરે છે. અમદાવાદ જિલ્‍લામાં ૧ જાન્‍યુઆરીથી ૨૫ ડિસેમ્‍બર સુધી ૨૮૬૭૭ વ્‍યક્‍તિને માર્ગ અકસ્‍માતમાં ઈજા થઈ હતી. જેની સરખામણીએ ૨૦૨૩માં ૨૫૧૯૧, વર્ષ ૨૦૨૪માં ૨૭૮૮૬ વ્‍યક્‍તિને માર્ગ અકસ્‍માતમાં ઈજા બાદ ‘૧૦૮'ની મદદથી હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતા.અમદાવાદમાં રોડ એક્‍સિડેન્‍ટથી ઈજાના કેસમાં દર વર્ષે ૫-૫ ટકાનો વધારો થઈ રહ્યો છે. આ સ્‍થિતિએ અમદાવાદમાં પ્રતિ દિવસે ૮૦ વ્‍યક્‍તિ માર્ગ  અકસ્‍માતમાં ઈજાગ્રસ્‍ત થાય છે. રોડ એક્‍સિડેન્‍ટથી ઈજાના સૌથી વધુ કેસમાં સુરત ૧૮૯૮૩ સાથે બીજા, વડોદરા ૧૧૭૫૫ સાથે ત્રીજા જ્‍યારે રાજકોટ ૯૨૦૦ સાથે ચોથા સ્‍થાને છે.વર્ષ ૨૦૨૪ની સરખામણીએ વર્ષ ૨૦૨૫માં કેસમાં વધારો થયો હોય તેમાં મુખ્‍યત્‍વે સુરત, પંચમહાલ, નર્મદા, દાહોદ, બોટાદ, અમરેલીનો સમાવેશ થાય છે

કયા જિલ્‍લામાં વાહન અકસ્‍માતથી ઈજાના સૌથી વધુ કેસ?

જિલ્‍લો       ૨૦૨૫         ૨૦૨૪

અમદાવાદ   ૨૮,૬૭૭       ૨૭,૮૮૬

સુરત         ૧૮,૯૮૩       ૧૭,૯૬૩

વડોદરા      ૧૧,૭૫૫       ૧૧,૩૭૫

રાજકોટ      ૯,૨૦૦        ૮,૫૪૬

ગાંધીનગર   ૬,૩૦૨        ૫,૮૨૦

બનાસકાંઠા   ૫,૮૭૪        ૫,૪૮૮

પંચમહાલ    ૫,૭૮૨        ૪,૯૯૯

વલસાડ      ૫,૫૬૫        ૫,૦૫૫

દાહોદ        ૫,૫૬૦        ૪,૮૧૮

ખેડા          ૪,૨૯૮        ૪,૨૬૬

ભરૂચ         ૪,૭૫૨        ૫,૦૮૭

નવસારી     ૩,૯૯૭        ૩,૬૩૧

સાબરકાંઠા   ૩,૯૨૪        ૩,૫૨૩

રાજ્‍યમાં કુલ    ૧,૭૮,૯૭૫     ૧,૬૫,૦૬૫

(10:16 AM IST)