<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

બનાસકાંઠા અને ધ્રાંગધ્રામાં બે ભયાનક અકસ્માત, ૪ વ્યક્તિઓના કરૃણ મોત

ગુજરાતના માર્ગો રક્તરંજિતઃઘટનાની જાણ થતા જ વડગામ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પીકઅપ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

અમદાવાદ : ગુજરાતમાં માર્ગ અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. સોમવારે રાત્રે રાજ્યના બે અલગ-અલગ જિલ્લાઓમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતોમાં કુલ ૪ લોકોએ જીવ ગુમાવ્યા છે. બનાસકાંઠાના વડગામમાં રીક્ષા અને પીકઅપ ડાલા વચ્ચેની ટક્કરમાં બે મહિલાઓના મોત થયા છે, જ્યારે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર કાર પલટી જતાં બે યુવાનો કાળનો કોળિયો બન્યા છે.બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના લીંબોઈ નજીક એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. વડગામથી લીંબોઈ જતી પેસેન્જર રીક્ષાને પૂરઝડપે આવી રહેલા એક પીકઅપ ડાલાએ જોરદાર ટક્કર મારી હતી.

 અકસ્માત એટલો ભયાનક હતો કે રીક્ષામાં સવાર લીંબોઈ ગામની બે મહિલાઓના ઘટનાસ્થળે જ કરૃણ મોત નીપજ્યા હતા.ઘટનાની જાણ થતા જ વડગામ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પીકઅપ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર લીંબોઈ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

બીજી તરફ, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર હરીપર ગામ નજીક ગત મોડી રાત્રે એક કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી ખાઈને રોડ સાઈડના ખાડામાં ખાબકી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ક્રિપાલસિંહ ઝાલા અને બોનિલભાઈ દેસાઈ નામના બે યુવાનોને તબીબોએ મૃત જાહેર કર્યા હતા. કારમાં સવાર અન્ય બે યુવાનોને પણ નાની-મોટી ઇજાઓ પહોંચતા તેમને ૧૦૮ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાઇવે પર વારંવાર સર્જાતા અકસ્માતોને લીધે સ્થાનિકો અને વાહનચાલકોમાં વહીવટી તંત્ર સામે ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે.

 

 

(10:06 PM IST)