News of Tuesday, 30th December 2025
31 ડિસેમ્બરને લઈને અમદાવાદ પોલીસ એલર્ટ : પોલીસના 9040 જેટલા અધિકારી અને કર્મચારીઓ ખડેપગે :63 નાકાબંધી પોઇન્ટ પર કરાશે ચેકિંગ
ડી.સી.પી., એ.સી.પી., પી.આઈ.. પી.એસ.આઈ. કક્ષાના અધિકારી મોડી રાત સુધી રસ્તા પર રહીને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેની વિવિધ કામગીરીઓ સંભાળશે તેમજ દેખરેખ રાખશે: મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે 71 જેટલી ‘She Team’ પણ મેદાનમાં ઊતરશે

અમદાવાદ શહેરમાં આવતીકાલ 31મી ડિસેમ્બરે નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે, અમદાવાદ શહેર પોલીસના કુલ 9040 જેટલા અધિકારી અને કર્મચારીઓ ખડેપગે રહેવાના છે. જેમાં ડી.સી.પી., એ.સી.પી., પી.આઈ.. પી.એસ.આઈ. કક્ષાના અધિકારી મોડી રાત સુધી રસ્તા પર રહીને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેની વિવિધ કામગીરીઓ સંભાળશે તેમજ દેખરેખ રાખશે. આ ઉજવણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ શહેર પોલીસ સંપૂર્ણ રીતે સજ્જ અને કટિબદ્ધ છે. નવા વર્ષની ઉજવણીમાં નાગરિકોની સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેર પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
ખાસ કરીને મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે 71 જેટલી ‘She Team’ પણ મેદાનમાં ઊતરશે. શહેરમાં કુલ 63 નાકાબંધી પોઇન્ટ તથા 14 જેટલી ચેકપોસ્ટ ઊભી કરીને ડ્રગ્સ તથા અન્ય નશાકારક દ્રવ્યોની હેરાફેરી ના થાય તે માટે સૌ કોઈ ઉપર બાજનજર રાખવામાં આવશે.
આ ઉપરાંત, અમદાવાદ શહેરમાં QRTની 9 ટીમ, BDDSની 4 ટીમ, 123 જેટલી જનરક્ષક PCR વાન, 39 સ્પીડ ગન કેમેરાવાન, 2560 બોડીવાર્ન કેમેરા થકી પણ શહેરમાં મધ્યરાત્રી સુધી કાયદો વ્યસ્થા જળવાઈ રહે તે માટેનું મોનિટરીંગ કરવામાં આવશે. આ ઉપરાંત 443 જેટલા બ્રેથ એનાલાઈઝર અને સી.સી.ટી.વી સર્વેલન્સ માટે 4000થી વધુ કેમેરાનો ઉપયોગ કરાશે.
31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી સંદર્ભે અમદાવાદ શહેર પોલીસ દ્વારા વિશેષ પગલાં લેવાયાં છે. જેમાં ગેરકાયદેસર પ્રોહીબિશન પ્રવૃત્તિ સબંધે લિસ્ટેડ બુટલેગર્સ, અસામાજિક તત્ત્વો, તડીપાર ઇસમો, HS, MCR વગેરે પર નજર રાખી ચેક કરવામાં આવી રહ્યા છે. સ્પીડમાં વાહનો ચલાવનાર તથા સ્ટંટ કરતા વાહનચાલકો પર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ડ્રીંક એન્ડ ડ્રાઈવમાં કેસો કરવાની કાર્યવાહી પણ કરાઈ રહી છે. બંદોબસ્ત દરમિયાન જરૂરિયાત મુજબના મેગાફોન અને પીએ સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવશે. ક્રાઈમ બ્રાન્ચ, એસ.ઓ.જી. દ્વારા અલગ અલગ ટીમો બનાવી હોટેલ, ગેસ્ટ હાઉસ, ક્લબ, ફાર્મ હાઉસ પર ચેકીંગની કામગીરી કરાઈ રહી છે.
શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ, એસ.પી.રિંગ રોડ, સી.જી. રોડ નવરંગપુરા, એસ.જી.હાઈવે, સિંધુભવન રોડ, સોલા, સેટેલાઇટ, વસ્ત્રાપુર, આનંદનગર, એલિસબ્રિજ, ગાયકવાડ હવેલી, મણિનગર, અમરાઈવાડી જેવા વિસ્તારો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
નાગરિકોની સુરક્ષા માટે 9040 જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીઓ ખડેપગે રહેશે, જેમાં જે.સી.પી.અને એડિ. સી.પી. કક્ષાના 05 અધિકારીઓ, ડી.સી.પી. કક્ષાના 16 અધિકારીઓ, એ.સી.પી. કક્ષાના 28 અધિકારીઓ, પી.આઈ. કક્ષાના 115 અધિકારીઓ, પી.એસ.આઈ. કક્ષાના 225 અધિકારીઓ અને 5000 જેટલા હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કર્મચારીઓ, 02 એસ.આર.પી.ની કંપની અને 3500 જેટલા હોમગાર્ડ્સના જવાનો ફરજ પર હાજર રહેશે
(11:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
